બારડોલીના બ્રેઈનડેડ કામિનીબેન પટેલના પરિવારે હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું

બારડોલીના બ્રેઈનડેડ કામિનીબેન પટેલના પરિવારે હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું

કોરોના મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી હૃદય અને ફેફસાંના દાનની સૌપ્રથમ ઘટના

સુરતથી મુંબઈનું ૩૦૦ કિ.મીનું અંતર ૧૦૦ મિનીટમાં, હૈદરાબાદનું ૯૪૦ કિ.મીનું અંતર ૧૬૦ મિનિટમાં કાપી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાયા

સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા બત્રીસમા હ્રદય અને ફેફસાના દાનની સાતમી ઘટના

અંગદાન થકી સ્વ.કામિનીબેન સાત વ્યક્તિઓમાં જીવંત રહેશે

સુરત: ‘અંગદાન, મહાદાન’ ને સાર્થક કરતાં સુરતમાંથી બત્રીસમા હ્રદય અને ફેફસાના દાનની સાતમી ઘટના નોંધાઈ છે. કોરોના મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી હૃદય અને ફેફસાંના દાનની સૌપ્રથમ ઘટના બની છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ટીંબરવા (સાંકળી) ગામના ૪૬ વર્ષીય બ્રેઈનડેડ થયેલાં કામિનીબેન પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. દુ:ખભરી સ્થિતિમાં પટેલ પરિવારે પ્રેરણારૂપ નિર્ણય કરતાં અંગદાન દ્વારા અન્ય લોકોની જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કર્યો છે. સુરતથી મુંબઈનું ૩૦૦ કિ.મીનું અંતર ૧૦૦ મિનીટમાં, હૈદરાબાદનું ૯૪૦ કિ.મીનું અંતર ૧૬૦ મિનિટમાં કાપી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.

ટીંબરવા ગામના ટેકરા ફળિયામાં રહેતાં અને ખેતીવ્યવસાય કરતાં ભરતભાઈ વનમાળીભાઈ પટેલની પત્ની કામિનીબેન તા.૧૭ મે ના રોજ વહેલી સવારે પથારીમાંથી ઉભા થવા ગયાં, પ્રયત્ન કરવાં છતાં ઉભા થવાયું ન હતું. પરિવારે તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યા, જેમણે તપાસ કરતાં બ્લડ પ્રેશર ખુબ વધી ગયું હોવાથી હોસ્પિટલ લઈ જવા જણાવ્યું. જેથી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનંલ નિદાન થયું હતું. વધુ સારવાર માટે તેમને સુરતની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાયા. ન્યુરોફિજીશિયન ડો.દિવ્યાંગ શાહે સારવાર શરૂ કરી. ન્યુરોસર્જન ડૉ.મિલન સેંજલીયાએ ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. પરંતુ રિકવરી ન આવતાં શનિવાર તા.૫ જુનના રોજ ન્યુરોફિજીશીયન ડૉ.દિવ્યાંગ શાહ, ન્યુરોસર્જન ડૉ.મિલન સેજલીયા, ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ.આરૂલ શુક્લા અને ફિજીશ્યન ડૉ.હેતલ રૂડાણીએ કામિનીબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા.

ડૉ.આરૂલ શુક્લાએ ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનની રાજ્ય સલાહકાર સમિતિના સભ્ય અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલિફોનીક સંપર્ક કરી કામિનીબેનના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કામીનીબેનના પતિ ભરતભાઈ, પુત્ર અનિકેત, ભાઈ સંજયભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

