રાજપીપલા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

નર્મદા જિલ્લાની ૧૦૦ જેટલી બહેનોને નોટપેડ, પેન, પેમ્પલેટ, બેગ વગેરે સહિતની સાધનસામગ્રી કિટ્સનું વિતરણ કરાયું

પીડિત મહિલાઓ આત્મસન્માનથી સમાજમાં રહી શકે અને સાસરીપક્ષ તરફથી આપવામાં આવતા ત્રાસ સામે મક્કમતાથી પોતાનો અવાજ ઉઠાવી શકે તે માટે કાયદાની જાગૃતિ ખૂબ અનિવાર્ય
-જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પી.વી.વસાવા

રાજપીપલા,તા 10

નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ઉપક્રમે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર અન્વયે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ જે.એ.રંગવાલા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી એચ.જી.મનસુરી,જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ-રક્ષણ-અધિકારી પી.વી.વસાવા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.એન.રાઠોડ વગેરેની ઉપસ્થિતિમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમીનાર યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કાનુની સેવા સતા મંડળના સચિવ
જે.એ.રંગવાલાએ પ્રાસંગિક ઉદબોધનમાં ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ કાયદા હેઠળ પિડીત મહિલાઓને મળતા હક્કો-રક્ષણની વિગવાર માહિતી તેમણે પુરી પાડી હતી.

જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારી પી.વી.વસાવાએ જણાવ્યું હતું કે, ઘરેલુ હિસાનો ભોગ બનતી સ્ત્રીઓને રક્ષણ આપવાના ઉદ્દેશથી ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ ઘડાયો છે તેમજ પીડિત મહિલાઓ આત્મસન્માનથી સમાજમાં રહી શકે અને સાસરીપક્ષ તરફથી આપવામાં આવતા ત્રાસ સામે મક્કમતાથી પોતાનો અવાજ ઉઠાવી શકે તે માટે સદર કાયદાની જાગૃતિ ખૂબ અનિવાર્ય હોવાની સાથે હિંસા મુક્ત સમાજ અને સક્ષમ સમાજનું નિર્માણ થાય તે તરફ પ્રયાસો હાથ ધરવાનું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ૧૮૧ મહિલા હેલ્પલાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, સ્વધાર કેંદ્ર, મહિલા શક્તિ કેન્દ્ર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, કુટુંબ સલાહ કેન્દ્ર, પોક્સો અધિનિયમ-૨૦૧૨, જુવેનાઇલ જસ્ટીસ.એક્ટ-૨૦૧૫ હેઠળની વિસ્તૃત માહિતી જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી એચ.જી.મનસુરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.એન.રાઠોડે પુરી પાડી હતી.

આ પ્રસંગે નર્મદા જિલ્લાની ૧૦૦ જેટલી બહેનોને નોટપેડ, પેન, પેમ્પલેટ, બેગ વગેરે સહિતની સાધન સામગ્રી કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા