આવો આજે વિશ્વનિંદ્રાદિન (world sleep day) નિમિત્તે સમજીએ યોગ્ય નિંદ્રાનું મહત્વ શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

માનવશરીર એક વિશિષ્ટ પ્રકારનું યંત્ર છે જેને સ્વસ્થ અને અંત સુધી કાર્યરત રાખવા સંતુલિત માત્રામાં નિંદ્રા,પૌષ્ટિક આહાર, શુદ્ધ હવા-પાણીની આવશ્યકતા અવિરત રહે છે. ઊંઘ એ ઈશ્વરનો આશીર્વાદ છે. પરમાત્માએ જીવન જીવવા માટે અમુક નિયમો નક્કી કર્યા છે. જેનું પાલન કરીને આપણે આજીવન સ્વસ્થ અને સુખી રહી શકીએ છીએ. તંદુરસ્તી માટે આહારનું જેટલું મહત્વ છે તેટલું જ ઊંઘ કે નિંદ્રાનું છે. એ વાતનો અહેસાસ જનસમુદાયને કરાવવા માટે વર્ષમાં એક દિવસ ૧૯ માર્ચને દિવસે વિશ્વનિંદ્રાદિન તરીકે ઉજવવામાં આવે છે. ઈશ્વરે દિવસ પુરુષાર્થ કે કર્મ કરવા માટે અને રાત્રિ આરામ કરવા માટે બનાવી છે. આધુનિક જીવનશૈલીમાં આપણે એ ભૂલી ગયા છીએ કે સમગ્ર દિવસની કાર્યક્ષમતાનો આધાર રાત્રિની યોગ્ય નિંદ્રા ઉપર છે. ઊંઘ અને આરોગ્યના સંબંધને સમજવા માટે આટલી બાબતોને ધ્યાન પર લેવી પડે. ૧) નિંદ્રા શા માટે? ઊંઘ છે શું? ૨) કેટલી ઊંઘ જરૂરી? ૩) નિંદ્રાના ફાયદા કેટલા? ૪) અનિંદ્રાથી થતાં નુકશાન કેટલા અને અનિંદ્રાના કારણો કયા? ૫) ઊંઘ માટેની જરૂરી શરતો કઈ ૬) ઊંઘના પ્રકારો કેટલા ૭) સારી ઊંઘ મેળવવાના ઉપાયો ખરા?
અપૂરતી ઊંઘ, ખલેલયુક્ત ઊંઘ, ઊંઘમાં સર્જાતી સમસ્યા વગેરેને કારણે તણાવ, માનસિક અસ્વસ્થતા, તેમ જ અનેક શારીરિક રોગોનું સર્જન થાય છે. પૂરતી અને ગાઢ નિંદ્રા માણવી એ પણ એક કળા છે. પશ્ચિમી દેશોની દેખાદેખીમાં આપણે આપણી સંસ્કૃતિ તેમજ પ્રાકૃતિક જીવનના નિયમો ભૂલી ગયા છે જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ છે. ઊંઘ આપણાં શરીર અને મનની ચેતન અવસ્થા (ચંચળતા)ને શાંતિ કે આરામ આપવાની કુદરતી વ્યવસ્થા છે. જે નિયમિત રીતે સ્વાભાવિક આવતી શરીરની શાંતિની અવસ્થા છે. જેમાં તમામ ઇન્દ્રિયો અને મનની ગતિવિધિ (ક્રિયાવિધિ) શાંત પડે છે. આપણે જાણીએ છીએ કે ઇન્દ્રિયભોગની ઈચ્છા આપણી દોડભાગ અને તકલીફો પાછળનું મુખ્ય જવાબદાર કારણ છે. આપણા તમામ ઇચ્છાવર્તી સ્નાયુઓને શિથિલ કરી જીવમાત્રને શાંતિ પ્રદાન કરવાના હેતુથી ઈશ્વરે ઊંઘ જેવી અમૂલ્ય વસ્તુનું સર્જન કર્યું છે. જેના માટે આપણે હંમેશા ઈશ્વરના આભારી રહેવું જોઈએ અને ઈશ્વરના આશીર્વાદનો પૂરતો લાભ ઉઠાવવો જોઇએ.
સૌપ્રથમ સમજીએ ઊંઘ શા માટે? ઊંઘવાની ક્રિયા અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે. ઊંઘનો સમયગાળો શરીરના આરામ, નવનિર્માણ, વૃદ્ધિ અને સ્ફૂર્તિ મેળવવાનો શ્રેષ્ઠ સમય છે. વિજ્ઞાનના સંશોધનો જણાવે છે કે દરેક જીવમાત્રમાં એક કુદરતી ઘડિયાળ એટલે કે જૈવિક ઘડિયાળ હોય છે. (જેને અંગ્રેજીમાં Bio logical clock કહે છે) જે સૂર્યાસ્ત થતાં જ શરીરની તમામ ક્રિયાઓને ધીરી પાડવાનો અને શાંત થવાનો સંકેત દર્શાવે છે. શરીરમાં ચયાપચયનો દર 5-10 ટકા જેટલો ઓછો થઈ જાય છે. નિદ્રા દરમિયાન શરીરમાં નવનિર્માણની પ્રક્રિયા ઝડપી બને છે. દિવસ દરમિયાનના શ્રમથી શરીર અને મનને જે ઘસારો પહોંચ્યો હોય તે ઘસારાનું સમારકામ શરીર રાત્રે ઊંઘ દરમિયાન જ કરતું હોય છે. હાડકા અને સ્નાયુઓ પણ આરામ મેળવી, નવા કોષોના સર્જન દ્વારા કાર્યક્ષમ બને છે. ચેતાતંત્ર વધુ સ્ફૂર્તિવાન બની બીજા દિવસનું કામ વધુ ચપળતાપૂર્વક કરી શકે છે. જો પૂરતી, શાંત, સતત અને ઉત્તમ ઊંઘ ન લેવાય તો શરીર અને મનની કુદરતી ક્રિયાઓમાં ગડબડ ઊભી થાય છે. અંતઃસ્ત્રાવ (Hormones) અનિયમિત બની જાય છે. હ્દય, ફેફસા, કિડની, પાચનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર તેમજ ચેતાતંત્રની કાર્યક્ષમતા ઘટે છે. ઉજાગરાથી જ્ઞાનતંતુઓ સતત ઉત્તેજીત રહે છે. જેથી વ્યક્તિમાં નકારાત્મકતા વધી જાય છે. જે અનેક પ્રશ્નો અને સમસ્યા પેદા કરે છે અને વ્યક્તિનું સંપૂર્ણ આરોગ્ય ( શરીર, મન અને આત્માનું) જોખમાય છે.
ઊંઘ કેટલી લેવાય? ઊંઘ પ્રાકૃતિક જીવનનો ભાગ છે એટલે કે ઇશ્વરની આપેલી જૈવિક ઘડિયાળ( જે દરેક જીવ પાસે છે) ને કારણે સ્વભાવિક અને નિયમિત આવે છે અને એનો સમય ગાળો પણ જૈવિક ઘડિયાળ અનુસાર નક્કી જ હોય છે. કુદરત હંમેશા સમતુલામાં માને છે એટલે કે કોઈ વસ્તુ ન વધારે સારી કે ન ઓછી સારી. પ્રકૃતિના તમામ નિયમોમાં પ્રમાણસરનું ખૂબ મહત્વ છે. વધુ ઊંઘવાથી આળસ વધે છે અને કાર્યક્ષમતા ઘટે છે. તેમ જ ઓછી ઊંઘ પણ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. સામાન્ય રીતે એક તંદુરસ્ત મનુષ્યને 6-8 કલાકની ઊંઘ જોઈએ. ઊંઘની માત્રા અને સમયગાળો વ્યક્તિની ઉંમર તેમ જ શારીરિક- માનસિક પરિસ્થિતિ પર આધાર રાખે છે. બાળકોને ઘણી વધારે ઊંઘની જરૂર પડે છે જ્યારે વૃદ્ધ લોકોને ઓછી ઊંઘની જરૂરિયાત રહે છે. માનસિક શ્રમ કરનારાઓને થોડી વધારે માત્રામાં ઊંઘની આવશ્યકતા રહે છે.આપણા શરીરમાં રહેલ મેલાટોનિન અને એડેનોસાઈન નામના રસાયણો ઊંઘની પ્રક્રિયાનું નિયમન કરે છે. મેલાટોનિન નામનો અંતઃસ્ત્રાવ રક્તમાં ભળતા જ શરીરનું ઉષ્ણતામાન નીચું જાય છે અને ઊંઘ આવવાની શરૂઆત થઈ જાય છે. ચોક્કસ પ્રકારના જનીનને ઉંઘ સાથે સીધો સંબંધ છે. સંશોધકોનું માનવું છે કે જનીનમાં DEC2 પ્રકારનું જનીન ઊંઘનો સમયગાળો નક્કી કરે છે. વ્યક્તિ સરેરાશ કેટલું ઊંઘશે? અને કેવા પ્રકારની ઊંઘ લેશે? તેનો આધાર DEC2 જનીન પર છે. ઊંઘની ગુણવત્તા માટે જરૂરી નિયમો: ઊંઘ શા માટે? અને કેટલી ઊંઘ? તેના જેટલી જ મહત્વની બીજી બાબત છે ઊંઘને લગતા કુદરતી નિયમો, જેની જાણકારી વગર ઉત્તમ અને ગાઢ નિંદ્રા શક્ય જ નથી. ઈશ્વરે દરેક જીવને આપેલી જૈવિક ઘડિયાળ અનુસાર રાત્રિના સમયે જ ઊંઘાય અને દિવસ દરમિયાન જાગવું જોઈએ. જૈવિક ઘડિયાળ અનુસાર જ્યારે શરીરનુ તાપમાન ઘટવા માંડે ત્યારે ઊંઘ માણવી જોઈએ અને શરીરનું તાપમાન સંધ્યા બાદ નીચું જાય છે. વળી મેલેટોનીન અંતઃસ્ત્રાવની માત્રા શરીરમાં વધે છે જેથી ઊંઘ માટે રાત્રિનો સમય ઉત્તમ છે.
આદર્શ રીતે પથારીમાં પડ્યા બાદ 10 થી 15 મિનિટમાં ઉંઘ આવી જવી જોઈએ. પડતાની સાથે જ ઊંઘ ગાઢ આવી જાય એનો અર્થ એ કે તમારુ શરીર અને મગજ દિવસ દરમ્યાન ખૂબ જ તણાવગ્રસ્ત રહે છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી, તેમ જ ઘણા લોકોને પથારીમાં પડ્યા પછી કલાકો સુધી ઊંઘ આવતી નથી જેની પાછળનું કારણ બેચેની, અશાંતિ, અતિશય તણાવ, જીવનમાં પ્રસન્નતાનો અભાવ વગેરે હોઈ શકે. જે પણ તંદુરસ્તીની નિશાની નથી. આમ તુરંત ઊંઘ આવી જવી કે કલાકો સુધી ઊંઘ ન આવવી, બંને ઊંઘના નિયમોની વિરુદ્ધ છે. દસથી પંદર મિનિટમાં પથારીમાં પડ્યા બાદ ઊંઘ આવવી તંદુરસ્તીની નિશાની છે.
આ ઉપરાંત શયનખંડની વ્યવસ્થા, પ્રકાશની વ્યવસ્થા, પથારીની ગોઠવણ, સુવા માટેની યોગ્ય દિશા વગેરે બાબતો પણ ઊંઘ નક્કી કરતી મહત્વની બાબતો છે. ઊંઘ માટે અંધારું આવશ્યક શરત છે. જૈવિક ઘડિયાળ અનુસાર અંધારાથી મેલાટોનિન અંતઃસ્ત્રાવ તેનું કાર્ય શરૂ કરે છે. શરીરનું ઉષ્ણતામાન ઘટાડે છે જે ઉંઘ માટેની પૂર્વશરત છે. વળી શયનખંડમાં શાંતિ આવશ્યક છે જેથી ટીવી કે અન્ય અવાજો સૂતી વખતે સલાહ ભરેલ નથી. સુવાની દિશા પણ ઊંઘને અસર કરતું મહત્વનું પરિબળ છે. પૃથ્વીમાં બહુ મોટી ગુરુત્વાકર્ષણ શક્તિ રહેલી છે. આ શક્તિને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય છે. એ જ રીતે આપણા શરીરમાં પણ ગુરુત્વાકર્ષણ શક્તિ હોય છે જેમાં માથું એ ઉત્તર ધ્રુવ છે અને પગ એ દક્ષીણ ધ્રુવ છે. આપણે કઈ દિશામાં માથુ રાખીને સૂઈએ છીએ તેની આપણા શરીર અને મન પર ખૂબ મોટી અને વિવિધ અસર પડે છે. a) આપણે ઉત્તર દિશામાં માથું રાખીએ છીએ ત્યારે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ અને આપણા શરીરનો ઉત્તર ધ્રુવ એક જ દિશામાં થઈ જાય છે જેનાથી શરીરમાં પ્રતિકર્ષણબળ ઉત્પન્ન થાય છે. જેનાથી બ્લડપ્રેશર વધે છે, ઊંઘ સંબંધી રોગો થાય છે, હૃદય સંકુચિતતા અનુભવે છે, ભય, હિંસા, ક્રોધ જેવા તમોગુણી સ્વપ્નાઓ આવવાની સંભાવનાઑ વધે છે. જેથી ઉત્તર દિશામાં માથું રાખી સૂવું સૌથી વધુ નુકસાન કારક છે. એટલે જ ધર્મોમાં ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાને અશુભ ગણાય છે. b) જ્યારે આપણે દક્ષિણ દિશામાં માથું રાખીએ છીએ ત્યારે શરીરમાં આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે કેમ કે પૃથ્વીનો ઉત્તર અને આપણો દક્ષિણ ધ્રુવ એક દિશામાં આવે છે જેનાથી શરીર ખુબ આરામ(relax) અનુભવે છે. ઊંઘ સારી આવે છે. બ્લડપ્રેસર નોર્મલ રહે છે. પરંતુ અહીં રજોગુણી સ્વપ્ન વધુ આવે છે જેથી દક્ષિણ દિશા ઉત્તમ નથી. બ્રહ્મચર્યનું પાલન કરનાર માટે દક્ષિણ દિશા યોગ્ય નથી. c) પૂર્વ દિશામાં માથું રાખીને સૂવાથી શરીર પ્રતિકર્ષણ કે આકર્ષણના બળથી તટસ્થ રહે છે જેથી સૂવા માટે સૌથી ઉત્તમ દિશા પૂર્વ છે. જેનાથી શરીર અને મન બંનેને ખૂબ લાભ થાય છે. d) પશ્ચિમ દિશા અંગે આયુર્વેદ મૌન છે અને વિજ્ઞાને આ દિશામાં પૂરતું સંશોધન કરેલ નથી.
ઊંઘના નિયમો સંદર્ભે એક વિશિષ્ટ બાબત તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે કેમ કે વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે રાત્રે સૂતી વખતે જે છેલ્લો વિચાર કે ક્રિયા તમે કરો છો તે તમારી ઊંઘની ગુણવત્તા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જેથી સૂતી વખતે ઈશ્વરની પ્રાર્થના ઉત્તમ પરિણામ આપે છે. કદાચ એટલે જ ધર્મોમાં ત્રિકાળસંધ્યા અંતર્ગત રાત્રે સૂતી વખતે ઈશ્વરને યાદ કરી, દિવસ દરમિયાન થયેલ ભૂલો કે કુકર્મોની માફી માગી, મનને શુધ્ધ કરી, સમગ્ર અસ્તિત્વને ઈશ્વરસમર્પિત કરવાની સલાહ છે.
ઊંઘની આવશ્યકતા, તેની ગુણવત્તા, તેની માત્રા અને ઉપયોગી નિયમોની જાણકારી બાદ એ જાણવું જરૂરી છે કે ઊંઘ ન આવવાના કારણો શું હોય શકે. જેથી તેના ઉપાય કરી શકાય. અનિદ્રાનાં મુખ્ય કારણો આ મુજબ છે.એક સંશોધન અનુસાર વિશ્વમાં આજે 65% યુવા અને 72% વડીલો અનિંદ્રાથી પીડાય છે. ૧) ઓછું શારીરિક શ્રમ અને વધુ માનસિક શ્રમ. ૨) અનિયમિત અને કૃત્રિમ જીવનશૈલી જેમ કે મોડી રાત સુધી પાર્ટી વગેરે. ૩) ભારે ખાણા, તળેલા ખાધ્ય, માંસાહાર, દારૂ વગેરેનું સેવન.૪) આજ-કાલ લેકોએ સૂવા માટે પણ અનેક સગવડો જેવી કે સારો પલંગ, મનગમતું ગાદલું-ઓશીકું એ.સી., અવાજ-લાઇટ વગરનો રૂમ વગેરે ઊભી કરી છે જે ના મળતા પણ ઊંઘમાં બાધા ઊભી થાય છે. ૬) દિવસ દરમ્યાન કરેલા વધારે પડતાં વિચારો વ્યક્તિને રાત્રે સૂવા દેતા નથી. સામાન્ય રીતે માણસને રોજના 70,000 વિચારો આવતા હોય છે. વિચારોનું પણ યોગ્ય આયોજન કરવું જોઈએ, વળી રાત્રિના સમયે મગજને બોજ પડે તેવા વિચારોને ત્યાગવા જોઈએ. રાત્રે કુટુંબ સાથે હસી-મજાકમાં થોડો સમય પસાર કરી શકાય. ઉપરાંત ધ્યાન-ભજન જેવા કાર્યો પણ સારી ઊંઘ માટે ઉપયોગી સાબિત થઈ શકે.

અનિંદ્રાથી થતાં નુકશાન અંગે જો વિચારીએ તો અનેક વૈજ્ઞાનિક અભ્યાસો જણાવે છે કે અનિંદ્રાની અસર સૌ પ્રથમ વ્યક્તિની પાચનશક્તિ પર પડે છે. પાચનશક્તિ નબળી પડતાં અનેક રોગો ઉદભવે છે. અનિંદ્રા વ્યક્તિની જીવનરેખા ટૂંકાવી શકે છે. માનવીના જીવનની ગુણવત્તા કે કાર્યક્ષમતા પર અનિંદ્રા સૌથી ખરાબ અસર કરે છે. અપૂરતી ઊંઘથી માનવીનો સ્વભાવ ચિડિયો, રોતલ અને અતિક્રિયાશીલ(Hyperactive) બની જાય છે. બાળકોના વૃદ્ધિ-વિકાસની પ્રક્રિયા ધીમી પડી જાય છે. ઉજાગરા કરતી વ્યક્તિની યાદશક્તિમાં ઘટાડો થાય છે. એકાગ્રતા, ધીરજ, તર્કશક્તિ વગેરે ગુણોનું પતન થાય છે. હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ, હ્રદયરોગ, માનસિક તણાવ, અપૂરતી નિર્ણયશક્તિ, ભૂલકણો અને ગુસ્સાવાળો સ્વભાવ વગેરે ઉદભવે છે. સૌદર્ય ઘટાડો થાય છે. અપૂરતી ઊંઘ ફ્રી રેડિકલ્સ (હાનિકારક રસાયણો) પેદા કરે છે જે વાળ ખારવા, આંખો નીચે કાળા કુંડાળાં બનવા, ત્વચાની ક્રાંતિ હણવી, કરચલીઓ પડવી, ચશ્મા આવવા, વાળ સફેદ થવાની ઝડપ વઘવી વગેરે પરિણામો ભોગવવા પડે છે. વૃધ્ધત્વ ઝડપી બને છે. ઘડપણના ચિન્હો વહેલા દેખાવા માંડે છે. શરીરની ચયાપચયની પ્રક્રિયાઓ અસ્તવ્યસ્ત બને છે.
ઊંઘની વિસ્તૃત સમજણ દ્વારા એ સમજાય છે કે ઉત્તમ અને યોગ્ય માત્રામાં ઊંઘ ઉત્તમ આરોગ્યપ્રાપ્તિનું વરદાન આપે છે. ઊંઘને કારણે શરીરને પોતાની તંદુરસ્ત અવસ્થા પુન:પ્રાપ્ત કરવાનો સમય મળી રહે છે. ઊંઘ દરમ્યાન શરીરમાં ચયાપચયની ક્રિયા વેગવંતી બને છે જેથી શરીરની વૃધ્ધિ વિકાસ યોગ્ય થાય છે વળી અનેક સંશોધનોએ સાબિત કર્યું છે કે પૂરતી ઊંઘને કારણે લોહીમાં શ્વેતકણો(W.B.C.) વધે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. પૂરતી ઊંઘ સૌંદર્ય પ્રાપ્તિમાં ઉપયોગી છે. ગાઢ નિંદ્રા ઉંમર વધવાની પ્રક્રિયા (Aging Process)ને ધીમી પાડે છે, જેથી ઘડપણ મોડુ આવે છે. વ્યક્તિ લાંબો સમય યુવાન રહી શકે છે. પૂરતી ઊંઘ લેતી વ્યક્તિમાં હકારાત્મકતા(Positivity) વધે છે. ઘા રૂઝાવવાની તેમ જ સાજા થવાની શક્તિ (Healing Power) વધે છે. ટૂંકમાં આરોગ્યમય જીવન પ્રાપ્ત કરવા ઇચ્છતી વ્યક્તિએ ઊંઘ સંબંધી અનિયમિતતા રાખવી જોઈએ નહીં. તો આવો આજના ખાસ વિશ્વનિંદ્રાદિને ઊંઘવાની કળા શીખીએ અને શાંત, ગાઢ અને નિયમિત નિંદ્રાની પ્રતિજ્ઞા લઈએ જેથી world sleep day ને તેને સાચા યથાર્થરૂપમાં ઉજવ્યો કહેવાય.