ગુજરાતના માલધારી સમાજના ૧૪ વર્ષના બાળકે સિંહને પડકારી ૨૦ ગાયોની રક્ષા કરી

ગુજરાતની એક પ્રખ્યાત અને ખૂબ જૂની કવિતા ચારણ કન્યા જેવો કિસ્સો સાવરકુંડલાના એક ગામમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક નાની એવી ચારણ કન્યા વાછરડાને સિંહના મૂખમાંથી છોડાવવા માટે તેનો પીછો કરીને સિંહને ભગાડ્યો હતો તેમ એક ૧૪ વર્ષના બાળકે જંગલનાં રાજાથી પોતાની ગાયોની રક્ષા કરવા માટે લાકડીનો ઘા કર્યો હતો. આ દૃશ્યો જોઈએ પાંચ જેટલી ભેંસોએ સિંહને ભગાડ્યો હતો. ૧૪ વર્ષના બાળકની હિંમતના કારણે ગાયો સિંહથી બચીને ઘરે સલામત પહોંચી હતી. ગામના લોકોએ બાળકની બહાદૂરીના ખૂબ વખાણ કર્યા હતા. રિપોર્ટ અનુસાર સાવરકુંડલાના શેલાણા ગામમાં રહેતા માલધારી પરિવારના શિવા અને કૈલાસ નામના પિતરાઈ ભાઈ-બહેન સોમવારે શેલાણાના પાટીની સીમામાં ૨૦ ગાયો અને ૫ જેટલી ભેંસોને ચરાવવા માટે લઇ ગયા હતા. સાંજના સમયે જંગલના કેસરીએ મારણ કરવાના ઈરાદેથી એક ગાય પર હુમલો કર્યો હતો. સિંહે ગાયના પીઠના ભાગે પંજો મારતા ગાયને ઈજાઓ થતા ૧૪ વર્ષનો શિવા સિંહની સામે બાથ ભીડવા માટે તૈયાર થઇ ગયો હતો. પોતાની ગાયનું રક્ષણ કરવા માટે શિવાએ તેના હાથમાં રહેલી લાકડી સિંહની સામે ઘા કરી હતી. શિવાએ સિંહનો પ્રતિકાર કરતા પાંચ ભેંસો ગાયને બચાવવા માટે આગળ આવી, ભેંસોએ સિંહ તરફ દોટ મૂકતા સિંહ પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો હતો. આ ઘટના પછી બંને ભાઈ-બહેન ગાયો અને ભેંસોને લઇને ઘરે આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચને થતા તેમને તાત્કાલિક પશુ ડૉક્ટરને બોલાવીને ગાયની સારવાર શરૂ કરાવી હતી. આ ઉપરાંત સરપંચે સમગ્ર ઘટનાની જાણ જંગલ વિભાગના અધિકારીઓને કરીને માલધારી પરિવારના હિતમાં ઘટતું કરવાની માગ કરી હતી અને બંને ભાઈ-બહેનની બહાદુરીના વખાણ કર્યા હતા.