*દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા કન્યા વિદ્યાલયના આચાર્યની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી; સીએમના હસ્તે થશે સન્માનિત*

*દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા કન્યા વિદ્યાલયના આચાર્યની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી; સીએમના હસ્તે થશે સન્માનિત*

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૪ સમારોહ યોજાનાર છે જેમાં મુખ્યમંત્રીના વરદહસ્તે રાજ્યમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગૌરવ સમા અને હરહંમેશ વિદ્યાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષણની જ્યોત પ્રસરાવનાર શિક્ષક શંકરસિંહ બારીયાની શ્રેષ્ઠ રાજ્ય શિક્ષક તરીકે પસંદગી થઈ છે.

શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાંખે, પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે. શિક્ષકો તો મીણબત્તી જેવા હોય છે જે પોતે બળી વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાશ ફેલાવવાનું કર્યા કરે છે. વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષકનું અમૂલ્ય યોગદાન છે એવા જ એક શિક્ષક શંકરસિંહ બારીયા વિશે જાણીએ.

એક ઉમદા શિક્ષક તરીકે તેમના શૈક્ષણિક જીવન પર નજર કરીએ તો, વર્ષ ૧૯૯૫માં પ્રાથમિક શિક્ષક તરીકે શૈક્ષણિક સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૧માં ભાણવડ તાલુકાના બી.આર.સી. કો- ઓર્ડીનેટર તરીકે ૧૬ વર્ષ ઉત્તમ ફરજ બજાવ્યા બાદ વર્ષ ૨૦૧૮ થી કન્યા શાળા ભાણવડમાં આચાર્ય તરીકે નિયુક્ત થયા હતા. ત્યાં તેમણે પોતાના શૈક્ષણિક અનુભવ અને વિદ્યાર્થીઓની ઉત્તમ કારકિર્દી નિર્માણ માટે કરેલા અથાક પ્રયત્નો થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવામાં કોઈ કચાસ રાખી નથી.

ઉપરાંત શંકરસિંહના શિક્ષણ પ્રત્યેના રચનાત્મક અભિગમ થકી શાળામાં ૫૪ જેટલાં સરકારી કર્મચારીઓના સંતાનો અભ્યાસ કરે છે. ઉપરાંત વર્ષ ૨૦૨૩માં દેવભૂમિ દ્વારકામાં પી.એમશ્રી શાળા તરીકે ભાણવડ કન્યા પ્રાયમરી સ્કૂલને ઉત્તમ ગુણાંક તરીકે પસંદગી અપાવનાર,શાળાની દરેક શૈક્ષણિક, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ – સ્પર્ધાઓમાં દર વર્ષે રાજ્ય કક્ષા સુધી પહોંચાડનાર, NMMS, CET, સંસ્કૃત ગૌરવ પરીક્ષા, ચિત્રકામ પરીક્ષા, PSE, જ્ઞાન સાધના, નવોદય જેવી તમામ પરીક્ષાઓમાં પોતાના બાળકોને પરીક્ષા અપાવી અને તાલુકા અને જિલ્લા કક્ષાએ મેરીટમાં લાવી બાળકો, શાળા અને ભાણવડને ગૌરવ અપાવ્યું છે.

કન્યા શાળા ભાણવડમાં ૨૦૧૮માં આચાર્ય તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે ગુજરાતી માધ્યમમાં માત્ર ૧૭૬ ની સંખ્યા હતી, આજની તારીખે આ શાળામાં કુલ ૪૪૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામા બન્ને માધ્યમમાં કુલ ૪૫૦ જેટ્લા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી આ શાળામાં પ્રવેશ મેળવેલ છે. તેમજ શાળામાં કરેલ પ્રવૃત્તિઓ વિશે જોઈએ તો આ જગ્યા પર કુલ ૧૬ રૂમનું નિમાર્ણ કાર્ય પ્રગતિમાં છે. શાળામાં ત્રણ વર્ષથી એન્યુઅલ ડેની શાનદાર ઉજવણી, વર્ષ – ૨૦૧૮-૧૯નો શાળાને જિલ્લાનો શાળા સ્વચ્છતા એવોર્ડ, ગુણોત્સવ- ર૦૧૮-ર૦૧૯માં પ્રથમ વાર શાળાને ગુણોત્સવમાં એ ગ્રેડ, ગુણોત્સવ – ર૦ર૦માં શાળાનો એ ગ્રેડ. , શાળામાં ગ્રીન સ્કુલ અંતર્ગત પ૬૧ જેટલા ફુલ – ઝાડનો ઉછેર અને જાળવણી, શાળાના બિલ્ડીંગમાં અધતન સુધારો અને જાળવણી શાળાની ભૌતિક સુવિધા વધારવા માટે લોકફાળો મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે.

ઉપરાંત શાળામાં સંપૂર્ણ સીસી ટીવી કેમેરાથી સજજ બિલ્ડીંગ, કલાસમાં પી.એ.સીસ્ટમથી માઈક સુવિધા, જિલ્લાની એક માત્ર ઓટોમેટીક બેલ સિસ્ટમ ધરાવતી ‘સરકારી શાળા, દરેક કલાસમાં ગ્રીન બોર્ડની સુવિધા આર.ઓ.નું શુદ્ધ પીવાનું પાણી, વિદ્યાર્થીઓને આનંદ આપે એવું ઓપન એમ.પી.થીયેટર. , બોયઝ માટે અલગ રમવા માટેનો એરીયા, શાળામાં તમામ સંગીતના સાધનોની ઉપલબ્ધતા, લોન કટીંગ માટે કટરની સુવિધા, ન્યુઝપેપર તથા મેગેઝીન માટેનું સ્ટેન્ડ, લાયબ્રેરી, ત્રણ માઈક સિસ્ટમ, બે ટેલિવિઝન ,આધુનિક કોમ્પ્યુટર લેબ, કુલ ૧૫ કોમ્પ્યુટરની અધ્યતન લેબની સુવિધા થકી વિદ્યાર્થીઓ ઉમંગ સાથે શિક્ષણ મેળવી રહ્યા છે.

ત્યારે આવા શ્રેષ્ઠ શિક્ષક સન્માનિત થતાં હોય ત્યારે વિદ્યાર્થીઓ પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.