રાજય સ્થાપના દિન તા. ૧ લી મેથી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુકત ગામ” રાજયવ્યાપી અભિયાનનો પ્રારંભ
કલેકટરાલયના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે ખાસ ઉપસ્થિત રહીને “મારૂ ગામ કોરોના મુકત ગામ” અભિયાનમાં સહભાગી બનતાં જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ
નર્મદા જિલ્લાની ૬૬૯ પ્રાથમિક શાળાઓમાં જરૂરી સુવિધાઓ સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત
રાજપીપલા,તા 1
ગુજરાત રાજય સ્થાપના દિન નિમિત્તે તા. ૧ લી મે થી તા. ૧૫ મી, મે-૨૦૨૧ સુધી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુકત ગામ” ના હાથ ધરાયેલા રાજયવ્યાપી અભિયાનનો આજથી પ્રારંભ કરાયો છે. ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજયના પંચાયત વિભાગના મંત્રી જયદ્રથસિંહ પરમાર વગેરેની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી આજે યોજાયેલા ઉકત કાર્યક્રમનો બાયસેક, ઇ-ગ્રામ પવન ચેનલ તથા જીસ્વાનના માધ્યમથી જીવંત પ્રસારણ કરાયું હતું. જે તે ઉપસ્થિત મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓએ નિહાળ્યું હતું.
ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજય કક્ષાના મંત્રી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ તેમજ ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમના મેનેજીગ ડિરેકટર અને જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદર આજે રાજપીપલા કલેકટરાલય ખાતેના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે ખાસ ઉપસ્થિત રહીને ઉકત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડિંડોર, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, સહિત જિલ્લા આરોગ્યતંત્રના અધિકારીઓ પણ તેમાં જોડાયાં હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં “મારૂ ગામ કોરોના મુકત ગામ” અભિયાન હેઠળ જિલ્લાની ૬૬૯ પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરીને તેમાં કુલ ૩૧૧૨ પથારી (બેડ) ની સુવિધા- વ્યવસ્થા કરાયેલ છે. આ કોવિડકેર સેન્ટરમાં ગાદલું, ઓસીકુ, ચાદર, ચારસો, પીવાના પાણીની સુવિધા ઉપરાંત અન્ય વપરાશ માટેના વાપરવાના પાણીની સુવિધા, માસ્ક, સેનેટાઇઝર દવાની કીટ, સેનીટેશનની સુવિધા અને સફાઇ તેમજ નાહવા માટેની પણ અલાયદી સુવિધા કરાયેલ છે.
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ઉકત કાર્યક્રમના જીવંત પ્રસારણને જિલ્લા કક્ષાએ, તાલુકા પંચાયત કક્ષાએ અને ગ્રામ પંચાયત કક્ષાએ પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને નિહાળ્યું હતું અને પોતાના ગામને કોરોના મુકત ગામ બનાવવા અંગે માર્ગદર્શન મેળવી આ અભિયાનને સફળ બનાવવા સંકલ્પબધ્ધ થયાં હતા.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા