*જી. જી. હોસ્પિટલને મંત્રી આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા રૂ. 73 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી.*
જામનગર: – હાલ ચાલી રહેલી કોવિડ મહામારીમાં સમગ્ર રાજ્યમાં લોકોએ સરકારી હોસ્પિટલોની સારવાર પર વિશેષ ભરોસો મૂક્યો છે અને દરેક જિલ્લાઓમાં વધુમાં વધુ લોકો સરકારી હોસ્પિટલોની સેવાનો લાભ લઇ કોરોના સામેનો જંગ જીતી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ જી. જી. સરકારી હોસ્પિટલ ખાતે અનેક દર્દીઓ કોવિડની સારવાર મેળવી સ્વસ્થ થયા છે. જે આરોગ્યલક્ષી સેવા પ્રવૃત્તિ આજદિન પર્યંત કાર્યરત છે.
ત્યારે જી.જી. હોસ્પિટલની સુવિધામાં વિશેષ ઉમેરો થાય અને મેડિકલ સાધનોના અભાવે લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જિલ્લાના મંત્રીશ્રીઓ શ્રી આર.સી.ફળદુ તથા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કોવિડ અંગેની રૂ. ૭૩ લાખની અલાયદી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.
જેમાં રાજ્ય સરકારના કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા સંયુક્ત પણે જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકરને વર્ષ ૨૦૨૧- ૨૨ની ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી જી.જી. સરકારી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્રોડકશન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. ૫૪ લાખ તથા હોસ્પિટલ ખાતે સંપૂર્ણ સાધન સુવિધાથી સજ્જ અત્યાધુનિક એમ્બ્યુલન્સ ખરીદવા માટે રૂપિયા ૧૯ લાખ એમ મળી કુલ રૂ. ૭૩ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ ગ્રાન્ટની ફાળવણી થતાં જી. જી.હોસ્પિટલની ઓક્સિજન લક્ષી તેમજ એમ્બુલન્સ અંગેની સુવિધામાં વિશેષ ઉમેરો થશે અને લોકોને વધુ સારી આરોગ્યલક્ષી સેવાઓ પ્રાપ્ત થશે.