કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં અનધિકૃત કબજો કરી વાણિજ્ય હેતુસર કરાયેલ બાંધકામને તાત્કાલિક અસરથી દૂર કરવા ગરૂડેશ્વર મામલતદાર તરફથી ફટકારેલી નોટીસ

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :
કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં અનધિકૃત કબજો કરી વાણિજ્ય હેતુસર કરાયેલ બાંધકામને તાત્કાલિક અસરથી દૂર કરવા ગરૂડેશ્વર મામલતદાર તરફથી ફટકારેલી નોટીસ

.પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. ને ૫.૨ હેક્ટરની ફાળવણી કરેલ હોવાં છતાં કોઈ પણ જાતની મંજૂરી વગર તેમના દ્વારા હે.૭-૬૫-૫૧ ચોમી જમીનનો ઉપયોગ કરાયો

સરકારી ખરાબાની જમીનમાં પણ દબાણ કરી વાણિજ્ય હેતુસરનો ઉપયોગ કરાયો

તાત્કાલિક અસરથી તેમના ખર્ચે અને જોખમે તેમના દ્વારા દુર કરવા તથા અનધિકૃત કબજો છોડવા પણ ગરૂડેશ્વર મામલતદાર તરફથી નોટીસ


રાજપીપલા,તા 3

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા મામલતદાર તરફથી કેવડીયામાં અમદાવાદની મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા ટેન્ટસીટી-૨ માં સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરીને વાણિજ્ય હેતુસરના કરાયેલા બાંધકામને તાત્કાલિક અસરથી દૂર કરવા તા. ૨ જી જૂન, ૨૦૨૧ ના રોજ જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ-૬૧, કલમ-૭૯-એ (એ) તથા કલમ-૨૦૨ ની જોગવાઇ મુજબની નોટીસની બજવણી કરીને તાત્કાલિક અસરથી તેમના ખર્ચે અને જોખમે ઉક્ત અનધિકૃત કબજો દૂર કરવાની (છોડવાની) સૂચના અપાઇ છે.

આ નોટીસમાં જણાવ્યા મુજબ અધિક કલેક્ટર SOU ADTG ઓથોરીટી, એડમીનીસ્ટ્રેટર, SOU ADTG ઓથોરીટી, મામલતદાર, SOU ADTG ઓથોરીટી, મામલતદાર-ગરૂડેશ્વર, પરિક્ષેત્ર વન અધિકારી-કેવડીયા તથા ડી.આઈ.એલ.આર. SOU ADTG દ્વારા તા.૨૯-૦૫-૨૦૨૧નાં રોજની સંયુક્ત તપાસણી દરમ્યાન મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ-ગાંધીનગર દ્વારા તેમની સાથે કરવામાં આવેલ કરારની વિગતો રજૂ કરવા જણાવેલ હોવા છતાં રજુ કરેલ ન હતી. સંયુક્ત ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી જમીનની માપણી કરાવેલ વિગતો આધારે પ્રથમ દર્શનીય રીતે ટેન્ટસીટી-૨, મોજે. લીમડી ગામનાં સર્વે નંબર ૬૦, હે. ૪૮-૮૭-૮૬ આરે ચોમી પૈકી હે. ૧-૮૯-૨૩ આરે ચોમી (સરકારી ખરાબાની) અને સર્વે નં. ૬૪, ક્ષેત્રફળ હે. ૧૩-૫૩-૭૩ આરે ચોમી છે તે પૈકી હે.૦૫-૭૬-૨૮ આરે ચોમીનાં ક્ષેત્રફળ જેટલી જમીનનો ઉપયોગ કરી ટેન્ટસીટી-૨ નું નિર્માણ કરવામાં આવેલ છે. આમ, ૧-૮૯-૨૩ ચોમી (સરકારી ખરાબાની) તથા ૫-૭૬-૨૮ ચોમી મળી કુલ હે. ૭-૬૫-૫૧ ચોમી જમીનનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. આમ, TCGL દ્વારા મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. ને ૫.૨ હેક્ટરની ફાળવણી કરેલ હોવાં છતાં કોઈ પણ જાતની મંજૂરી વગર તેમના દ્વારા હે.૭-૬૫-૫૧ ચોમી જમીનનો ઉપયોગ કરવામાં આવેલ છે. ટેન્ટસીટી-૨ નાં બાંધકામ બાબતે મંજૂર થયેલ બાંધકામનાં નકશા બાબતે તપાસણી ટીમ દ્વારા માગણી કરેલ હોવાં છતાં તેમના તરફથી કોઈ પણ આધાર પૂરાવા રજૂ કરવામાં આવેલ નથી, જેથી મંજૂર થયેલ નકશા મુજબ બાંધકામ થયેલ છે કે કેમ તે બાબત પણ સ્પષ્ટ થતી નથી.

વધુમાં જણાવ્યા મુજબ, સરદાર સરોવર નર્મદા નિગમની સંપાદિત જમીન પૈકી TCGL દ્વારા મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. સાથે કરાર કરીને ફાળવવામાં આવેલ ૫.૨ હેક્ટર જમીન પર જ ટેન્ટસીટીનું નિર્માણ કરવાનું હતું, જ્યારે તેમના દ્વારા મોજે. લીમડી તા.ગરૂડેશ્વરનાં સર્વે નં.૬૦ ની ક્ષેત્રફળ હે. ૪૮-૮૭-૮૬ આરેચોમી પૈકી હે.૧-૮૯-૨૩ ચોમી સરકારી ખરાબાની જમીનમાં પણ દબાણ કરી વાણિજ્ય હેતુસરનો ઉપયોગ કરેલ જણાય છે. જેથી સરકારી ખરાબાની જમીન પર અનધિકૃત કબ્જો કરી કરેલ વાણિજ્ય હેતુસરનાં બાંધકામને જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ ૬૧, કલમ ૭૯-એ(એ) તથા કલમ – ૨૦૨ ની જોગવાઈ મુજબ તાત્કાલિક અસરથી તેમના ખર્ચે અને જોખમે તેમના દ્વારા દુર કરવા તથા અનધિકૃત કબજો છોડવા પણ ગરૂડેશ્વર મામલતદારશ્રી તરફથી ઉક્ત નોટીસમાં જણાવાયું છે.

સદરહું મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની સંપાદિત જમીન પર TCGL દ્વારા થયેલ કરારની શરતોમાં ઉલ્લેખ હોવાં છતાં કોઈ પણ નકશા મંજૂર કરાવ્યા વગર બિનખેતી કૃત્ય કરેલ છે જે અન્વયે પણ દંડનીય કાર્યવાહી કરવાની થાય છે.

વધુમાં, ઉક્ત મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. દ્વારા બદઈરાદાપૂર્વક નફાકીય હેતુસર સરકારી ખરાબાની જમીન પચાવી પાડવાના ઉદ્દેશ્યથી કોઈ પણ મંજૂરી વગર સરકારી ખરાબાની જમીન ઉપર અનધિકૃત કબજો કરી, બિનખેતી ઉપયોગનું કૃત્ય કરેલ છે, તે સબબ મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. સામે દંડનીય કાર્યવાહી તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ ફોજદારી કાર્યવાહી કેમ ન કરવી, તે માટે જરૂરી આધાર પૂરાવા સહિત સ્પષ્ટતા કરવા તા.૦૭-૦૬-૨૦૨૧ ના રોજ ૧૧-૦૦ કલાકે ગરૂડેશ્વર મામલતદાર સમક્ષ હાજર થવાનું ફરમાન કરાયું હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઇ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા