તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ.

*તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ. દરેક તાલુકામાં કલાસ-૧ અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઈ*



જામનગર: તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા કલેક્ટરશ્રી રવિશંકરની આગેવાની હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.જિલ્લામાં તૌકતે સાયકલોનને કારણે કોઈ જાન માલની નુકસાની ન થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ વિભાગોને જરૂરી સૂચન તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અનુસાર તંત્ર દ્વારા દરેક તાલુકા કક્ષાએ કલાસ-૧ અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં મહેસુલ તથા પંચાયતના કર્મીઓની ફાળવણી કરવામાં આવી છે.દરિયાથી ૫ કી.મી. તથા ૧૦ કી. મી.ની હદમાં આવેલ અનુક્રમે ૨૨ તથા ૩૯ ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રયસ્થાનો નકી કરવામાં આવ્યા છે તેમજ સ્થાનિક પંચાયત તથા મહેસૂલના અધિકારીઓને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.દરિયા કિનારાથી 3 કી. મી. ની અંદર આવેલ સી.સી.સી. સેન્ટરોને સલામત સ્થળે ખસેડવા જિલ્લા વિકાસ અધિકારી તથા આરોગ્ય અધિકારીને સૂચના અપાઈ છે.

હાલ દરિયામાં રહેલી 222 જેટલી બોટ પૈકી 37 બોટ પરત આવી ગયેલ છે તેમજ અન્ય બોટોને પરત લાવવા તંત્ર દ્વારા મત્સ્યોદ્યોગ સંગઠનો મારફત સૂચના અપાઈ છે. જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારોમાં વસતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવા તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.તેમજ આરોગ્ય વિભાગને પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમોને જરૂર પડ્યે અગરિયાઓને સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઈ છે.વીજ પુરવઠો ન ખોરવાય તેમજ તેને લગત આનુસંગિક વ્યવસ્થાઓ હાથ ધરવા પી.જી.વી.સી.એલ.ને સૂચિત કરાયું છે.