આજના વિશિષ્ટ દિને પરશુરામજયંતીની બૌધિક ઉજવણી કરીએ

આવો આજના વિશિષ્ટ દિને પરશુરામજયંતીની બૌધિક ઉજવણી કરીએ
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ
અક્ષયતૃતીયાનો દિવસ એટલે ભગવાન પરશુરામની જન્મજયંતી. હિન્દુ માન્યતા અનુસાર પરશુરામને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયેલો અને ઋષિ જમદગ્નિ અને રેણુકાના તેઓ પુત્ર હતા. પરશુરામના જન્મની સાથે બે દંતકથાઓ પ્રચલિત છે
એક કથા અનુસાર પ્રાચીન સમયમાં મહીશ્મતી નગરી પર શક્તિશાળી હૈહયવંશી ક્ષત્રિય કાર્તવીર્ય અર્જુનનું શાસન હતું, જેણે ગુરુદત્તાત્રેયને પ્રસન્ન કરી સહસ્ત્ર હાથ અને બીજા અનેક મહત્વના વરદાન મેળવેલા. રાજા સહસ્ત્રઅર્જુન ખૂબ અભિમાની અને અત્યાચારી હતો. એક વખત અગ્નિદેવે તેને ભોજન માટે આગ્રહ કર્યો અને રાજાએ ઘમંડમાં આવી કહ્યું આપ મારા રાજ્યમાં જ્યાંથી ઈચ્છો ત્યાંથી ભોજન પ્રાપ્ત કરી શકો છો બધે મારું જ સામ્રાજ્ય છે. ત્યારબાદ અગ્નિદેવે અનેક વનોને બાળવાનું શરૂ કર્યું જેમાં એક ઋષિનો આશ્રમ બળી ગયો અને ઋષિએ ક્રોધિત થઈ રાજાને શ્રાપ આપ્યો કે ભગવાન વિષ્ણુ પરશુરામના રૂપમાં જન્મ લેશે અને તારા સહિત અનેક ક્ષત્રિયોનો સર્વનાશ કરશે, જેના ફળ સ્વરૂપે ભગવાન પરશુરામનો જન્મ થયો.
એક અન્ય દંતકથા અનુસાર પ્રાચીનકાળમાં ક્ષત્રિય રાજાઓનો ત્રાસ ખૂબ વહેલો. અત્યાચાર જયારે અસહ્ય બન્યો ત્યારે પૃથ્વીમાતાએ ગાય સ્વરૂપે ભગવાન વિષ્ણુ પાસે જઈ અત્યાચારીઓનો નાશ કરવાની વિનંતી કરી, જેના પ્રત્યુતરમાં ભગવાન વિષ્ણુએ પૃથ્વીને વચન આપ્યું કે ધર્મની સ્થાપના કરવા અને અત્યાચારનો નાશ કરવા ઋષિ જમદગ્નિના પુત્રના રૂપમાં હું અવતાર ધારણ કરીશ અને એ રીતે પરશુરામનો જન્મ થયો.
પરશુરામ પરમ શિવભક્ત હતા. શિવજીને પ્રસન્ન કરી તેમણે બે વચન માંગેલા ૧) ઈચ્છામૃત્યુ અને ૨) અદભુત શસ્ત્ર જેનું નામ હતું પરશુ, જેના કારણે તેઓ પરશુરામ તરીકે ઓળખાયા. પરશુની અદભુત શક્તિને કારણે તેઓને કદી પરાજયનો સામનો કરવો પડયો નહોતો. તેમણે પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રિય કરેલી.
એક કથા અનુસાર રાજા સહસ્ત્રાર્જુન ફરતાં-ફરતાં ઋષિ જમદગ્નિના આશ્રમમાં જઈ ચડ્યા. ઋષિની પાસે એક કામધેનુ ગાય હતી, જેની કૃપાથી ઋષિએ રાજાની સારી આગતા-સ્વાગતા કરી. પરંતુ ઋષિનું ઐશ્વર્યા જોઈ રાજાને ઈર્ષા આવી અને તેમણે ઋષિ પાસે કામધેનુ ગાયની માગણી કરી, ઋષિએ આપવાની ના પાડી. જેથી એકવાર ઋષિની ગેરહાજરીમાં રાજાએ બળાત્કારે કામધેનુને લઇ જવાનો પ્રયાસ કર્યો. રાજાના ગયા પછી પરશુરામને આ વાતની જાણ થઈ અને તેમણે એકલે હાથે રાજાની સમગ્ર સેનાનો સંહાર કર્યો અને કામધેનુ ગાયને લઈને આશ્રમમાં પાછા ફર્યા. પરંતુ આવા મોટા નરસંહારથી ઋષિ જમદગ્નિ નારાજ થયા અને તેમણે પરશુરામને એક વર્ષ સુધી તીર્થયાત્રાએ મોકલી દીધા. એ સમય દરમિયાન પરશુરામની ગેરહાજરીમાં સહસ્ત્રાર્જુનના પુત્રો વેર લેવાની વૃત્તિથી આશ્રમમાં આવ્યા અને ઋષિ જમદગ્નિનું મસ્તક કાપીને લઈ ગયા. તીર્થયાત્રાએથી પરત ફર્યા બાદ પરશુરામે આ જાણ્યું અને તેઓએ ક્ષત્રિયોનો સંહાર કરવાનું નક્કી કર્યું. પોતાની માતા રેણુકાએ એકવીસ વાર પતિના મૃત્યુથી છાતી કૂટી હતી એટલે પરશુરામે 21 વાર પૃથ્વીને નક્ષત્રિય કરી.
પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ એટલે સપ્તઋષિ મંડળના સાતમા ઋષિ. પરશુરામે પૃથ્વીને ભારરૂપ તેમ જ બ્રાહ્મણોની રક્ષા ન કરનારા અને રજોગુણથી ઘેરાયેલા ક્ષત્રિયોનો અનેકવાર સર્વનાશ કર્યો હતો. તેઓ આજે પણ જીવંત છે કેમ કે તેવો ચિરંજીવી છે અને મહેન્દ્ર પર્વત પર બિરાજમાન છે એવું માનવામાં આવે છે.
પરશુરામ ચરિત્ર સમગ્ર મનુષ્ય જગતને અનેક બોધપાઠ આપે છે. જેમાંનો એક સૌથી અગત્યનો બોધપાઠ એ છે કે અત્યાચાર કદી સહન કરવો નહીં અને અન્યાય સામે ઝૂકવું નહિ. અસત્યનો હંમેશા સામનો કરવો, બિનજરૂરી ગભરાવું નહીં અને ક્રાંતિ કરવાની જરૂરિયાત ઊભી થાય તો જીવના જોખમે સર્વત્ર ન્યોછાવર કરીને પણ સર્વના કલ્યાણમાં તે કરતાં અચકાવું નહીં. આ ઉપરાંત પરશુરામ ચરિત્ર મુખ્યત્વે તપ, સંયમ, શક્તિ, પરાક્રમ, કર્તવ્ય, સેવા અને પરોપકારનો આદર્શ શીખવે છે. જેની વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ અગત્યતા ઘણી ઊંચી છે તો આવો આ તમામ ગુણોની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અગત્યતાને સમજીએ.
૧) તપ – દરેક પરિસ્થિતીમાં સમતા રાખવી, મન, વચન અને કર્મથી શુધ્ધ થવું તે જ સાચું તપ છે. વાણી, વર્તન અને વિચારોને શુધ્ધ કરવા એ સાચી તપશ્ચર્યા છે. વળી મનુષ્ય સતત મન-વચન-કાયાથી અનેક કર્મો કરતો જ રહે છે. જેના આધારે તે જન્મો-જન્મ સુખ-દુઃખ ભોગવતો રહે છે, તેમાથી છુટવા માટે તેણે કર્મોથી મુક્ત થવું પડે એટલે કે નવા કર્મો બંધાય નહીં અને બંધાયેલા કર્મો ખરી જાય તેવા પ્રયત્નો કરવા પડે જેને માટે તપ ખૂબ જ જરૂરી છે. તપ એક એવી પ્રક્રિયા છે જેનાથી મનુષ્ય દુખમુક્ત થઈ મુક્તિનો આનંદ લઈ શકે. વ્રત, ઉપવાસ વગેરે એક પ્રકારના તપ જ છે. જેને પાપ-તાપ, દુખ-દરિદ્રતા તથા રોગોના નાશકર્તા માનવામાં આવે છે. તપ-વ્રત મનુષ્યને ઉન્નત જીવનની યોગ્યતા પ્રાપ્ત કરાવે છે. જેમ ભૂખ-તરસ મટાડવા ભોજન તેમ જ પાણી આવશ્યક છે તેમ ચિત્તને નિર્મળ તથા જીવનને ઉર્ધ્વગામી બનાવવા માટે તપ-વ્રત આવશ્યક છે. માનવજીવનમાં જેટલું તપ વધારે હશે એટલો તે વધારે નિખરશે, એટલો વધારે સામર્થ્યવાન અને શક્તિશાળી બનશે. જે તપ કરે છે તે ઊચું ઊઠે છે. તપ કર્યા વગર કોઈની પણ ઉન્નતી થઇ શકતી નથી. તપના ત્રણ પ્રકાર છે. 1) મનનું તપ 2) વાણીનું તપ 3) શરીરનું તપ. સર્વનો આદર કરવો, પવિત્રતા પ્રાપ્ત કરવી, બ્રહ્મચર્ય, સત્ય, અહિંસાનું પાલન, ઉપવાસ, ઇન્દ્રિયો પરનો અંકુશ વગેરે શારીરિક તપ છે. કોઈને ઉદ્વેગ થાય તેવું ન બોલવું, સત્ય બોલવું, પ્રિય અને હિતકર બોલવું, મૌન રહેવું વગેરે વાણીના તપ છે. મનનું તપ એટલે સંયમ, પ્રસન્નતા, સૌમ્યતા, ભાવશુધ્ધિ, કામ-ક્રોધ-કપટ રહિત હ્રદય વગેરે વગેરે. વાસ્તવમાં તપ જીવની શક્તિને (ઉર્જાને) જગાડે છે.
૨) સંયમ – સંયમ દ્વારા તપ સહજ બને છે અને તપ કરવાથી ધીરે-ધીરે સંયમ જેવા ગુણનો વિકાસ થાય છે. ઇન્દ્રિયોની વિષયાભિમુખ ગતિને રોકવી તેને સંયમ કહેવાય. સામાન્ય અર્થમાં સંયમ એટલે ઇન્દ્રિયો પરનું પૂર્ણ નિયંત્રણ. ઇન્દ્રિયો જયારે આપણી માલિક બને ત્યારે જીવન અનૈતિક બની જાય છે કેમકે બેકાબુ ઇન્દ્રિયો માણસને સ્વાર્થી, લોભી, ક્રોધી, હિંસક, અપ્રમાણિક, ઈર્ષ્યાળુ અને અપવિત્ર બનાવી દે છે કેમકે ઇન્દ્રિયોનો મુખ્ય વિષય છે ભોગવૃત્તિ, અને ભોગવૃત્તિમાં વધારો મનુષ્યની અનૈતિકતામાં બેફામ વધારો કરી મૂકે છે. સંયમ દ્વારા સંતોષ, પ્રમાણિકતા અને પવિત્રતા વધે છે, વિષયભોગમાં ઉદાસીનતા આવે છે. સંપતિ અને શક્તિ હોવા છતાં મન વિષયોમાં ન જાય તેને સાચો સંયમ કહેવાય.
