આજના આંતરરાષ્ટ્રીય પરિવારદિનને “વસુદેવ કુટુંબમ”ની ભાવના સાથે ઉજવીએ

આજના આંતરરાષ્ટ્રીય પરિવારદિનને “વસુદેવ કુટુંબમ”ની ભાવના સાથે ઉજવીએ
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
પ્રકૃતિ નિરીક્ષણ કરતાં એટલું તો દરેકે અનુભવ્યું હશે કે તમામ જીવસૃષ્ટિ (પશુજગત, પક્ષીજગત, કીડા-મકોડા, મનુષ્યજગત, વનસ્પતિજગત) પ્રજોત્પતિનું ઉમદા કાર્ય કરે છે, કદાચ એ જ પરમાત્માનો જીવ માત્રને આદેશ હશે જેથી જીવમાત્ર તે તરફ આકર્ષાયેલો રહે છે. નર-નારી ભેગા થાય છે, સહજીવન જીવે છે, એકબીજાને પ્રેમ કરે છે અને કુટુંબનું સર્જન થાય છે. કુટુંબના સાનિધ્યમાં જ વ્યક્તિને (જીવ માત્રને) સુખ, શાંતિ અને સંરક્ષણ અનુભવાય છે અને જાણે-અજાણે કુટુંબની સંખ્યા વધતી જાય છે. જો પરિવારના કોઈ ફાયદા જ ન હોય તો કોઈ જીવ કે મનુષ્ય તે તરફ આકર્ષિત રહે નહીં.
હા એ તો સર્વવિદિત છે કે દરેક સિક્કાની બે બાજુ હોય એટલે ક્યારેક પરિવારના સભ્યો દ્વારા તકલીફોનો અનુભવ થાય કે ક્યારેક આપણી અપેક્ષા પ્રમાણે કાર્ય ન થતા દુઃખ અનુભવાય, પરિવારથી દૂર થવાની ઈચ્છા થાય પરંતુ અંતે પરિવારની દૂરી પછી પણ અંગત વ્યક્તિગત ઈચ્છા તો કોઈની સાથે રહેવાની જ રહેતી હોય છે. કોઈ જીવને (પ્રકૃતિના કોઈ તત્વને) એકાંત કે એકલતા માફક આવતી નથી. એ જ બતાવે છે કે સર્જનકર્તા ત્રિકાળજ્ઞાની પરમ કૃપાળુ પરમાત્મા એ પહેલેથી જ જાણતા હશે કે જીવ માત્રનું સુખ કોઈના સાથ અને સંગાથમાં રહેલુ છે અને એ દૃષ્ટિએ પરિવારનું હોવું આવશ્યક છે.
દર વર્ષની ૧૫મી મે “આંતરરાષ્ટ્રીય પરિવારદિન” તરીકે ઉજવાય છે. જેની શરૂઆત યુએન દ્વારા ૧૯૯૩માં કરવામાં આવી હતી. હિંદુસંસ્કૃતિમા કુટુંબની વ્યાખ્યા અસીમિત છે એટલે કે સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ માનવાની આજ્ઞા છે. “વસુધેવ કુટુંબમ” ની સલાહ હિન્દુધર્મ આપે છે “વસુધા” એટલે ધરતીમાતા પૃથ્વી કે સમગ્ર સૃષ્ટિ કે જે જીવમાત્રનું કુટુંબ છે. એ તો સર્વવિદિત છે કે અસ્તિત્વના દરેક તત્વો (સમગ્ર જીવસૃષ્ટિ) એકબીજા સાથે જોડાયેલ છે, એ દૃષ્ટિએ પોતાના અને પારકાના દ્વંદમાંથી મુક્ત બનીએ અને સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માનીએ તો મને લાગે છે આજનો “આંતરરાષ્ટ્રીય પરિવારદિન” ની ઉજવણી સાર્થક થઈ કહેવાય.
હિંદુસંસ્કૃતિ અનુસાર ઉદાર ચરિત્રનો માનવી હંમેશા સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માને છે. વળી એ દ્વારા જ સમગ્ર અસ્તિત્વ (environment) safe અને સિક્યોર બને છે. સેઈફ અને સિક્યોર એન્વાયરમેન્ટ માત્રને માત્ર વસુદેવ કુટુંબની ભાવના દ્વારા જ શક્ય છે એ તો આટલા વર્ષોના આપણા અનુભવે કદાચ આપણને સમજાય જ ગયું હશે. મનુષ્યજગતમાં આજે લોકો પરિવાર અને સગાસંબંધીઓથી વધુ પરેશાન જણાય છે. મનદુઃખ અને નેગેટિવિટી પરાકાષ્ટાએ જોવા મળે છે. જેમ કે માતા-પિતાને બાળકો સાથે જનરેશન ગેપના નામે મનમેળ નથી. વૃદ્ધાશ્રમ વધ્યા છે. પતિ-પત્નીના સંબંધોમાં ખૂબ કડવાશ અનુભવાય છે, છૂટાછેડાની સંખ્યા વધી છે. પરંતુ તેમ છતાં એક લગ્ન વિચ્છેદ પછી પણ વ્યક્તિ પુનર્લગ્ન તરફ ખેંચાણ અનુભવે છે. એટલે કે એક લગ્ન સફળ ન થવા છતાં બીજા લગ્ન કરવા પ્રેરાય છે એ જ બતાવે છે કે જાણે-અજાણે વ્યક્તિ પરિવાર કે કોઈના સાથ-સંગાથની અપેક્ષા રાખે છે. એનો અર્થ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે પરિવારના લાભ ઘણાં ગેરલાભ ઓછો છે.
પરિવારથી દૂર વૃદ્ધાશ્રમમાં રહેનાર કોઈ વ્યક્તિ અંગત રીતે ખુશ હોતી નથી. વળી ત્યાં પણ તે એક વિશિષ્ટ પરિવાર કે જે લોહીના સંબંધથી જુદો છે કદાચ પ્રેમના સંબંધનો પરિવાર તો ઉભો કરે જ છે. આમ પરિવાર જીવમાત્રની પ્રથમ પસંદગી અને અનિવાર્યતા રહી છે એ તો સ્વીકારવું જ રહ્યું. પરિવાર વગર બાળકોનો ઉછેર યોગ્ય રીતે થઇ શકતો નથી. વળી પરિવારથી દૂર કે પરિવારની ગેરહાજરીમાં જે બાળક મોટું થાય છે તેનામાં અનેક સાઇકોલોજિકલ સમસ્યાઓ જોવા મળે છે કેમકે પરિવાર વ્યક્તિને માનસિક રીતે સ્વસ્થ અને પરિપકવ બનાવે છે. માનસિક રીતે સ્ટ્રોંગ અને ફિટ વ્યક્તિ જીવનસંગ્રામના દરેક તબક્કે વિજય હાંસલ કરે છે. પરિવાર એ વ્યક્તિનો બેકબોન છે જેના પર તેના જીવનની ઈમારત ટકી રહી છે.
દુનિયાની કોઈપણ તકલીફ કે રોગો પરિવારની હયાતીમાં મનુષ્યને હરાવી શકતા નથી. આપણે યુગોથી અનેક રોગોનો સામનો કરી રહ્યા છે પરંતુ કોઈ સામે હાર માની નથી. પરંતુ કોરોના જેવા રોગથી મનુષ્ય હારી ગયો છે તેનું એકમાત્ર કારણ છે કે તેમાં તેને પરિવારનો સાથ મળી શકતો નથી. ચેપીરોગ હોવાને કારણે ઈચ્છા-અનિચ્છાએ પરિવાર કોરોનાગ્રસ્ત દર્દીની સાથે રહી શકતો નથી, જેની ખૂબ ગહેરી અસર દર્દી પર પડે છે અને તે રોગની પીડાથી નહીં પરંતુ પરિવારના વિયોગથી હારી-થાકી જાય છે અને ક્યારેક મૃત્યુ પામે છે. જો કપરી પરિસ્થિતિમાં પરિવારનો સાથ હોય તો વ્યક્તિ ગમે તેવી મુશ્કેલીનો સામનો કરી શકે અને જીતી પણ શકે. પરિવાર તમામ જીવસૃષ્ટિની પ્રથમ જરૂરિયાત રહી છે અને રહેશે.
