બરફની લારી જેવો રશ આઇસક્રીમ પર… આઇસ્ક્રીમમાં પણ ગજબ ગુજરાતીકરણ, ભજીયાના આઇસક્રીમ કે આઇસક્રીમના ભજીયા મળતા થઈ ગયાં…

Good Morning….

યાદ કરો એ દિવસો, ઉનાળામાં ડીનર પછીનો સમય. બરફની લારી પર પરિવારો ભેગા થાય અને ફરીથી ડીનર જેટલો ચિત્રવિચિત્ર કલરવાળો બરફ આરોગતા હોય… બરફમાં દહીં, છાસ, ચિઝ, માખણ, ડ્રાયફ્રુટ… કદાચ હવે ખિચડી નાખવાની બાકી હશે… બાકી કોક બરફની લારીવાળો “ખીચડી વીથ બરફ” પણ શોધશે…
હા, બરફની લારી જેવો રશ આઇસક્રીમ પર… આઇસ્ક્રીમમાં પણ ગજબ ગુજરાતીકરણ, ભજીયાના આઇસક્રીમ કે આઇસક્રીમના ભજીયા મળતા થઈ ગયાં…
દુનિયાભરના ડ્રાયફ્રુટથી માંડી કોફી સુધી આઇસક્રીમ સામાન્ય થતો ગયો છે…. આઇસક્રીમ તો આજે પણ જેટલો જોઈએ એટલો અવેલેબલ છે, પણ કોરોનાએ મિત્રો અને પરિવારોના સંગાથ તોડી નાખ્યા… હા, નાના હતા ત્યારે એક રૂપિયામાં એક સ્પૂન અને બે રુપિયામાં ડબલ… આઇસક્રીમવાળો ધાતુના કપમાં ડિલિવરી કરવા આવે અને બધા ભેગા મળીને જલસો કરે… યુવાપેઢીને ખબર નહીં હોય પણ આઇસક્રીમ એક સમયે લકઝરી પ્રોડક્ટ ગણાતી…
આમ તો આઇસક્રીમ આપણી પ્રોડક્ટ નથી, છેક દશમી સદીથી આઇસક્રીમ મળે છે પણ દોઢસો વર્ષ પહેલા બોસ્ટનમાં કોમર્શિયલ ઉત્પાદન શરૂ થયું.
ઇટલીમાં તથા ચીનમાં પણ આઇસક્રીમ બહુ જૂની પ્રોડક્ટ છે.
અમેરિકન આજેય દુનિયામાં સૌથી વધુ આઇસક્રીમ ખાનારી પ્રજાતિ કહી શકાય. કપ ખૂટી પડતાં કોન પણ અમેરિકનોની ભેજાની પેદાશ છે. વિશ્વની ટોપ ટેન બ્રાન્ડમાં હજી આપણે દેખાતા નથી. અમેરિકન જુલાઈમાં નેશનલ આઇસક્રીમ મન્થ ગણીને ખૂબ આઇસક્રીમ ઝાપોટે છે, પીનેવાલે કો બહાના… જેવું.. એમાં પણ ત્રીજો રવિવાર આઇસક્રીમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયાની ખૂશી પણ આઇસક્રીમ ખઇને ઉજવવામાં આવેલી….જો કે હવે ચીનાઓ પહેલા નંબર માટે અમેરિકનને હરીફાઇ આપી રહ્યા છે…
સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ચોકલેટ, સ્ટ્રોબેરી ગમે તે ટેસ્ટ આવે પણ પહેલો નંબર વેનિલાનો રહ્યો છે… વિશ્વમાં સૌથી વધુ આઇસક્રીમ પણ રવિવારે જ ખવાય છે… ભેગા થવું પડે….પણ ચોકલેટ આઇસક્રીમ વેનિલા કરતાં જૂનો છે. ઇટલીનો ચોકલેટ આઇસક્રીમ સર્વોત્તમ ગણવામાં આવે છે. આમ તો દુનિયાભરમાં આઇસક્રીમના એક હજાર કરતાં વધુ સ્વાદ ડેવલપ કરવામાં આવ્યા છે, આમાં ભજીયા કે પાનનો આઇસક્રીમ આવે કે નહીં એ આપણને ખબર નથી….
રોમન સમ્રાટ નીરો રાસબેરિઝ સાથે લીંબુ શરબતનો શોખીન હતો, સોળમી સદીમાં રેફ્રિજરેટરની શોધ પછી ઇટલીમાં આઇસક્રીમના ચાહકો વધવા લાગ્યા હતા, પણ આઇસક્રીમ તે સમયે ઉમરાવો માટે હતો…
સાઇકોલોજીવાળાઓ અભ્યાસ માટે આઇસક્રીમને છોડે? આઇસક્રીમની ફ્લેવર પર શોધો કરી નાખી… જે વેનિલા પ્રેમીઓ છે એ સીધાસાદા, સરળ અને કંટાળાજનક લોકો હોય છે, આદર્શવાદી હોય એટલે કુંડળીમાં મંગળ જેવું…
મંગળ હોય એટલે થોડા સેક્સી હોય… એટલે તો બંને મંગળિયા રાખવામાં આવે છે એવું જ વેનિલાનું છે… બે વેનિલા ચાહકોનું પ્રેમજીવન લાંબુ ચાલે….
ચોકલેટ આઇસક્રીમવાળા નાટકીયા હોવા સાથે લાઇવ હોય છે, બીજા પર જલદી ભરોસો કરે એવા…
તો પછી દરવખતે મેનુ કાર્ડમાં નવો ટેસ્ટ શોધવાવાળા કેવા હશે? એમના માટે લખવું જરૂરી છે?
આજથી અભ્યાસ કરતા રહો કે બીજાને ક્યો આઇસક્રીમ પસંદ છે, પછી અપની અક્કલ લગાઓ અને સમજવાની કોશિશ કરતાં રહેજો….બધું મારે શીખવવાનું ના હોય.
અટકો ત્યાં તો ટોકીયો યુનિવર્સિટી એવું માને છે કે, નાસ્તામાં એટલે કે સવારમાં જે લોકો આઇસક્રીમ ખાતા હોય એ બધા કાયમી જીનિયસ… નાસ્તામાં આઇસક્રીમ ખાવો જોઈએ એવી સલાહ પણ આપી છે.
જો કે હવે આઇસક્રીમ પણ હેલ્થ કોન્સિયસ ડેવલપ થઈ રહ્યો છે. એક અભ્યાસ મુજબ આઇસક્રીમ આપણે આરોગીએ છીએ ત્યારે એ મોંમાં તાડવાને સ્પર્શે છે. મોંમાં સ્વાદ સાથે ઠંડક ફેલાવે છે જે તાડવા મારફતે છેક મગજ સુધી પહોંચે છે… પરિણામે માણસ શાંત બને છે અને સામાન્ય દર્દોને ભૂલી જાય છે. સામે પક્ષે એ પણ યાદ રાખવું કે આઇસક્રીમ ઝડપી ખાવા માટે નથી, નહીં તો માથાનો દુઃખાવો શરૂ થશે….
સરવાળે જેને જે કહેવું હોય એ કહે…. અમે તો ભોજન પછી પાનનો પણ આઇસક્રીમ બનાવી દીધો છે, કોરોનાયુગમાં આદુનો આઇસક્રીમ પણ બનાવી દીધો છે… જે સાઇકોલોજીવાળાઓને શોધવું હોય એ શોધે… પણ લારીથી બ્રાન્ડેડ સુધી આઇસક્રીમ જિંદગીમાં ઓગળી ગયો છે… જેમ માસ્ક વગર કશું અધુરુ લાગે તો આઇસક્રીમ સાથે પરિવારોના મેળાવળા વિના કશું મધુરું ન લાગે….

Deval Shastri🌹