*અમદાવાદના વસ્ત્રાપુર ખાતે રૂ.૧૫૨ કરોડના ખર્ચે નિર્મિત બી કેટેગરીના ૫૨૦ બહુમાળી આવાસોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીનીતિનભાઈ પટેલ*
અમદાવાદ: નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું છે કે, કર્મચારીઓ પોતાના જે-તે કાર્ય સ્થળે રહે અને તેમને રહેવા માટેની સારી સગવડ મળે તો તેમની કાર્યક્ષમતામાં વધારો થતો હોય છે અને તેમનુ કાર્ય સારી રીતે કરી શકે છે. કર્મચારીઓને અધ્યતન અને ગુણવત્તાસભર મકાનો ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે પરિણામલક્ષી કામગીરી હાથ ધરી છે અને આ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર અને ગુલબાઇ ટેકરા અમદાવાદ ખાતે રૂ. ૧૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડી-૧, સી અને બી -કક્ષાના ૫૨૦ બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદબોધનમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ૩૦ વર્ષ થી પણ વધુ સમય પહેલા બનેલ મકાનોમાં આધુનિક સગવડ ન હોવાને કારણે તથા મકાનો જૂના થવાથી નાના–મોટા રિનોવેશન જરૂરી બનતા હોય છે. આ ઉપરાંત નવા બનનાર મકાનો બહુમાળી હોવાને કારણે વધુ કર્મચારીઓનો સમાવેશ કરી શકાય છે. પાછલા કેટલાક વર્ષોથી સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓની ભરતી મોટા પ્રમાણમાં થતા આવાસોની જરૂરીયાત ઉભી થઈ છે તેવામાં સરકાર દ્વારા તમામ જિલ્લા અને તાલુકાઓમા રૂ.૧૯૬૩ કરોડના ખર્ચે અત્યાધુનિક આવાસોનું નિર્માણ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે.એટલું જ નહી પરંતું પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રીશ્રી આવાસ યોજના અંતર્ગત પણ સબસીડી આપીને ગરીબ પરિવારોને ઘરનું ઘર ઉપલબ્ધ કરાયું છે.
આવાસ મેળવનારા પરિવારોને આવાસની ચાવી અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું હતુ કે, જે જમીન પર ૫૨ વધારે ક્વાટર્સની કેપેસીટી હતી ત્યાં કેટલાક ફેરફાર કરી ઉંચા ટાવર બનાવી નવા કવાટર્સ ઉભા કરવામાં આવ્યા છે. આવાસ મેળવનારા પરિવારોને સુખ અને સમૃધ્ધિ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પણ તેમણે પાઠવી હતી.
મુખ્ય ઈજનેર શ્રી પી.એમ.ચૌધરી એ જણાવ્યું હતું કે, આ સંકુલમાં જુના રહેણાંકના સ્થળે નવા અને સુવિધાપુર્ણ મકાનો બનાવીને કર્મચારીઓના જીવન ધોરણને ઉંચુ લાવવાનો પ્રયાસ કરાયો છે. આ અગાઉ આ જ સરકારી વસાહતમાં ડી, સી અને બી ટાઇપના ૧૨ ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને તેમા આજે ૫૦૦ કરતા વધારે કર્મયોગી પરિવારો નિવાસ કરે છે. આજે અર્પણ કરાયેલા આવાસોમાં મોડ્યુલર કીચન, અદ્યતન ટાઈલ્સ, ફાયર સેફ્ટી તેમજ અન્ય સુવિધાઓ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઇ પરમાર, પૂર્વ મેયરશ્રી અમિતભાઇ શાહ, ધારાસભ્યો સર્વ શ્રી કિશોરસિંહ ચૌહાણ, ભુપેન્દ્રભાઈ પટેલ, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી એસ.બી.વસાવા,અધિકારીઓ,પદાધિકારીઓ, પરિવારના સભ્યો તથા સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.