કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે સીમા સુરક્ષા દળ, રાજસ્થાન ફ્રન્ટિઅર હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી

અમદાવાદ: કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે 20 માર્ચ 2021ના રોજ જોધપુર ખાતે સીમા સુરક્ષા દળ, રાજસ્થાન ફ્રન્ટિઅર હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી હતી.

સીમા સુરક્ષા દળ, રાજસ્થાન ફ્રન્ટિઅરના ઇન્સ્પેક્ટર જનરલ શ્રી પંકજ ગૂમેર તેમના સ્વાગતમાં આવ્યા હતા અને તેમને વિવિધ પરિચાલન સંબંધિત બાબતોની માહિતી આપી હતી. બંને અધિકારીઓએ પોતાની ટીમ સાથે પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે અને પશ્ચિમી સરહદોમાં સુરક્ષા માટે ભવિષ્યના આયોજન વિશે તેમના વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને વરિષ્ઠ અધિકારીઓએ એકબીજા સાથે નીકટતાપૂર્વક સંકલનમાં કામ કરવા પર તેમજ સંયુક્ત તાલીમ અને પરિચાલન આયોજનમાં સુધારાની પ્રક્રિયા ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો.

જનરલ ઓફિસરે આ મુલાકાત અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને આપણી સરહદોની સુરક્ષા માટે તેમજ રાષ્ટ્રના સાર્વભૌમત્વને જાળવી રાખવા માટે પ્રોફેશનલિઝમના સર્વોચ્ચ ધોરણો પ્રાપ્ત કરવા માટે તાલમેલમાં રહીને કામ કરવા માટે અનુરોધ કર્યો હતો.