૩) શક્તિ, પરાક્રમ અને કર્તવ્ય – કર્તવ્ય ત્યારે જ અદા થઇ શકે જયારે શક્તિ હોય અને શક્તિશાળી વ્યક્તિ માટે કોઈ પણ પરાક્રમ સહજ બને, જેના દ્વારા સમગ્રનું કલ્યાણ શક્ય અને સરળ બને. એટલા માટે દરેકે પરશુરામ ચરિત્ર દ્વારા કમ-સે-કમ કર્તવ્ય અદા કરવાની તમન્ના પેદા કરવી જોઈએ, જેના માટે શક્તિ પ્રાપ્તિના પ્રયત્નો કરવા પડે અને શક્તિ દ્વારા એવા પરાક્રમો સહજ બને કે જેનાથી સમગ્ર સમાજની પીડાનો અંત આવે. શક્તિ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય શારીરિક, માનસિક અને આત્મિક. જો આત્મા શક્તિશાળી હોય તો મન સામર્થ્યવાન બને અને મન પાવરફુલ હોય તેનું શરીર અવશ્ય તંદુરસ્ત રહે એટલે સૌ પ્રથમ પરોપકાર અને પવિત્ર આચરણ દ્વારા આત્માને શક્તિશાળી બનાવવો પડે જે દ્વારા માનસિક અને શારીરિક સામર્થ્ય સરળ બને.
૪) સેવા અને પરોપકાર – નિસ્વાર્થ ભાવે અન્યનું વિચારવું, અન્યને મદદ કરવી, જરૂરિયાતમંદની મદદ કરવી, સર્વની સેવા કરવી, દાન કરવું વગેરે પરોપકાર કહેવાય. પારકા ઉપર ઉપકાર કરવો તે પરોપકાર. વ્યક્તિ માત્ર પોતાની જાત કે તેની સાથે જોડાયેલાઓનુ જ ભલું કરવા નથી સર્જાયો. તેણે હું, મારૂ એવા સ્વના ખ્યાલને વિસ્તૃત કરવો જોઈએ કેમ કે સમગ્ર બ્રમાંડ એકબીજા સાથે જોડાયેલું છે. અન્યને સુખ આપીને જ વ્યક્તિ પોતે સુખી થઈ શકે. પરોપકારનો સૌથી મોટો ફાયદો વ્યક્તિને પોતાને થાય છે. કેમ કે વિજ્ઞાન માને છે કે પરોપકારની ભાવનાથી વ્યક્તિની લાળમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. પરોપકારથી હ્રદય શુધ્ધ થાય છે, મનની શક્તિ વધે છે, વિધાયક વિચારોમાં વધારો થાય છે, જમણું મગજ સક્રિય બને છે. જે મનુષ્યને ખૂબ શક્તિશાળી અને સ્વાસ્થ્યસભર (નીરોગી) બનાવે છે. જીવનના દૈનિક વ્યવહારમાં સ્વાર્થત્યાગ અને સમર્પણના કાર્યો ઉત્સાહપૂર્વક કરવામાં આવે તો મન અને બુધ્ધિ શક્તિશાળી બને છે. જેના દ્વારા આરોગ્ય પ્રાપ્તિ સરળ બને છે. આમ સદાચાર કે પરોપકાર એ જીવનને ટકાવી રાખનાર ઉત્તમ શક્તિ છે. પરશુરામ ચરિત્ર આપણને આવા જ ઉત્તમ પદાર્થપાઠો શીખવે છે.
એવું કહેવાય છે કે પરશુરામ મનની ગતિથી વિચરણ કરતા હતા જે વાત આપણને કદાચ કાલ્પનિક લાગે પરંતુ હવે તો વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા એ સાબિત થઈ ચૂક્યું છે કે મનની શક્તિથી અશક્ય માં અશક્ય કાર્ય શક્ય બને છે. તો આવો આજના વિશિષ્ટ દિને ભગવાન પરશુરામ જેવા વિશિષ્ટ ગુણો પ્રાપ્ત કરવાની નેમ લઇએ અને મનની શક્તિને વધારી આત્મકલ્યાણ અને સમાજકલ્યાણમાં સહયોગી બનીએ.