લગ્નરૂપી પવિત્ર સંસ્થા આશીર્વાદ બનવાને બદલે શ્રાપરૂપ કેમ?
શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, એચ.કે.બીબીએ કોલેજ


આજના માનવ સમાજની સૌથી મોટી કરુણતા એ છે કે તે કોઈ કાર્ય શા માટે કરે છે તેની યથાર્થ સમજણ તેને છે જ નહીં. અધ્યાપક તરીકેની મારી ૨૫ વર્ષની કારકિર્દીમાં અનેક ઉમરની દ્રષ્ટિએ લગ્નને લાયક કોલેજ સ્ટુડન્ટ્સને મેં પ્રશ્ન કર્યો છે કે તમારા future plans શું છે? મોટાભાગે તેઓના જવાબમાં સામ્યતા જોવા મળે છે. કરિયર બનાવી, લગ્ન કરી, સેટ થવું છે. આનો અર્થ એ થયો કે જીવનના માત્ર બે જ હેતુ છે, આર્થિક જરૂરિયાતો પૂરી કરવા કમાવવું અને પરંપરાગત કાર્ય (લગ્ન) કરવું. મને એક શિક્ષક તરીકે એ પૂછવામાં રસ પડ્યો કે લગ્ન કરવા છે શા માટે? પરંતુ કમનસીબે કોઈ પાસે તે પ્રશ્નોનો સંતોષકારક જવાબ મને આજદિન સુધી મળી શક્યો નથી. બધા જ લગ્ન કરે છે એટલે આપણે પણ કરવા પડે, એ જ કારણથી આ ક્રિયા વર્ષોથી થતી આવી છે. આ રીતે દેખાદેખી કોઈ સમજણ વગર લગ્ન જેવા પવિત્ર બંધનમાં બંધાવું ક્યાં સુધી યોગ્ય છે? હિન્દુશાસ્ત્રો અનુસાર વિવાહ એક સંસ્કાર છે, સંસ્કાર એટલે શુદ્ધ કરે તેવા આચાર. પરંતુ આપણને તો શું સંસ્કાર? શું આચાર? કે શું ધ્યેય? કઈ જ ખબર નથી, કદાચ એટલે જ આજે સમાજમાં ડિવોર્સની સંખ્યા વધી રહી છે, મેં ક્યાંક વાંચેલું કે આપણી બધી કોર્ટોમાં અન્ય કેસો ચલાવવા મુલતવી રાખી માત્ર છૂટાછેડાના કેસનો નિકાલ કરવામાં આવે તો 11 વર્ષ સુધી ચાલે તેટલા કેસોનો ભરાવો ફેમિલી કોર્ટોમાં જોવા મળે છે. જ્યાં સુધી કોઈ પણ કાર્ય અંગે ગંભીરતા નહિ આવે ત્યાં સુધી તકલીફોનો અંત શક્ય નથી. આજે નાટકો, સિનેમા કે whatsaapની દુનિયામાં સૌથી વધુ મજાક પતિ-પત્નીના સંબંધો પર થતી જોવા મળે છે, લોકોને આનંદ પણ વિશેષ એમાં જ આવે છે. જે સંબંધને આપણે સભાનપણે મજાક બનાવી દીધો છે તેની પાસે ગંભીરતાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? અને જયારે ઉત્તમ અને અપેક્ષિત પરિણામો લગ્નસંસ્થા આપી નથી શકતી ત્યારે આપણે તેને વખોડીયે છીએ. હમણા જ મેં એક મેસેજ વાંચ્યો કે “ if you don’t like the girl, change the girl but what about wife?” જે મેસેજ ઘણા બધા પુરુષોને પસંદ પડ્યો, એનો અર્થ એ કે તેમના સુષુપ્તમનમાં પત્ની બદલવાની ઈચ્છા અદમ્ય છે કેમ કે આપણે સામાન્ય રીતે જાણતા કે અજાણતા એને જ પસંદ કરતા હોઈએ છીએ જે મનમાં પડેલું હોય. ક્યારેય મા-બાપ, ભાઈ-બહેન કે અન્ય સંબંધી બદલવાનો વિચાર આવ્યો? અને કદાચ આવ્યો તો તેને આ રીતે ખુલ્લેઆમ પ્રદર્શિત કર્યો ? માત્ર પત્ની જ કેમ મજાકનું સાધન બને છે? વળી આવા મજાક દ્વારા આપણે યુવાપેઢીને પણ આવું જ શીખવાડીએ છીએ. જે આગળ જતા પોતાના અને અન્યના ભાવિ અંગે જોખમો ઉભા કરી શકે છે. ત્યારે આપણે સહન નહિ કરી શકીએ પરંતુ વાવ્યું એવું જ લણવું પડશે.
