*ગુજરાતના વિદ્યાર્થીઓ હવે ગુજરાતી ભાષામાં પણ કરી શકશે એન્જિનિયરિંગ, આ 8 ભાષાને મળી મંજૂરી*
ગુજરાતી ભાષામાં એન્જીનિયરીંગ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં એન્જીનિયરીંગ કોલેજો વધી જતાં અને બેઠકો ખાલી રહેતાં વિદ્યાર્થીઓની તંગી દૂર કરવા માટે હવે અંગ્રેજી ઉપરાંત અન્ય 8 જેટલી ભાષાઓમાં પણ એન્જીનિયરીંગ કરી શકાશે. જેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરાયો છે.
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (all india for technical education) દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને ફાયદો થશે. જેથી નવા શૈક્ષણિક સત્રથી એન્જીનિયરીંગ ક્ષેત્રના અભ્યાસક્રમો વિવિધ ભાષામાં શરૂ કરી શકાશે.
કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, તામીલ, તેલુગુ, કન્નડ, મરાઠી, મલયાલમ તેમજ ગુજરાતી ભાષામાં અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવવા માંગે છે. તમને જણાવી દઈએ કે, વિદેશોમાં પણ જર્મની, ફ્રાન્સ, જાપાન અને ચીન જેવા દેશો અંગ્રેજી ઉપરાંત તેમની સ્થાનિક ભાષામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હોય છે. પરંતુ પ્રાદેશિક ભાષાઓમાં એન્જીનિયરીંગ અભ્યાસક્રમની છૂટ આપવા પાછળનું કારણ ગ્રામ્ય તેમજ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ પણ ભણી શકે તે છે.