અમે રહીએ છીએ ગુજરાતમાં.
✒લેખક: ડૉ. નિમિત્ત ઓઝા

એક જ રસ્તા પર પસાર થઈએ તો એકબીજા સામે હાથ ઉંચો કરી લઈએ છીએ. ક્યાંક મળી જઈએ તો કારણ વગર ગળે પણ મળી લઈએ છીએ. એક બીજાને તાળી આપી દઈએ છીએ વાત વાતમાં, અમે રહીએ છીએ ગુજરાતમાં.

અહીં ‘કેમ છો ?’ ફક્ત જાણકારી માટે નથી પૂછાતું, કેર અને કન્સર્ન માટે પણ પૂછાય છે. ‘કેમ છો ?’ પૂછીને અમે નિસબત બતાવીએ છીએ કે અમે તમારી સાથે છીએ. અને સામેવાળી વ્યક્તિ ઉમળકાભેર ‘મજામાં’ એટલા માટે જ કહે છે કે ‘અત્યારે નથી તો શું થયું ? બહુ જલદી મજામાં હોઈશું.’ અહીં ‘ક્યારેક ઘરે બેસવા આવો’નો અર્થ એવો નથી થતો કે તમે નવરા છો. એનો અર્થ થાય છે કે રૂપિયા કમાવવાની દોડમાં, સાથે બેસીને થોડી નિરાંતની પળો માણી લઈએ. અમને ખુશ કરવા બહુ સહેલા છે. ખમણ ઢોકળા ને ભાતમાં, અમે તો આનંદ કરી લઈએ પારકી પંચાતમાં. અમે રહીએ છીએ ગુજરાતમાં.

અહીં દરેક સમસ્યાનો ઉકેલ ચા છે. બીઝનેસ ડીલ હોય તો ચા, સગપણ કરવાનું હોય તો ચા, કોઈને મનાવવાના હોય તો ચા, વાતો કરવાની હોય તો ચા, કશું જ ન કરવાનું હોય તો ચા. અમે ચાને ઓક્સીજનની માફક વાપરીએ છીએ અને જીભને ખાંડની માફક. અમે જન્મથી આશાવાદી પ્રજા છીએ. સવારે ઊઠશું કે નહીં એની જાણ નથી અને છતાં અમે ‘એલારામ’ મૂકીને સૂઈએ છીએ, ‘એલાર્મ’ નહીં. અમે ‘એલારામ’ બોલીને પણ રામને યાદ કરી લઈએ છીએ. દિવસે તનતોડ મહેનત કરીએ અને મોટા મોટા સપનાઓ જોઈએ છીએ રાતમાં, અમે રહીએ છીએ ગુજરાતમાં.

જિંદગીમાં આટલી બધી તકલીફો વચ્ચે પણ અમે ખાવામાં સુખ શોધી લઈએ છીએ. અમારા હ્રદય પણ અમારી ફાંદ જેટલા જ વિશાળ છે. અમે એટલા ઉદાર છીએ કે અમારા શરીરમાં જમા થતી ચરબીને પણ અમે જાકારો નથી આપતા. ડાન્સના સ્ટેપ્સ હોય કે ગરબાની ધૂન, અમે નૃત્યના માણસો છીએ. જિંદગી અમને નચાવે એ પહેલા અમે અમારી સ્વેચ્છાએ નાચી લઈએ છીએ.

અહીં દારૂબંધી છે અને છતાં અમે નશામાં છીએ. વેકેશનમાં ફરવા જઈએ અને તહેવારોમાં ઘરે હોઈએ, અમે જિંદગી જીવી લેવાના બહાનાઓ શોધી લઈએ. પાનના ગલ્લા પર ફિલોસોફી કરી લઈએ, માવો કે ફાકી ખાઈને થોડા દુખ હળવા કરી લઈએ. અમે દેશ આઝાદ પણ કરી બતાવીએ અને મોકો આપો તો દેશ ચલાવી પણ દઈએ. અમે છીએ વૃદ્ધિ અને પ્રગતીનો પર્યાય, પણ રસ-પૂરી ખાધા પછી અમારી આંખો ઘેરાય.

અમે ફ્લેક્સીબલ છીએ. ગુજરાતી બોલતા બોલતા વચ્ચે અંગ્રેજી શબ્દો પણ બોલી લઈએ. દુનિયાની કોઈપણ ભાષા અમે ‘ગુજરાતી સ્ટાઈલ’માં બોલી દઈએ. ફક્ત ભાષાથી જ નહીં, અમે ભાવથી પણ ગુજરાતી છીએ. ભલે ગુજરાતની બહાર હોઈએ પણ તો ય અમારામાં ગુજરાત વસે છે. ગુજરાતમાં રહેવા માટે દરેક ગુજરાતી તરસે છે. જ્યાં પણ હોઈએ અમે રહી છીએ મોજમાં, મસ્તીમાં અને અંતરની નિરાંતમાં. અમે રહીએ છીએ ગુજરાતમાં.