જામનગર એસપી દીપેન ભદ્રનની ટીમને મળી મોટી સફળતા. કૃખ્યાત જમીન માફિયા જયેશ પટેલ લંડનથી ઝડપાયો: સૂત્ર.. તો હત્યાના 3 શૂટરોને કોલકત્તાથી પોલીસે ઝડપી પાડ્યા.

જામનગરના માથાભારે અને માફિયા કહેવાતા જયેશ પટેલ ની લંડનથી ધરપકડ કરાઈ હોવાનું મીડિયાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી તરફ, જયેશ પટેલના ત્રણ સાગરિતો હાર્દિક અને દિલીપ ઠક્કર અને જયંત ગઢવીની કોલકાત્તાથી ધરપકડ કરવામાં આવી છે. જામનગર પોલીસને વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં મોટી સફળતા હાથ લાગી છે. જામનગર એસપી દીપેન ભદ્રનની મહેનત રંગ લાવી છે. છેલ્લા આઠ મહિનાથી દીપન ભદ્રનની મહેનત બાદ લંડનમાં છુપાઈને બેઠેલો જયેશ પટેલ આખરે દબોચી લેવામાં આવ્યો છે પરંતુ હજુ સત્તાવાર જાહેરાત નથી થઈ.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જયેશ પટેલને આજે લંડન કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભારત લાવવા માટે કોર્ટમાં મંજૂરી માંગવામાં આવશે. મહત્વનું છે કે, 2 મહિના અગાઉ બ્રિટનમાં હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. અગાઉ જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ બ્રિટનમાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ખંડણી માટેના કોલ્સ ટ્રેસિંગ કરાતા ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ ભારતે બ્રિટનને જયેશ પટેલને ઝડપવા માટે તાકીદ કરી હતી. રજૂઆતમાં ઈન્ટર પોલની નોટિસનો પણ ઉલ્લેખ કરાયો હતો. વકીલ કિરીટ જોષીની હત્યાના કેસમાં ધરપકડ કરવા માંગ કરવામાં આવી હતી.

જમીન વિવાદમાં જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાં રસ્તા પર છરીના ઉપરા ઉપરી આઠથી દસ ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાઈક લઈને આવેલા બે શખ્સોમાંથી એક શખ્સ છરી લઈને રસ્તાની વચ્ચે જ કિરીટ જોશી પર તૂટી પડ્યો હતો.

વર્ષ 2018માં એડવોકેટ કિરીટ જોશીની હત્યા પહેલા રૂ.100 કરોડના જમીનનો વિવાદ ચાલતો હતો. જામનગરના ચકચારી 100 કરોડના ઇવા પાર્ક જમીન કૌભાંડનો કેસ ફરિયાદી પક્ષે કિરીટ જોશી લડી રહ્યા હતા. આ કૌભાંડમાં 13 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસ ઉપરાંત 5 જેટલા ગુનાઓમાં જયેશ પટેલને જામનગરની સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા અને નિયમિત જામીન મળવામાં સતત નિષ્ફળતા મળતી હતી. લાંબો સમય જેલમાં રહેવાથી તેને ઘણું આર્થિક નુકસાન થયું હતું. આ બાબતનો દ્વેષ રાખી જયેશે કિરીટ જોશીનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું.

મહત્વનું છે કે, જયેશ પટેલ વિરૂદ્ધ જમીન પચાવી પાડવી, હત્યા, ખંડણી, બોગસ દસ્તાવેજો સહિતના 42 ગુના દાખલ છે. જયેશ પટેલ વિરુદ્ધ ગુજસીટોકનો કાયદો પણ લગાવાયો છે. જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવણી છે. લાંબા સમયથી ફરાર જયેશ પટેલને જામનગર સેશન્સ કોર્ટે આર્મ્સ એક્ટ, કાવતરા અને ધાક-ધમકીના કેસમાં હાજર થવા આદેશ પણ આપ્યો હતો. જોકે જયેશ પટેલ હાજર થયો ન હતો.