ખેડૂત સાથે ૩૪ કરોડની છેતરપિંડી મામલે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર.ચેલા પંચાલે રીમાન્ડ દરમ્યાન કબુલ્યું કે મુખ્ય આરોપી કલ્પેશ ઈશ્વરભાઈ પટેલે બનાવટી લેટરપેડ આપ્યાં હતાં.

જેમાં ગાંધીનગર અને માણસાના શખ્સના પણ નામ ખૂલ્યા હતા.

અમદાવાદ કોર્પોરેશનના ખોટા પત્રો બતાવી અન્ય લોકોની જમીન ખેડૂતને પધરાવી દીધી હતી.

અમદાવાદના ખેડૂત સાથે થયેલી ૩૪ કરોડની ચકચારી છેતરપીંડી પ્રકરણે સીઆઇડી ક્રાઇમે ચાર પૈકી એક આરોપીને ઝડપી લઇ તેને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉલ્લેખનીય છેકે, ચાર માસ પુર્વે બહાર આવેલી આ છેતરપીંડીની ઘટના પ્રકરણમાં આરોપી તરીકે ગાંધીનગર અને માણસાના શખસનું નામ પણ ખુલ્યુ હતું. આ શખસોએ ખેડૂતને અમદાવાદ કોર્પોરેશનના ખોટા પ્રમાણપત્રો બતાવી પોતાની ઓળખ અમદાવાદ કોર્પોરેશનના ટીપીઓ તરીકે આપી અન્યોની જમીન ખેડૂતને બાનાખત કરીને કરોડો રૂપિયા ઓળવી લીધા હતા. જે મામલે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદી સોલા ખાતે રહેતા દિનેશભાઈ સોમાભાઇ પટેલે આ મામલે કલ્પેશ ઇશ્વર પટેલ (રહે.ટીંટોદણ, તા. વિજાપુર, મુળ રહે.શ્રીનાથ એપાર્ટમેન્ટ કુડાસણ), રામા હેમા પ્રજાપતિ (રહે. ટીંટોદણ) તથા ચેલા પંચાલ (રહે. વૃંદાવન બંગલોઝ, નરોડા) અને રાકેશ શુકલા.( અલકાપુરી સોસાયટી. માણસા.)ની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી દિનેશભાઇને જમીન અને દુકાનોમાં રોકાણ કરવું હોય આ શખસોએ તેઓને અમદાવાદ મહાનગરપાલિકાના ખોટા પત્રો બતાવી ચાર પૈકી એક શખસે અમદાવાદ કોર્પોરેશનના ટીપીઓ તરીકેની ખોટી ઓળખ આપી પોતાની મિલકત નહી હોવા છતા દિનેશભાઇને કબજા વગરના બાનાખત કરાવીને ૩૬ કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. આ પ્રકરણે સીઆઇડી ક્રાઇમે ચોથા નંબરના આરોપી ચેલા પંચાલની ધરપકડ કરી હતી.આ શખસની વધુ પુછપરછ માટે આજે તેને ગાંધીનગર ચીફ જયુડીશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. પોલીસે તેની વધુ પુછપરછ માટે ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ઉલ્લેખનીય છેકે, આ શખસે ખોટા પ્રમાણપત્રો કોની પાસેથી મેળવ્યા હતા અ ને રજુ કરવામાં આવેલા પ્રમાણપત્રો પૈકી કેટલાક પ્રમાણપત્રો હજુ પણ તેણે પોલીસ સમક્ષ રજુ નહી કર્યા હોઇ આ ગુનામાં અન્ય કોઇની સંડોવણી છે કે નહી.? તે બાબતની પુછપરછ બાકી હોય સીઆઇડી ક્રાઇમ રિમાન્ડ માંગ્યા હતા. જે અંતર્ગત સરકારી વકિલ વિમલ કાંટાવાલાએ આરોપીને રિમાન્ડ પર સોંપવા માટે દલીલ કરતા ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટે આરોપીને ૨૨ ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર સોંપવાનો હતો.