*વ્યથાના બદલે વ્યવસ્થા : અમદાવાદ સોલા સિવિલ ખાતે કોવીડગ્રસ્ત મૃતદેહના નિકાલ માટે નવી ૫ (પાંચ) શબવાહિનીની વ્યવસ્થા શરૂ કરાઈ*
અમદાવાદ: અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડથી થતા મૃત્યુ બાદ શબનિકાલમાં થતા વિલંબને નિવારવા માટે નવી ૫(પાંચ) શબવાહિનીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ, નવી વ્યવસ્થાના પગલે મૃતકના સ્વજનોને મૃતદેહના નિકાલ માટે લાંબો સમય સુધી રાહ જોવી પડતી હતી, તે સમસ્યાનો અંત આવ્યો છે.
કોવીડના કેસમાં અસાધારણ વૃદ્ધિ થતા મૃતદેહના નિકાલ માટેની સોલા સિવિલ વહીવટીતંત્રની પ્રવર્તમાન વ્યવસ્થા અપૂરતી જણાતા જિલ્લા વહીવટીતંત્રએ નવી શબવાહિનીની વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો અને તાત્કાલિક ધોરણે શબવાહિનીઓ કાર્યાન્વિત કરવામાં આવી છે.
અગાઉ સોલા સિવિલ હોસ્પિટલ પાસે ૩ શબવાહિની હતી. ત્યારબાદ સ્થિતિ ગંભીર થતા સાણંદ નગરપાલિકાની શબવાહિનીને ઉપયોગ માટે અહીં લાવવામાં આવી. આમ, ૪ શબવાહિની કાર્યરત હતી. પણ મૃતક સંખ્યામાં વૃદ્ધિના પગલે નવી વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય લેવાયો.
સોલા સિવિલના પ્રભારી સચિવ શ્રી હારિત શુક્લા અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓએ ડેડબોડી ડિસ્પોસલની જવાબદારી સંભાળતા અધિકારીશ્રીને દર્દીઓની વ્યથા માટે નવી વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપી. જેના પગલે ૫(પાંચ) નવી શબવાહિની ભાડે લેવામાં આવી છે. આ નવી શબવાહિની આવતા હવે મૃતદેહના નિકાલની વ્યવસ્થા ઝડપી બની છે. આ શબવાહિનીઓ રાત-દિવસ કાર્યરત છે. જેના કરાણે હવે નાગરિકોને પડતી હાલાકી દૂર થઈ છે. સમયસર મૃતદેહનો નિકાલ થાય છે.
આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીશ્રીના મતે સ્મશાનમાં મૃતદેહ માટે મોકલાતી શબવાહિનીને પાછી ફરવામાં સમય લાગતો હતો. – કારણ કે ડેડબોડીને ત્યાં મૂકીને આવવામાં આવે તો સંક્રમણનું જોખમ વધી જતું હતું, તેથી મૃતદેહને શબવાહિનીથી નીચે ઉતારવામાં ન આવતો એટલે ત્યાં શબવાહિનીને રોકાઈ રહેવું પડતું. વળી, શબવાહિનીને સેનિટાઈઝ પણ કરવી પડે કારણ કે ડેડબોડીમાં વાયરસ લોડ વધારે હોય. આમ, આ બધી પ્રક્રિયામાં થતા સમયને કારણે નવી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી બની હતી.
સંબંધિત અધિકારીશ્રી નવી વ્યવસ્થાને કઈ રીતે અમલી બનાવી તેની રુપરેખા આપતા કહે છે કે ઉચ્ચ અધિકારીશ્રીઓની સૂચનાના પગલે ૨૧ એપ્રિલે ૨ શબવાહિની અને ૨૨ એપ્રિલે ૩ શબવાહિની કાર્યરત થઈ ચૂકી છે.તેઓ કહે છ કે આ નવા આયોજનના ઝડપી અમલ માટે આરટીઓની મદદ લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં કોવીડના કેસમાં અસાધારણ વૃદ્ધિ થતા મૃતદેહના નિકાલની સમસ્યા સર્જાતા સોલા સિવિલના નોડર ઓફિસર અને સચિવશ્રી હારિત શુક્લા, જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે,જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ અને સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.પીનાબહેન સોનીએ તાત્કાલિક ધોરણે બેઠક યોજી સમસ્યાનો ઉકેલ આણ્યો છે. પરિણામે, સ્વજનોના દર્દીઓને ઘણી રાહત પહોંચી છે.
***********