🔔 માંદગી, બંદગી અને જિંદગી !
આ અણમોલ જીવનમાં સમય બહુ જ પાયાનું અસરકારક પરીબળ છે. મારા સંબધીઓ માટે તેમના મુશ્કેલીના સમયમાં હું ફુલ-પાંખડી સમાન ધન, કીંમતી સમય, ઓળખાણ ને હિલોળા લેતા હૈયા સાથે માંક્ડા જેવું મગજ
જેટલુ પણ ફાળવું છું તેને, હું ગમતીલા લોકોમાં કરેલું મારું નફા વગરનું સર્વશ્રેષ્ઠ રોકાણ ગણું છું !
વૈશ્વિક આફત ટાણે નિંદા, તુલના, ફરિયાદ, સરખામણી, ઈર્ષ્યા, અધર્મ, અસત્ય, દુરાચાર અને વ્યભિચારથી જેટલા દૂર રહીશુ એટલા જ પોતાને કુદરતની સમીપે પામીશુ. કુદરતની નજીક રહીશુ તો આનંદ, પરમાનંદ, નિજાનંદ, ધર્મ, સત્ય, શિષ્ટાચાર, સુખ, શાંતિ, સંપતિ, તંદુરસ્તી, બળ, બુદ્ધિ, વિદ્યા અને કુદરતનું શરણ પ્રાપ્ત થશે એ ચોક્કસ છે અને એ જ સનાતન સત્ય છે. સદાયે સત્કર્મ કરી કુદરતની અસીમ કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. આ બધી દુર્લભ શક્તિ પ્રાપ્તિ માટેની “સફળ કેડી”ને પ્રાર્થના કે પ્રેયર કે બંદગી તરીકે ઓળખીએ.
ભયનું નિવારણ ભરોસો અથવા શ્રદ્ધા છે. આત્મબળ કોઈ જગ્યાએ વેચાતું મળતું નથી. આત્મજ્યોતિ પોતાના નિર્ધારથી જ પ્રજ્જવલિત સંભવે. માંહ્યલો જ્યારે દૃઢ નિશ્ચયી બની જાય ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં ઉલ્કાપાત અથવા દેવદૂતની ફોજ સર્જી શકે છે. આ તર્ક સમજવા નીચે મુજબની પ્રચલિત વાતનું સ્મરણ આવશ્યક બની જાય છે.
ગંભીર બીમારીઓની સારવાર કરનાર એક બહુ જ હોંશિયાર ડૉક્ટર હતા જે મોતની નજીક પહોંચી ગયેલા માણસોને ય પાછા લઈ આવતા. ડૉક્ટર પાસે જે દર્દી આવે તેમની પાસે તે ડૉ. એક ફોર્મ ભરાવે. દર્દીને કહેતા, તમે આ ફોર્મમાં લખો કે, જો તમે બચી જશો તો તમે બાકીની જિંદગીમાં કેવી રીતે જીવશો ?
દરેક દર્દીઓ પોતાના દિલની વાત લખતા – હું બચી જઈશ તો મારા પરિવાર સાથે પૂરતો સમય વિતાવીશ, મારા દીકરા અને દીકરીના સંતાનો સાથે પેટ ભરીને રમીશ. કોઈએ પોતાનો ફરવા જવાનો શોખ પૂરો કરવાની વાત કરી તો કોઈએ એમ પણ લખ્યુ કે, મારાથી જે લોકોને દુઃખ થયું છે એમની પાસે જઈને માફી માંગીશ. એક દર્દીએ કહ્યું કે, હસવાનું થોડુંક વધારી દઈશ. જિંદગી સામે કોઈ ફરિયાદ નહીં કરું. આત્મા દુભે નહીં એવું કામ કરીશ.
ડૉક્ટર સારવાર કરે. દર્દી રજા લઈને જાય ત્યારે ડૉક્ટર એ જ ફોર્મ દર્દીને પાછું આપે અને કહે કે, પાછા તબિયત બતાવવા આવો ત્યારે આ ફોર્મમાં તમે જે લખ્યું છે એના પર નોંધ કરતાં રહેજો અને કહેજો કે, તમે લખ્યું હતું એ રીતે કેટલું જીવ્યા ?
ડૉક્ટરના કહેવા પ્રમાણે, એકેય માણસે એવું નહોતું લખ્યું કે, જો હું બચી જઈશ તો મારે જે વેર વાળવું છે એ વેર વાળી લઈશ, મારા દુશ્મનને ખતમ કરી નાખીશ, હું વધુ રૂપિયા કમાઈશ, મારી જાતને વધુ બિઝી રાખીશ. દરેકનો જીવવાનો નજરિયો જુદો જ હતો.
દર્દીને ડૉક્ટર સવાલ પૂછતા કે, તમે સાજા હતા ત્યારે તમને આ રીતે જીવતા કોણ રોકતું હતું ? હજુ ય ક્યાં મોડું થયું છે ? બે ઘડી વિચાર કરો કે તમારી જિંદગીમાં એવું જીવવાનું કેટલું બાકી છે, જેવું જીવવાનું તમે ઇચ્છો છો !? તો આજે જ બસ, એ રીતે જીવવાનું શરૂ કરી દો.
સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થવાનું હોય ત્યારે કોઈ અફસોસ ન હોય ! એવું ન લાગે કે, હું મારી જિંદગી, મને ગમે એમ જીવ્યો નથી ! અત્યારે કોઈને નડવું નહીં, લડવું નહીં, કહેવું ય કડવું નહીં ને ખાસ તો “અડવું” પણ નહીં.
આજનું શ્રેષ્ઠ શસ્ત્ર કે શાસ્ત્ર મક્કમ મનોબળ છે. રોગ તેમજ ઝેરના લેખા-જોખા જરા વિચિત્ર છે. મરવું હોય તો જરાક પીવું પડે અને જીવવું હોય તો અપાર પીવું પડે પરંતુ ઉગ્ર તપશ્ચર્યા ગ્રહો તથા વિધી-વિધાનોમાં ય પરીવર્તન આણી દે છે ! શબ્દો તો રાત પડતાં સુઈ જાય છે, સુવિચારોને જ રાતભર જાગી સુપ્રભાત લાવવાનું ભાન હોય છે. માણસ ગમે તેટલો સમજદાર હોય પણ જો કોઈની મમતા સભર આરતીની લાગણી ન સમજે તો એવી સમજદારીનો કોઈ મતલબ નથી ! દુઃખનું કારણ કર્મનો અભાવ, સુખનું કારણ કર્મનો પ્રભાવ, શાંતિનું કારણ પોતાનો સ્વભાવ હોય છે. કિંમતી તો ઘણું બધુ હોય છે, જીવનમાં પણ દરેક વસ્તુની કિંમત ફકત સમયસરની આરાધના જ સમજાવી શકે છે. પગરખા, પહેરવેશ, પરીચિતો જો વારંવાર દુ:ખ દે તો સમજી લેવું કે તે આપણાં માપના નથી પરંતુ પ્રાર્થના પરીણામો બદલવા સક્ષમ છે !
સ્વામી બ્રહ્મવેદાંતજી અનુસાર કૃપાનું ગણિત જુદું છે. આપણો પ્રયત્ન એટલો જ કે કોડિયામાં તેલ ને વાટ તૈયાર હોય. આ બધું તૈયાર હોય અને પેટાવેલો દીવો છે એ પાસે આવે. પેટાવેલો દીવો જેવો પાસે આવે કે આપણો દીવો પ્રગટી જાય. આ ઘટનામાં રહસ્ય એ છે કે આ પ્રક્રિયામાં પેટેલા દીવાનું કંઈ ઓછું થતું નથી, જ્યારે જે પેટાવવાનું બાકી હતું એને બધું મળી જાય છે. આને કૃપા કહે છે. કૃપાનું ગણિત જુદું છે. દીવાથી દીવો પેટાઈ જાય. આ એક અમૂલ્ય સુવર્ણ અવસર છે. પણ સામે દીવો હાજર હોય એ પહેલાં આપણે યકીન, સંભાવનાઓરૂપી કોડિયું, વાટ અને તેલ તૈયાર રાખવા પડે. પણ આ તૈયાર કરવામાં જન્મારો વહી જાય છે.
મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો. તમારી હોય કે મારી, હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે ! જીદ તમારી આપોઆપ ઓછી થતી જણાશે,
જવાબદારી તમારા જીવનમાં જેમ જેમ દાખલ થતી જણાશે !
ખંત, ધગશ, ઉત્સાહથી તો હરાયેલી મનાતી બાજીઓ પણ જીતી જવાતી હોય છે, કારણ કે એની ઉપાસનામાં હક્કભરી અરજ થતી હોય છે. સર્જનહારની પવિત્ર હાથોની માટીથી બનેલા માણસ નામના રમકડાં ક્યાંક તૂટી ન જાય એવી થોડીક મહેરબાની, દયા કરજો, ઉપરવાળા !
