કોવીડની ઉત્તમ સારવાર અમદાવાદ સિવિલમાંથી એપ્રિલ મહિનામાં 1100 થી વધુ દર્દીઓને રજા અપાઈ

*કોવીડની ઉત્તમ સારવાર અમદાવાદ સિવિલમાંથી એપ્રિલ મહિનામાં 1100 થી વધુ દર્દીઓને રજા અપાઈ. 9 એપ્રિલે સૌથી વધુ 154 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા*

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવીડની સારવાર લઈ સ્વસ્થ થઈ ચૂકેલા 1,144 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ આંકડા 1 એપ્રિલથી 13 એપ્રિલ,2021 સુધીના છે. કોવીડની બીજી લહેરમાં દર્દીઓનું પ્રમાણ વધ્યું છે તે સંજોગોમાં કોવીડ અસરગ્રસ્ત દર્દીઓના સ્વજનો સિવિલ હોસ્પિટલમાં સારવારને પ્રાથમિકતા આપે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે સપ્તાહમાં કોવીડની સારવાર લઈને સ્વસ્થ થઈ ચૂકેલા દર્દીઓની સંખ્યામાં ક્રમશ વધારો થઈ રહ્યો છે. 1 એપ્રિલે 53 દર્દીઓને રજા અપાઈ હતી, જે સંખ્યા 13 એપ્રિલે વધીને 137 પહોંચી છે. 9 એપ્રિલે સૌથી વધુ 154 થી વધુ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આમ, એકંદરે 1 એપ્રિલથી 13 એપ્રિલ સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યામાં બમણાથી પણ વધારે થયો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થઈ ચૂકેલા દર્દીઓના અમે પ્રતિભાવ મેળવ્યા.
કોવીડને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા શ્રી રાજેશભાઈ રાવલ તેમના અનુભવો વર્ણવતા કહે છે કે, સિવિલમાં સારવાર ઉત્તમ રીતે થાય છે. વળી, ભોજનની સુવિધા પણ સુંદર છે.
સિવિલમાં સારવાર મેળવીને સ્વસ્થ થઈ ચૂકેલા શ્રી ભાવેશભાઈ મહેતા સારવાર અંગે સંતોષ વ્યક્ત કરતા કહે છે, મને સિવિલમાં ઉત્તમ સારવાર મળી અને અહીંના સ્ટાફનું વલણ ઘણું હકારાત્મક છે.

7 એપ્રિલે સિવિલમાં દાખલ કરવામાં આવેલા શ્રી અજીત શર્મા સારવાર બાદના પ્રતિભાવમાં જણાવે છે કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફના માયાળુ વ્યવહારથી વૃદ્ધો ઘણી રાહત અનુભવે છે. અને તે ઝડપથી સાજા થાય છે.
આમ, સિવિલ હોસ્પિટલમાં તબીબો અને સહાયક સ્ટાફ નિસ્વાર્થ ભાવે રાત-દિવસ દર્દીઓની સેવામાં કાર્યરત છે, જેના પરિણામે કોવીડના દર્દીઓ ઝડપથી સાજા થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.