રૂા. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનનું કરાયું લોકાર્પણ

રૂા. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનનું કરાયું લોકાર્પણ

તાલુકા મથકે શિક્ષણ, આરોગ્ય વગેરે સહિતની મહત્વની તમામ સુવિધાઓ પ્રજાજનોને સારી રીતે મળી રહે તેવો સરકારનો અભિગમ રહેલો છે – ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા

રાજપીપલા,તા 7

ભરૂચના સંસ્દસભ્ય મનસુખભાઇ વસાવાના મુખ્યમહેમાનપદે અને દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી રોહિદાસ વસાવાના અતિથીવિશેષપદે પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઇ વસાવા,
વગેરેની ઉપસ્થિતિમાં આજે સાગબારા ખાતે અંદાજે રૂા.૨ કરોડના ખર્ચે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રિબન કાપવાની સાથે તકતીનું અનાવરણ કરીને નવનિર્મિત તાલુકા પંચાયત ભવનને ખૂલ્લું મુકાયું હતું.
ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ સાગબારા ખાતે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, કોઇપણ તાલુકાના ઝડપી વિકાસ માટે અદ્યતન તમામ સુવિધાઓથી સજજ જે તે તાલુકા પંચાયતનું ભવન અતિ મહત્વનું હોય છે. આ નવું બિલ્ડીંગ તમામ સુવિધાઓથી સજજ છે, ત્યારે આ ભવનમાં વિવિધ પ્રકારની કામગીરી એક જ સ્થળેથી થવાથી બહારથી પોતાના કામકાજ માટે આવનારા પ્રજાજનોને પણ ખૂબ જ સરળતા રહેવાની સાથે ફાયદો થશે. આ ભવવના માધ્યમથી સાગબારા તાલુકાનો ખૂબ ઝડપી વિકાસ થવાનો છે. તાલુકા મથકે શિક્ષણ, આરોગ્ય વગેરે સહિતની મહત્વની તમામ સુવિધાઓ પ્રજાજનોને સારી રીતે મળી રહે તેવો સરકારનો અભિગમ રહેલો છે, ત્યારે આવનારા દિવસોમાં નવી સરકારી કચેરીઓના મકાનો ઉપરાંત કર્મચારીઓ માટેની જરૂરી આવાસ સુવિધાઓ પણ ઉપલ્બધ થાય તેવી વ્યવસ્થાઓના આયોજન સાથે ખાસ કાળજી રાખવામાં આવશે, તેમ વસાવાએ ઉમેર્યુ હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ ના સીડીપી-૩ યોજના હેઠળ સાગબારા તાલુકા પંચાયતના નવા ભવનના મંજૂર કરાયેલા કામ અંતર્ગત અંદાજે રૂા. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનમાં તાલુકા પંચાયત પ્રમુખ તથા તાલુકા વિકાસ અધિકારી માટેની ચેમ્બર ઉપરાંત કર્મચારીગણ માટેની વહિવટી, શિક્ષણ, બાંધકામ, મિશન મંગલમ, નરેગા જેવી શાખાઓ તેમજ જનસુવિધા કેન્દ્ર તથા બેઠકો માટેનો સભાખંડ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ પાણીની મુશ્કેલી દૂર કરવા માટે વરસાદી પાણીને રેઇન વોટર હાર્વેસ્ટીંગ સુવિધા-લાઇટ ફીટીંગ સહિતની ઓફિસની જરૂરીયાતની તમામ સુવિધાઓ પરિપૂર્ણ કરવામાં આવેલ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા