આણંદના કલાકાર અશોક ખાંટના ચિત્રનું ચિત્તોડગઢ ફોર્ટ ફેસ્ટિવલમાં અનેરું આકષૅણ

પર્યટન વિભાગ, રાજસ્થાન અને જિલ્લા કલેકટર કચેરી, ચિતોડગઢ દ્વારા બે દિવસીય ચિત્તોડગઢ ફોર્ટ ફેસ્ટિવલ ધૂમધામ થી ઉજવાઈ ગયો. ગોરા બાદલ સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને કિલ્લા પર આવેલ ફતેહ પ્રકાશ મહેલ મ્યુઝિયમમાં ચિત્તોડગઢ આર્ટ સોસાયટીના સહયોગથી દેશના ૧૫ જેટલા નામાંકીત ચિત્રકારોનો આર્ટ કેમ્પ પણ યોજાયેલ. આ કેમ્પમાં ગુજરાતના આણંદના જાણીતા ચિત્રકાર અશોક ખાંટ પણ ઉપસ્થિત રહેલ અને ૩x૪ ફૂટનું ચિત્તોડગઢની ધરોહર ગણાતા કીર્તિસ્તંભ સાથે ઘુમ્મર નૃત્યકાર વ્યક્તિત્વ ધરાવતું સુંદર ચિત્ર આકારિત કરીને ફોર્ટ ફેસ્ટિવલમાં આવનાર રાજ્ય, જિલ્લાના અધિકારીઓ, મુલાકાતીઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં વિશેષ આકર્ષણ જગાવેલ! જિલ્લા કલેકટર શ્રી કે. કે. શર્મા દ્વારા ઉપસ્થિત રહેનાર કલાકારોને કેમ્પમાં ઉદઘાટન સમયે પરંપરાગત રાજસ્થાની પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવેલ અને તૈયાર થયેલ ચિત્રોનું નિરીક્ષણ કરવા બીજીવાર જ્યારે આર્ટ કેમ્પની મુલાકાત લીધી ત્યારે કલેકટર શ્રી શર્માએ અશોક ખાંટનું કલાસર્જન જોઈ ખૂબ ખુશી વ્યકત કરેલ, આ સમયે શ્રી ખાંટે પોતાની જીવનચિત્રણા બુક પણ કલેકટર શ્રી ને સ્મૃતિ અર્થે ભેટ અર્થે આપેલ, જિલ્લા પ્રશાસન તેમજ પર્યટન વિભાગના અધિકારીઓ, અને આર્ટ સોસાયટીના પ્રમુખ મુકેશ શર્મા તેમજ સ્થાનિક ચિત્રકારો દ્વારા આમંત્રિત કલાકારોને કોઈ તકલીફ ન પડે એવું સુંદર આયોજન હોવાથી અને જનતામાં ચિત્તોડગઢ ફોર્ટ ફેસ્ટિવલનો ખુબ પ્રચાર કરેલ હોવાથી આ ફેસ્ટિવલ ખૂબ સફળ રહ્યો.