જાણીએ છીએ કે, વર્તમાન પરિસ્થતિ માટે અમે જ જવાબદાર છીએ. અમે અમારી જાતને સર્વશક્તિમાન હોવાનું નિરર્થક ઘમંડ કરી બેઠા હોઈશુ. કદાચ દરેક પવિત્ર ધર્મ સ્થાન પર અમે રાજકારણ રમીએ છીએ.
હક્કનું છોડી બીજાની થાળીનું પણ છીનવી લેવાની નીચ હરકતો કરતા પણ શરમ સંકોચનો અનુભવ કર્યો નહીં હોય, માનવીય લાગણીના સંબધોમાં ય સ્વાર્થ માટે કાંચીડાની જેમ રંગ બદલતા અમે વાર લગાડી નથી, અધમ પ્રકારની કાળાબજારી, નક્લી-જીવલેણ અોષધિઓની વિકૃત રમતો રમતા રમતા અમુક તો ભૂલી ગયા કે તમે અંતર્યામી તો કણકણમાં વસેલા છો.
કોની બાજી ક્યારે ઊંધી વાળવી અને કોની ચત્તી કરવી એ તમારાથી વધારે કોણ જાણતું હોય, વિધાતા ? ખિસ્સામાં રૂપિયાથી ભરેલ પાકીટ હોવા છતાં ખિસ્સામાંથી છુટ્ટા ગોતીને ગોલખમાં પરચુરણનો સિક્કો મુક્તા અંદરથી દાનવીર કર્ણ જેવો અનુભવ અમે કરતા હતા ! આવી સંકુચિત ભાવનાને કારણે જ આજે અમે હોસ્પિટલોના લાખોના બિલો ચૂકવી રહ્યા છીએ, છતાંય જીવ ઉચ્ચક. જાણતા અજાણતા હે પ્રભુ, અમે તમારી મજાક કરવાનું પાપ કર્યું હોય તો બે હાથ ને ત્રીજું મસ્તક તમારા ચરણમાં ઝુકાવી માફી માંગીએ છીયે. અમારી આજીજી સાંભળજો, પરવરદિગાર !
હવે અમારા વધારે કપડાં ખેંચી અમારા જન્મ વખતની (નગ્ન) અવસ્થામાં મૂકી ન દેતા.
દેવળ, મસ્જિદ, ગુરુદ્વારા, મંદિરોના દરવાજા બંધ કરી તમે સીધી જ રીતે અમારી સામે અણગમો વ્યક્ત કરી દીધો છે. આપ આપવા બેસો ત્યારે છપ્પર ફાડીને આપો છો અને લેવા બેસો ત્યારે છાતી ઉપર પગ રાખી હિસાબ માંગો છો. હે ઈસુ, અમને બાળક સમજી આ વખતે માફ કરી દયો. અમે તમને સમજવામાં ભૂલ કરી બેઠા છીએ. બધાંને સહ-પરિવાર સ્વસ્થ અને સુખી રાખજે, માડી. હોસ્પિટલોને ખાલી કરી દરેક સ્વજનોની આંખોએથી આંસૂ લૂછી ફરીથી અમારું જીવન આનંદ કિલ્લોલ કરતું કરી દ્યો !
જૅમણે પણ વિચાર્યુ છે તે કાફી છે :
કૃપા છે પ્રભુની કે તું તારા ઘરમાં છે,
પૂછ એમને જે અટક્યા સફરમાં છે !
ચહેરા નથી જોવાયા અંતિમ સમયે,
પુત્ર હોસ્પિટલે ને પિતા કબરમાં છે !
તારા ઘરમાં ભર્યુ છે રાશન વર્ષભરનું,
એનું વિચાર, જેને રોટીની ચિંતા છે !
તારે શી ઉતાવળ છે બહાર ફરવાની,
આખી દુનિયા કુદરતની કેદમાં છે !
વ્હેમ ન કર, જરાય સાંભળતી નથી,
હમણાં કુદરત એના જ સુરમાં છે !
ક્યારેક જીવવાની આશા, ક્યારેક મનની નિરાશા, ક્યારેક ખુશીનો તડકો, ક્યારેક હકીકતનો છાંયડો, કૈંક ગુમાવીને કૈંક મેળવવાની આશા, બસ આજ છે જીવનની પરિભાષા ! કિનારે પહોંચવું સાવ સહેલું નથી – જોઈ લેજો સાગરને, એના મોંઢે પણ ફીણ વળી જાય છે; એક ભવમાં અનેક અનુભવ ! આનું નામ જ જીંદગી !! અખાત્રીજ તથા ઇદ્ પર્વે શુભેચ્છાભિનંદન🙏
– નિલેશ ધોળકીયા