પશુ-પક્ષીજગત પણ પરિવાર બનાવે છે પરંતુ પરિવારથી મનુષ્ય જેટલો પરેશાન થાય છે એટલા પશુ-પક્ષીઓ થતા નથી કેમ કે તે કુદરતી રીતે જ યથાયોગ્ય સમયે પરિવારની મોહમાયાથી બહાર આવી જાય છે. જે કાર્ય અતિ બુદ્ધિશાળી અને સમજદાર ગણાતું પ્રાણી મનુષ્ય કરી શકતો નથી. જેથી તેને ક્યારેક લાગે છે કે પરિવારના ફાયદા કરતાં નુકસાન વધુ છે. વાસ્તવમાં પરિવારના કોઈ ગેરલાભ છે જ નહીં પરંતુ વધુ પડતી પરિવારની આસક્તિ અને પરિવાર પાસેની અનહદ અપેક્ષા વ્યક્તિને દુઃખી કરે છે. હિંદુધર્મસંસ્કૃતિમાં ચાર આશ્રમોની વ્યવસ્થા છે (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ) જો જીવન આ આશ્રમ અનુસાર જીવવામાં આવે તો માત્ર ને માત્ર પરિવારના લાભ પ્રાપ્ત થાય અને ગેરલાભથી દૂર રહી શકાય.
દરેક પશુ-પક્ષી મનુષ્ય જેટલી જ મહેનત પરિવાર બનાવવામાં કરે છે. તે તિનકા-તિનકા એકઠા કરી માળો બનાવે છે, ઈંડા મૂકે છે, સતત અવિરત ભૂખ-તરસ સહન કરી ઈંડાને સેવે છે, અથાક પરિશ્રમ દ્વારા દાણો-દાણો ભેગો કરી બચ્ચાનું પાલનપોષણ કરે છે. પરંતુ બચ્ચાઓને પાંખ આવ્યા પછી પોતાના સ્વાર્થ કે નિજાનંદ માટે તેમને માળામાં ગોંધી રાખતો નથી. તેને સ્વાભાવિક રીતે ઉડવા દે છે, સ્વતંત્રતા ભોગવવા દે છે અને તેને પોતાનાથી દુર થતાં જોઈને પણ માત્ર તે ઉડી રહ્યા છે, સ્વનિર્ભર થઈ ગયા છે તેનો આનંદ અનુભવે છે અને બધી પીડા ભૂલી તમામ સેક્રિફાઈસને ભૂલી ફરી પોતાના દૈનિક જીવનમાં મશરૂફ થઈ જાય છે. જે કાર્ય મનુષ્ય અંગત સ્વાર્થ અને આસક્તિમા કરી શકતો નથી. તેને લાગે છે કે પરિવાર બનાવવામાં, બાળકોના ઉછેરમાં મેં ખૂબ મહેનત કરી છે તેનો બદલો તો મને મળવો જોઈએ. આવી સ્વાર્થી ગણત્રીઓ અને અપેક્ષાઓ જીવનને પરિવારને દૂષિત કરે છે. જે આપણે ક્યારેય સમજી શકતા નથી અને કદાચ સમજીએ તો સ્વીકારી શકતા નથી અને અંતે પરિવાર અને સંબંધોને જીવનપર્યંત કોષીયે છીએ. જેના લીધે પરિવાર દ્વારા જે આનંદ અને સુખની અનુભૂતિ થવી જોઈએ તે ખોઈ બેસીએ છીએ. આખી જિંદગી પરિવાર દ્વારા મળતી પીડાને વાગોળી જીવનને નર્ક સમાન કરી નાખીએ છીએ.
આપણે સૌ જાણીએ છીએ આંબો ક્યારેય પોતાના ફળ ખાઈ શકતો નથી કેમકે તે જ પ્રકૃતિનો નિયમ છે પરંતુ તે પોતાના ફળ ખાઈ ન શકતો હોવાથી તે ફળ આપવાનું જ બંધ કરી દે એ તો કોઈ રીતે યોગ્ય ન કહેવાય કેમ કે અન્ય દ્વારા ફળ ખાધા પછી જે આનંદ ફળ ખાનાર અનુભવે છે તેની ક્રેડિટ વાસ્તવમાં તો આંબાને જ મળે છે અને એ ઈશ્વરના ચોપડે અવશ્ય નોંધાય પણ છે. વળી આપણા સૌનો એ અનુભવ છે કે આંબાને વાવનાર કોઈ અને ફળ ખાનાર કોઈ ઔર એટલે કે વાવે કોઈ અને લણે કોઈ, કેમ કે એ જ જીવનની ગતિ છે, કર્મની બલિહારી છે. એટલા માટે ખૂબ ઊંડી સમજણ અને નિસ્વાર્થ ભાવના દ્વારા પરિવાર સાથે જોડાયેલ આપણી ફરજો અને કર્તવ્યને અદા કરી પરમાત્માની પ્રકૃતિમાં સહભાગી બનવાનું સૌભાગ્ય ભોગવી લેવું જોઈએ. જીવન અને પરિવારની તમામ ઉત્તમ બાબતોનો લુફ્ત ઉઠાવી અંતે સંપૂર્ણ સંતોષ સાથે કોઈ અફસોસ વગર આ જીવનને અલવિદા કહેવું જોઈએ. પરમાત્માએ આપણને પરિવારપ્રાપ્તિનો આનંદ આપ્યો તે બદલ તેમના ઋણી રહેવું જોઈએ. તો આવો આજના “આંતર્રાષ્ટ્રીય પરિવારદિન” નિમિત્તે સાચા અર્થમાં પરિવારને પામીએ.
વળી પરિવારને બે-ચાર સભ્યો પૂરતો મર્યાદિત ન બનાવીએ કેમકે આ સમગ્ર અસ્તિત્વ (બ્રહ્માંડ અને સૃષ્ટિ) એ આપણો પરિવાર જ છે તે ન ભૂલીએ. હવે તો અનેક વૈજ્ઞાનિક સંશોધનોએ એ સાબિત કર્યું છે કે બ્રહ્માંડના દરેક તત્વો એકબીજા સાથે જોડાયેલા છે. ગ્રહો અને નક્ષત્રો પર થતા પરિવર્તનની અસર સમગ્ર જીવસૃષ્ટિ પર પડે છે. પહાડો, નદીઓ, હવા, ખેતરો, વનસ્પતિ, આકાશ, ચાંદ, તારા, પશુ-પક્ષી, મનુષ્ય દરેક એકબીજા સાથે જોડાયેલા છે. એકના અસ્તિત્વને ખતમ કરી અન્ય ટકી શકે નહીં એ તો સમજવું જ રહ્યું. તો આવો આજના આંતરરાષ્ટ્રીય પરિવારદિને આપણા પરિવારને વિસ્તૃત કરીએ અને એમાં જગતના દરેક તત્ત્વોનો સમાવેશ કરીએ.
આમ પણ જન્મથી આપણે ત્રણ બાબતોના ઉપભોગ દ્વારા જ પોષણ મેળવીએ છીએ, વિકસીયે છીએ. ૧) આપણું પોતાનું શરીર કે જેનો આપણે સતત અવિરત ઉપયોગ કરીએ છીએ, તેને ભોગવી ભોગવી વૃદ્ધ કરી નાખીએ છીએ ૨) સંબંધો – માતાપિતા, ગુરૂ, સગાસંબંધી, પાડોશી, સહકર્મી દરેકનો આપણા વિકાસમાં ફાળો છે અને ૩) સૃષ્ટિ – જેના અદભુત તત્વો હવા, પાણી, ખોરાક દ્વારા જ આપણું અસ્તિત્વ ટકી રહ્યું છે, તો આ તમામને આપણા પરિવારના સભ્યો બનાવી શરીર, સંબંધો અને સૃષ્ટિનું ઋણ ચૂકવવું અનિવાર્ય છે. “વસુદેવ કુટુંબમ”ની ભાવનાને સાર્થક કરીએ કેમકે પરિવાર જેટલો વિશાળ એટલું સુખ અનંત. પૃથ્વીના દરેકે-દરેક તત્વને, જીવને ટકાવવાનો પ્રયત્ન કરીએ, પશુ-પક્ષી, કીડામકોડા, નદી-પહાડો વનસ્પતિ વગેરેનું રક્ષણ કરીએ, દરેક જીવ પર દયા રાખીએ, કોઈની દિનચર્યામાં બાધક ન બનીએ, દરેકનો વિકાસ અને પ્રગતિ ઈચ્છીએ, દરેકને તકલીફમાં મદદરૂપ થઈએ. વળી પોતાના અને પારકા એવા જીવનના આભાસી દ્વંદમાંથી મુક્ત બનીએ તો સાચા અર્થમાં પરિવારને પામી શકીએ. આજના આ ખાસ દિવસે એક કામના અવશ્ય કરીએ કે આપણા દરેકના મન અને સંકલ્પ એક બને કેમ કે એ દ્વારા જ સેઈફ અને સિક્યોર એન્વાયરમેન્ટ શક્ય છે જે માત્ર ને માત્ર વસુદેવ કુટુંબની ભાવના દ્વારા મેળવી શકાય.