અમદાવાદ: એક વરસ પહેલા નોવેલ કોરોના વાયરસ કોવિડ -૨૦૧૯ એવું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતુ… ને અચાનક સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર એવા આ વાયરસની જીવનમાં એન્ટ્રી થઈ અને લોકોનું જીવનધોરણ બદલાઈ ગયું. ગુજરાતમાં કોરોના વાયરસની શરૂઆત ૧૯ માર્ચ-૨૦૨૦ ના રોજ થઈ એ પહેલાથી જ ગુજરાત આરોગ્ય ક્ષેત્રે સજ્જ બની ચુકયું હતુ. સમગ્ર રાજ્ય અને અમદાવાદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે એ સમયથી જ અનેક પગલાઓ પર અમલ કરવાની શરુઆત કરી દેવામા આવી હતી. લોક જાગ્રૂતિના સંદેશ અને કોરોનાથી ગભરાહટ નહિ પણ તકેદારી અને સાવચેતીના નિયમો અને પગલાઓ લેવામાં સરકારી તંત્ર દ્વારા અનેકવિધ જુંબેશ હાથ ધરવામાં આવી. જે અવિરત આજ દિન સુધી કાર્યરત છે.
નિયામકશ્રી આયુષ પ્રભાગ- આ.અને પ.ક. વિભાગ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમદાવાદ ના માર્ગદર્શન થી અમદાવાદ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા કોરોના સામે લોકોની રોગ પ્રતિકાર શક્તિ વધે તે હેતુથી ૨૫ સરકારી આયુર્વેદ દવાખાના તથા ૫ સરકારી આયુર્વેદિક હોસ્પિટ્લ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ ની મદદથી ઉકાળા અને આયુર્વેદિક દવાઓનું વિતરણ શરું કરવામાં આવ્યું. એક વર્ષમાં ૨ કરોડથી વધુ ઉકાળા ડોઝ અને દવાઓનું વિતરણ અમદાવાદ શહેર અને સમગ્ર જિલ્લામાં કરવામાં આવ્યુ છે. આ સાથે સરકારી હોમિયોપેથી દવાખાનાઓ દ્વારા આર્સેનિક આલ્બ હોમિયોપેથી દવાઓનો ૮૨ લાખથી વધુ ડોઝનું વિતરણ આજ દિન સુધી થયું છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધનવંતરી રથનો લાભ ૧૩ લાખથી વધુ લાભાર્થીઓએ લીધો છે. જેમાં શહેરી કક્ષાએ ૧૨૮ રથ અને ગ્રામ્ય કક્ષાએ ૧૬ રથ ફેરવવામાં આવ્યા હતા.
કોરોના થયેલ વ્યક્તિ જ્યારે હોમ ક્વોરન્ટાઇન અને ક્વોરન્ટાઇન સેન્ટરમા હતા તે દરમ્યાન ૩૮૪૭૩ જેટલી આયુર્વેદિક દવાઓ અને ૨૩૪૭૩ જેટલી હોમિયોપેથી દવાઓનુ વિતરણ થયુ હતુ.
કોવિડની મહામારી સમયે અમદાવાદની સમરસ હોસ્ટેલ અને અન્ય જગ્યાઓ પર સુરક્ષિત રખાયેલા દર્દીઓને આ દવાઓ સાથે ૧૭૦૭ જેટલી આયુષની દવાઓ પણ આપેલ હતી.
સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ મેડિસીટી, સોલા સિવિલ, S.V.P અને અન્ય હોસ્પિટલો સહિત ૪૬ હજારથી વધુ લોકોએ આયુષ દવાઓનો લાભ લીધો હતો.
ઉપરાંત ૧,૭૦,૦૦૦ જેટલી આયુષ ઔષધી યુક્ત આરોગ્યની કિટનું વિતરણ જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા પોતાના ભંડોળમાંથી કરવામાં આવ્યું હતુ.