લગ્ન એટલે યુગ્મની ભાવના, યુગ્મ એટલે જોડાણ. લગ્ન એક પવિત્ર સંબંધ, ભાવના કે જોડાણ છે જે જીવન માટેની એક આવશ્યક અને અનિવાર્ય ઘટના છે. વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રમાણે જોડાણ જ શક્તિનું સર્જન કરે છે. પુરુષ અને પ્રકૃતિના યોગથી જ સમગ્ર બ્રહ્માંડની રચના થઈ છે તે આપણે સૌ જાણીએ છીએ. ધર્મમાં દર્શાવાતા અર્ધનારેશ્વર એટલે શિવ અને શક્તિનું યુગ્મ, જે અપ્રતિમ શક્તિ દર્શાવે છે. પરમાત્માના આ રૂપની પૂજા મનુષ્યજગતને બોધ કરાવે છે કે જોડાણ કે યુગ્મ જીવન માટે કેટલું અનિવાર્ય છે કેમ કે દરેક પરિસ્થિતિ પર જીત મેળવવી હોય તો સંબંધની શક્તિ જોઈએ. પરમચેતનતત્ત્વને જાણવા, સમજવા અને અનુભવવા વિશેષ શક્તિની અનિવાર્યતા રહેલી છે જે યુગ્મ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે અને આ જ હેતુ લગ્નરૂપી જોડાણ પાછળ પણ રહેલો છે. જીવનરૂપી ઉત્ક્રાંતિ કરવા જ લગ્નની વ્યવસ્થા છે. લગ્ન દ્વારા બે જીવોની મૈત્રી દૃઢ કરી શક્તિનો પ્રાદુર્ભાવ શક્ય બને છે. જે શક્તિ તમામ પ્રકારની સફળતા તેમ જ પરમપદની પ્રાપ્તિ માટે આવશ્યક છે.
રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું કે લગ્ન એક રોમાંચકારી આશ્ચર્ય છે. જેમાં ઓછામાં ઓછો પરિચય હોવા છતાં વ્યક્તિઓ વડીલોના આશીર્વાદ, મંત્રના સામર્થ્ય અને પંચમહાભૂતોની સાક્ષીએ, પ્રેમના દેવતાની પ્રેરણા અનુસાર અન્યને સ્વીકારે છે અને હૈયે શ્રદ્ધા રાખે છે કે તેઓ સુખી થશે. આમ અન્યોન્યના અત્યંત નિકટના મિત્રો બનવા અને બનાવવાની પ્રક્રિયા એટલે લગ્નપ્રથા, જેને મજાકનું રૂપ કદી ના આપી શકાય અથવા ન આપવું જોઈએ. વિવાહ એટલે નિષ્ઠા, જે સમગ્ર જીવનને સ્પર્શે એવી ઘટના છે. લગ્ન માણસના જીવનની અને એના સુખની નિર્ણયાક ઘટના છે. જીવનસાથી એ અર્થમાં જ જીવનપર્યંત સાથી બની રહેવાની ઘટના છે. એટલે જ લગ્નસંબંધને જન્મોજન્મનો સંબંધ માનવામાં આવે છે, sorry માનવામાં આવતો હતો. આજકાલ તો લગ્ન એક ગણતરીપૂર્વકનો સોદો બની ગયો છે. જિંદગીભરનો વિચાર કરી, કોની સાથે જોડાવાથી મહત્તમ ફાયદો થશે તે ગણતરી સાથે લગ્ન થાય છે. એટલે જ કદાચ લગ્નથી જે રોમાંચ થવો જોઈએ તે ખતમ થઈ ગયો છે.
સામાન્ય રીતે લગ્ન પાછળના લગભગ બધા જ કારણો અતિ સ્વાર્થી છે. જેમ કે કામવાસનાની પૂર્તિ, બાળકો અને સંસારિક સુખની ઈચ્છા, એકલતા દૂર કરવી, દેખાદેખી (બધા લગ્ન કરે અને હું રહી ગયો), જીવનપર્યંત દરેક કામમાં સાથ અને મદદની અપેક્ષા જેથી જીવનમાં સરળતા રહે, સલામતીની ભાવના (પ્રાણીજગતની જેમ મનુષ્ય જગતમાં પણ સામાજિક સલામતીનો ખ્યાલ અતિ વિકસિત છે અને એકલતા કરતાં જ્યારે કુટુંબનું સંગબળ હોય ત્યારે વ્યક્તિ વધુ સલામતી અનુભવે છે). મોટાભાગે આવા જ કારણોસર લગ્ન થતા હોય છે. આવા સ્વાર્થી કારણો છતાં લગ્ન પાછળના જો આધ્યાત્મિક કારણો સમજવામાં આવે અને એ પ્રમાણે અમલ કરવામાં આવે તો આવા સ્વાર્થી કારણો પણ આશીર્વાદરૂપ બની શકે. લગ્ન પાછળના આવા આધ્યાત્મિક કારણોમાં મુખ્ય છે, ૧) કામવાસનાને એકમાં નિયંત્રિત કરી બ્રહ્મચર્યનું પાલન કરવું. કેમ કે પશુજગત અને મનુષ્યજગતમાં માત્ર સંયમનો જ ફરક છે. એ જો માણસમાં ન હોય તો એનામાં અને પશુમાં કોઈ ફર્ક રહેતો નથી. ૨) હિન્દુશાસ્ત્રો અનુસાર ગૃહસ્થાશ્રમ એક ઉત્તમ આશ્રમ છે જેમાં અનેક પરોપકારના કાર્યો કરવાના હોય છે, જેને ધર્મ યજ્ઞ તરીકે ઓળખે છે. એવા પાંચ મુખ્ય યજ્ઞ જેવા કે દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞ, જે લગ્નજીવન દ્વારા શક્ય બને છે. ૩) સંબંધો, સમાજ અને સૃષ્ટિનું ઋણ ચૂકવવા માટે તેમ જ સતત ઉત્તમ કાર્યો કરવા માટે ગૃહસ્થાશ્રમ જેવો ઉત્તમ આશ્રમ બીજો કોઈ જ નથી. અને સૌથી મહત્વનું કારણ જો કોઇ હોય તો એ છે ૪) યુગ્મ ભાવનાનો ઉચ્ચતમ આદર્શ એટલે કે યુગ્મ કે જોડાણ દ્વારા જગતને ચરણે એકાદ બુદ્ધ, જીસસ, રામ, કૃષ્ણ, યોગી કે મહર્ષિ મુકવાનો છે. જેને સાચા અર્થમાં સમાજ અને સૃષ્ટિનું ઋણ ચૂકતે કર્યું કહેવાય અને જો એ ન થઇ શકે તો ભ્રષ્ટ પ્રજોત્પતિ દ્વારા સંસારનું દુખ ન વધારવું એ પણ સમાજની ખૂબ મોટી સેવા જ કહેવાય. લગ્ન ભોગવિલાસ માટે નથી તપશ્ચર્યા માટે છે, જેના દ્વારા જીવનનું પરમતત્વ પામી શકાય છે. ૫) આ ઉપરાંત પ્રેમ, સમજણ, સમાનતા, ન્યાય જેવા ગુણ પ્રાપ્ત કરવા માટે પણ લગ્નની સંસ્થા ઉપકારક છે. જેના દ્વારા સમગ્ર સમાજ નૈતિક અને મૂલ્યવાન બની શકે છે. ટૂંકમાં કામ-વાસનાનું નિયંત્રણ, સામાજિક સેવા, આધ્યાત્મિક ઉન્નતી જેવા અનેક ઉત્તમ હેતુ લગ્નસંસ્થા પાછળ રહેલા છે. એની વાસ્તવિક સમજ આજની પેઢીને આપીને જ લગ્નસંસ્થાને શ્રાપરૂપ બનતા અટકાવી શકાય.