સ્વ.કામિનીબેનના પતિ ભરતભાઈ કે જેઓ અમેરિકાના ટાઈની સ્માઈલીંગ ફેસીસ ગ્રુપ તથા જુદી-જુદી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેમણે કોરોના મહામારી દરમિયાન બારડોલી પંથકમાં આઈસોલેશન વોર્ડના દર્દીઓ તેમજ સ્ટાફ માટે જમવાની સુવિધા, દવાઓ તેમજ મેડિકલના વિવિધ સાધનોના વિતરણની વ્યવસ્થામાં યોગદાન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, મારી પત્ની બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, ત્યારે તેમના અંગોના દાન થકી કોઈના મુરઝાયેલા મુખ પર સ્મિત આવી શકતું હોય તો સહર્ષ આગળ વધવા મારી સંમતિ છે. આણંદની ચારૂસેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનીયરીંગનો આભ્યાસ કરતા ૧૯ વર્ષીય પુત્ર અનિકેતે કહ્યું કે, કોરોનાકાળમાં ઘણા દર્દીઓના ફેફસા ખરાબ થયા છે, ત્યારે માતાના ફેફસાના દાનથી જરૂરિયાતમંદને નવજીવન મળી શકતું હોય તો એનાથી વિશેષ બીજું શું હોય? મોટો પુત્ર ૨૨ વર્ષીય દર્શન અમેરિકાની અર્લિંગટનની ધ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ (યુ.ટી.એ)માં સિવિલ એન્જિનીયરીંગનો અભ્યાસ કરે છે. જણે પણ સહર્ષ સંમતિ આપી.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ અમદાવાદની ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની, લિવર, હૃદય અને ફેફસાના દાન માટે જણાવ્યું.ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી નહિ હોવાના કારણે SOTTO દ્વારા ROTTO-મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો. ROTTO-મુંબઈ દ્વારા મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને હૃદય ફાળવવામાં આવ્યું. ફેફસા હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. જયારે SOTTO દ્વારા એક કિડની અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ તેમજ એક કિડની અને લિવર અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર(IKDRC) ને ફાળવવામાં આવ્યા.

મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડૉ.સંદીપ સિંહા, ડૉ.રોહિતની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલના ડૉ.વિવેક સિંગ, ડૉ.પ્રેમ આનંદ અને ટીમે આવી ફેફસાનું દાન સ્વીકાર્યું, અમદાવાદની IKDRC ના ડૉ.પ્રાંજલ મોદી અને તબીબી ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

સુરતથી મુંબઈનું ૩૦૦ કિ.મીનું અંતર ૧૦૦ મિનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સર રિલાયન્સ હોસ્પિટલમાં મુંબઈની રહેવાસી ૪૬ વર્ષીય મહિલામાં ડૉ.અન્વય મુલે અને ટીમ દ્વારા તેમજ હૈદરાબાદનું ૯૪૦ કિ.મીનું અંતર ૧૬૦ મિનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલમાં જલગાંવ, મહારાષ્ટ્રની રહેવાસી ૩૧ વર્ષીય મહિલામાં ડૉ.સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ મહિલાના ફેફસાં કોરોનાગ્રસ્ત થવાના કારણે ખરાબ થઇ ગયા હતા, જેની સારવાર ECMO (એકમો) મશીન ઉપર ચાલી રહી હતી.

સુરતથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીનું ૨૬૪ કિ.મિ રોડ માર્ગનું અંતર ૧૯૦ મિનીટમાં કાપીને એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૩૦ વર્ષીય મહિલામાં અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ડૉ. કેતન શુક્લા અને ટીમ દ્વારા તથા બીજી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ૨૭ વર્ષીય મહિલા તેમજ ભાવનગરના રહેવાસી ૫૮ વર્ષીય વ્યક્તિમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રિઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

રાજ્યમાં હૃદયદાનની આ ૪૧મી ઘટના છે. સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરાવવાની આ ૩૨મી ઘટના છે, જેમાંથી ૨૧ હૃદય મુંબઈ, ૫ હૃદય અમદાવાદ, ૪ હૃદય ચેન્નાઈ, ૧ હૃદય ઇન્દોર અને ૧ હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી ફેફસાના દાનની આ ૦૮મી ઘટના છે, તેમજ સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ફેફસા દાન કરાવવાની આ ૦૭મી ઘટના છે.

હ્રદય, ફેફસાં અને કિડની સમયસર મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદ પહોંચાડવા માટે ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

નોંધનીય છે કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૮૪ કિડની, ૧૫૮ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૨ હૃદય, ૧૪ ફેફસાં અને ૨૮૮ ચક્ષુઓ કુલ ૮૮૨ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૧૦ વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે. આમ, અંગદાન થકી સ્વ.કામિનીબેન સાત વ્યક્તિઓમાં જીવંત રહેશે.