કોંગોમાં જ્વાળામુખી ફાટવાથી 15 લોકોના મોત

કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના ભાગ રૂપે ભારતીય સેનાની ટુકડી પણ જ્વાળામુખી પ્રભાવિત ક્ષેત્રમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવા તેમજ તેમને સુવિધાઓ પ્રદાન કરવા માટે કાર્ય કરી રહી છે.



આફ્રિકાના કોંગો પ્રાંતમાં આવેલ ગોમા શહેરમાં નીરાગાંગો નામનો 19 વર્ષથી નિષ્ક્રિય રહેલો જ્વાળામુખી અચાનક જ સક્રિય થઈને જ્વાળા અને લાવા ઓકવા માંડતાં આખું આકાશ લાલ રંગે રંગાઈ ગયું છે અને 10 કિલોમીટરના ક્ષેત્ર સુધી રાખ ફેલાઈ ગઈ છે. આ રાખ હાઈવે ઉપર તથા લોકોના ઘરોમાં પહોંચી જવાથી લોકો ભયભીત થઈ પાડોશી દેશ રવાંડામાં પલાયન કરવા મજબૂર થયા છે.

હમણા સુધીમાં આશરે 4000 લોકો સીમા પાર કરીને રવાંડામાં આશ્રય મેળવી ચૂક્યા છે અને આ કપરા સમયમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન અંતર્ગત ભારતીય સેનાએ હજારો લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં પોતાની ફરજ બજાવી છે.



આ જ્વાળામુખી છેલ્લી વાર 2002માં ફાટ્યુ હતુ, ત્યારે સેંકડો લોકોના મોત થયા હતા અને 1.20 લાખ લોકોને સ્થળાંતર કરીને અન્ય સુરક્ષિત સ્થાને જવાની ફરજ પડી હતી. તે સમયે લાવા એરપોર્ટના રનવે સુધી પણ પહોંચી ગયો હતો. સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા મિશન તરફથી જ્વાળામુખી ફાટ્યા બાદ શહેરની તસ્વીર શેર કરવામાં આવી.

તેમણે જણાવ્યુ છે કે, તેઓ આ ક્ષેત્ર પર નજર રાખી રહ્યા છે. કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના ભાગ રૂપે ભારતીય સેનાની ટુકડી પણ જ્વાળામુખી પ્રભાવિત ક્ષેત્રમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવા તેમજ તેમને સુવિધાઓ પ્રદાન કરવા માટે કાર્ય કરી રહી છે.

મળતી માહિતી અનુસાર જ્વાળામુખી ફાટવાને કારણે અહીં 500થી વધુ મકાનોને નુક્શાન પહોંચ્યુ છે અને ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. આ કુદરતી આફતમાં લગભગ 150 જેટલા બાળકો ગૂમ થયા છે. યુનિસેફ હવે આવા બાળકો માટે એક શિબિગ ગોઠવવા જઈ રહ્યુ છે કે જ્યાં આવા બાળકોને આશરો આપવામાં આવશે.