દાંપત્યને રક્ષિત અને પુષ્ટ કરવાનું કામ ધર્મ અને સંસ્કૃતિનું છે. ધર્મ પવિત્રતાનો ભાવ ભરે અને સંસ્કૃતિ મૂલ્યોને સ્થિર કરે. પરંતુ જો ધર્મ અને સંસ્કૃતિ નિષ્ફળ જાય તો દાંપત્યની સ્થિરતા મુશ્કેલ બને. સંબંધ જડ સાથેનો હોય કે ચેતન સાથેનો સુખ અને દુઃખ બંને ઉત્પન્ન કરે જ, એ જ સૃષ્ટિનો ક્રમ છે આ વાત આજની પેઢીને સમજાવવી આવશ્યક છે. ધર્મ નર-નારીને પતિ-પત્ની બનાવી એક પવિત્રતાની ભાવનાથી ભરી દે છે. પતિ-પત્નીના સંબંધમાં મુખ્યત્વે ચાર ઘટકો છે ૧)કામવૃત્તિ ૨)ધનવૃત્તિ ૩)પ્રેમવૃત્તિ અને ૪) વ્યવહારવૃત્તિ. એક-બીજામાં જે સુખ દેખાય છે તેમાં કામવાસના સૌથી પ્રબળ ઘટક છે જેનો સંપુર્ણ નાશ બધા માટે શક્ય નથી પરંતુ સંયમ તો શક્ય છે જ. સંયમપૂર્વકનું આયોજન જ જીવનને દરેક ક્ષેત્રે સફળ કરે છે. એ જ રીતે પતિ-પત્નીના સંબંધમાં એક તત્વ ધન પણ છે જે અન્વયે શાસ્ત્રોઅનુસાર પુરુષની મર્દાનગી એમાં છે કે આપત્તકાળ સિવાય પત્ની પાસે ધનની અપેક્ષા ન રાખે. પરંતુ આજ-કાલ તો કમાતી છોકરી જોઇને જ લગ્ન કરવામાં આવે છે. ત્યારબાદ પ્રેમ અતિ મહત્વનું ઘટક છે અને પ્રેમ પ્રેમમાંથી જ પોષણ પામે છે અને વધે છે. જો એક પક્ષે પ્રેમ નહીં હોય તો અન્ય પક્ષે ખોટ થવાની જ. ત્યારબાદ લોકવ્યવહારનું તત્વ ભાગ ભજવતું હોય છે, જેના માટે અનેક નાટકો ભજવાતા હોય છે ટૂંકમાં દાંપત્ય એક પ્રકારનું તપ છે જેમાં આ ચાર પરિબળો માટેનું સંયમપૂર્વકનું આયોજન કરવું જરૂરી બને છે. જેની સમજણ આજનું શિક્ષણ અને સમાજ(એટલે કુંટુંબ વ્યવસ્થા) બાળકોને ન આપતા હોવાથી આજનું જનરેશન લગ્નસંસ્કારને તેના સાચા અર્થમાં સમજી જ શક્યું નથી અને લગ્નસંસ્થા આશીર્વાદરૂપ બનવાના બદલે શ્રાપરૂપ બની ગઈ છે. ઉપર દર્શાવેલા ચારેય પરિબળો સ્વાર્થની ભૂમિકા ઉપર ટકેલા હોવા છતાં દાંપત્યજીવનનો મુખ્ય રોલ ઉચ્ચ કક્ષાએ પહોંચી દિવ્યતા વરસાવવાનો છે અને ભૌતિક કે સ્થૂળ પ્રેમને દિવ્યપ્રેમમાં પરિવર્તિત કરવાનો છે. જેટલો ભાવ નિસ્વાર્થ અને પરમ એટલો આનંદ વધારે. આમ જીવન એક સાહસ છે. વળી જીવન માણવાની નહિ જાણવાની ચીજ છે. જાણનાર માટે તે આશીર્વાદરૂપ છે અને તેને મજાક બનાવનાર કે મજાક સમજનાર માટે તે શ્રાપરૂપ છે. લગ્નસંબંધ બંધન નહિ, બ્રીજ બનવો જોઈએ જે બે વ્યક્તિને જોડે, ગુંગળે નહિ. આમ જીવનના પરમ આદર્શને પામવાના વ્યવહારની શિક્ષા એટલે લગ્ન. વળી અથડામણથી માનવીનું ખરું તત્વ પ્રગટે છે, જે આંતરદ્રષ્ટિની જ્યોતને પ્રજ્વલિત કરે છે જેથી અથડામણથી ગભરાવવું નહિ. આવો આવી ગહન સમજણ દ્વારા લગ્નજીવનને શ્રાપરૂપ નહી આશીર્વાદરૂપ બનાવીયે..