અક્ષયતૃતીયાનું ધાર્મિક અને વ્યવહારિક મહત્વ કેટલું?

અક્ષયતૃતીયાનું ધાર્મિક અને વ્યવહારિક મહત્વ કેટલું?
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
પ્રત્યેક વર્ષના વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને “અક્ષયતૃતીયા’ તરીકે ઓળખવામાં આવે છે. નામ પ્રમાણે જ તે ગુણ ધરાવે છે એટલે કે આ દિવસે કરેલા દરેક સત્કર્મ અક્ષય અવિનાશી બને છે. અક્ષય એટલે “ક્યારેય સમાપ્ત ન થનાર અનંત” અને તૃતીયા એટલે ત્રીજની તિથી, જેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શરૂ કરાયેલ દરેક કાર્યમાં ચડતી અને ઉન્નતિ થાય છે એવી માન્યતા છે. પૌરાણિક કાળથી (ત્રેતાયુગથી) અક્ષયતૃતીયા નું મહત્વ છે. માત્ર હિંદુધર્મ જ નહીં પરંતુ જૈનધર્મમાં પણ તેનું અનેરું મહત્વ છે.
આ વર્ષે 2021 માં અક્ષયતૃતીયા મેં મહિનાની 14 મી તારીખ આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે સત્યયુગ અને ત્રેતાયુગની શરૂઆત થયેલી એટલા માટે આ તિથિને યુગાદિ તિથિ પણ કહેવાય છે. આ દિવસે ભગવાન નર-નારાયણ સહિત પરશુરામ તેમજ બ્રહ્માજીના પુત્ર અક્ષયકુમારનો જન્મદિવસ છે. આજ દિવસે ચારધામમાં મુખ્ય એવા બદ્રીનારાયણ તીર્થધામના દરવાજા દર્શન માટે ખુલે છે. કહેવાય છે કે મા ગંગાના પૃથ્વી પર અવતરણનો પણ આ જ દિન હતો. આજ દિવસે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયેલું અને અખાત્રીજના દિવસે જ ભગવાન ગણેશ અને વેદવ્યાસે મહાભારતગ્રંથ લખવાની શરૂઆત કરેલી.
દક્ષિણ ભારતમાં માન્યતા છે કે આ દિવસે ભગવાન કુબેરે દેવી લક્ષ્મીની પૂજા કરેલી અને દેવીએ તેમને ધનના દેવતા બનાવી દીધા હતા. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ચંદ્રમા અને નક્ષત્રોની ગતિ મુજબ તિથિઓ બનતી હોય છે, જેમ-જેમ ચંદ્રની કળામાં વધઘટ થાય તે પ્રમાણે તિથિઓમાં પણ વધઘટ થતી હોય છે પરંતુ વૈશાખ તૃતીયાનો દિવસ એક માત્ર વર્ષનો એવો દિવસ છે કે જ્યારે કોઈ વધ-ઘટ જોવા મળતી નથી. આ તિથિ હજારો વર્ષોથી કદી ક્ષય તિથિ બની નથી તેથી તેને અક્ષયતૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહેલું કે દરેક સાંસારિક, સર્જનાત્મક કે કલ્યાણકારી કાર્ય આ દિવસે શરૂ થશે તે અક્ષય બનશે અને અનેકગણું પુણ્ય મળશે.
આ દિવસે પંખા, ચોખા, મીઠું, ઘી, ખાંડ, શાકભાજી, ફળો, આમલી, કપડા વગેરેનું દાન ઉત્તમ માનવામાં આવે છે. દરેક શુભ અને મંગલ કાર્યો જેવા કે લગ્ન, સોનાની ખરીદી, ગૃહપ્રવેશ, વાહનની ખરીદી, પદભાર, ભૂમિપૂજન, નવો ધંધો વગેરે માટે આ દિવસ વણમાંગ્યું મહુરત છે. આ દિવસે સ્નાન, ધ્યાન, જાપ, હવન, જ્ઞાનપ્રાપ્તિ, પિતૃતર્પણ કરવાથી વધુ યોગ્યતા મળે છે એટલે કે પરમાત્મા પ્રાપ્તિની લાયકાત વધે છે. અક્ષયતૃતીયાના અધિષ્ઠાતા દેવતા ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી છે, જેમની આરાધના આ દિવસે વિશેષ ફળ આપે છે. આ દિવસ દાનપ્રધાન વ્રત છે. આ દિવસે વધારેમાં વધારે દાન આપવાનું મહત્વ છે કેમકે તે અક્ષય બને છે એટલે કે તેનો નાશ કદી થતું નથી.
શાસ્ત્રો જણાવે છે કે અક્ષયતૃતીયાનું વ્રત કરનાર, દાન કરનારના ભંડાર હંમેશા ભરેલા જ રહે છે. આમ પણ આપણે સૌ જાણીએ છીએ કે આપનાર હંમેશા અમીર જ રહે છે. આપવાથી ક્યારેય ખૂટ્યું નથી અને ખૂટવાનું નથી. અક્ષયતૃતીયાનું પર્વ તપ અને દાનનો મહિમા દર્શાવતું પર્વ છે. જૈનધર્મમાં આ તિથિને અક્ષય પુણ્ય પ્રદાન કરવાવાળી તિથિ માનવામાં આવે છે. આ દિવસે ભગવાનને શેરડીનો રસ ધરાવવાનું મહત્વ જૈન પરંપરામાં છે. આમ પણ દાન અને તપની આરાધના કરનાર અક્ષય પદ પામે તેમાં શું નવાઈ? કેમ કે આ બન્ને જીવને મહાન બનાવે છે. તો આવો દાન અને તપની વિભાવનાઓને આજના વિશિષ્ટ દિને સમજી તેને અક્ષય કરીએ. દાનથી કરુણા,સેવા અને બંધુત્વ જેવી પવિત્ર ભાવનાનો વિકાસ થાય છે. ધર્મ વિમુખ મનુષ્યને ધર્મ પંથ પર લાવવા તે પણ દાનનો જ એક પ્રકાર છે. ધર્મનું દાન ઉત્કૃષ્ટ દાન છે કારણકે ધર્મનો રસ જ સર્વ રસોમાં શ્રેષ્ઠ છે. દાનનો સંબંધ ચારિત્ર સાથે છે. આહારદાન, વસ્ત્રદાન, જળદાન, ઔષધદાન, અભયદાન, શક્તિદાન, વિદ્યાદાન, ધર્મદાન, આનંદદાન, ગજદાન, અશ્વદાન, ભૂમિદાન, સુવર્ણદાન વગેરે અનેક પ્રકારના દાનનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. દાનની અપાર શક્તિ વડે ગરીબી અને સંગ્રહખોરીને સમાપ્ત કરી શકાય છે. દાન અસંખ્ય પાપોનો છેદ કરે છે તો ક્યારેક દાન પ્રાયશ્ચિતનું પાવન કાર્ય પણ કરી દે છે. દાનને આનંદની પ્રાપ્તિ અને કલ્યાણનું દ્વાર ગણવામાં આવે છે. જે દાન દેવાથી કોઈનું કલ્યાણ થાય તે દાન ઉગી નીકળ્યું કહેવાય. દાન ગ્રહણ કરનાર પાસે દાતા પોતે જઇને દાન આપે તે ઉત્તમ દાન છે. જે દાન કર્તવ્ય સમજી અને ઉદારભાવથી આપવામાં આવે, દેશ,કાળ, પાત્રનો વિચાર કરીને આપવામાં આવે, જેણે પોતાના પર કોઈ ઉપકાર નથી કર્યો તેવી વ્યક્તિને આપવામાં આવે તે દાનને સાત્વિક દાન કહે છે. એ દાન શ્રેષ્ઠ છે જેનાથી દેનારના મનમાં અહંકાર ન પ્રગટે અને ગ્રહણ કરનારના મનમાં લઘુતાભાવ ન પ્રગટે. શ્રદ્ધા અને ત્યાગની ભાવના દાનક્રિયામાં ભળેલી હોય તો તે દાન સંપૂર્ણ સફળ રહે છે. જેમ મળત્યાગ પછી આપણે તેની સામે જોતા પણ નથી એવો જ ભાવ દાન બાદ રાખવો જોઈએ. ઉદાર વ્યક્તિમાં જ દાતા થવાની ક્ષમતા રહેલી હોય છે. દાન હંમેશા મધુર વચન સાથે આપવું જોઈએ. રક્તદાન, ચક્ષુદાન, દેહદાન પણ આધુનિકયુગની દાનભાવના છે. મહાત્મા ભર્તુહરિ જણાવે છે કે સંપત્તિની મુખ્યત્વે ત્રણ ગતિ છે. ૧) ભોગ ૨) નાશ અને ૩) દાન, જેમાં દાન એક ઉત્તમ ગતિ છે જે તેની ભવ્યતા અને દિવ્યતાના દર્શન કરાવે છે. દાન માત્ર ત્યાગ નથી એ તો વાવણી છે, જે અક્ષય બને છે એટલે તો અક્ષય તૃતીયાના દિવસે દાનનો ખુબ મહત્વ છે.