દીકરી આપીને આપણે એક ઘરને ધામ બનવાનો ચાન્સ આપીએ છીએ. કોઈ મંદિરમાં ઈશ્વરની પ્રાણ-પ્રતિષ્ઠા ન થાય, તો એનાથી ઈશ્વરનું મહત્વ ઘટી નથી જતું.

સાચું કહું ? ઊંઘ ઉડી ગઈ છે યાર. છેલ્લા બે દિવસથી સતત એ જ દીકરીનો ચહેરો સામે આવ્યા કરે છે, જેણે પૂરી સ્વસ્થતા અને સભાનતા સાથે મૃત્યુ પહેલાનો વિડીયો ઉતાર્યો અને પછી સાબરમતીના ખોળામાં એટલા આરામથી સૂઈ ગઈ જાણે આ જગત વિશે ફરિયાદ કરતું બાળક રડતા રડતા મમ્મીના ખોળામાં સૂઈ ગયું હોય.

આ બનાવે મને રેસીડેન્સીના દિવસો યાદ કરાવી દીધા. મારી સર્જીકલ રેસીડેન્સી દરમિયાન બર્ન્સ વોર્ડમાં દાખલ થયેલી અને 80-90 % બર્ન્સનો ભોગ બનનારી યુવાન પરિણીત દીકરીઓની હિસ્ટ્રી લેવા હું જ્યારે જતો ત્યારે ‘ડાયીંગ ડિક્લેરેશન’નું સ્ટેટમેન્ટ આપતી વખતે દરેક દીકરી પોલીસને એટલું જ કહેતી કે ‘ચા બનાવતા દાજી ગઈ.’ એમના ભડથું થઈ ગયેલા શરીરમાંથી આવતી કેરોસીનની વાસ અને સાસરિયા દ્વારા આપવામાં આવતો ત્રાસ સ્પષ્ટ, દેખીતો અને ‘સેલ્ફ-એવીડન્ટ’ હોવા છતાં તેમની નારાજગી ફક્ત પોતાના નસીબ સાથે રહેતી.

ફક્ત ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયા જ નહીં, આપણા સંતાનો માટે મૃત્યુ પણ કેટલું સરળતાથી અવેલેબલ છે ! જિંદગીથી નિરાશ થયેલું આપણું બાળક કોઈ રીવર-ફ્રન્ટ, હાઈ-રાઈઝ બિલ્ડીંગ કે દરિયા કિનારે જઈને આપણને ફોન કરે કે ‘હવે નથી જીવવું પપ્પા’ તો એ સમયે આપણે શું કરી લેવાના ? છેલ્લી ઘડીએ કઈ રીતે સમજાવશું એ દીકરીને કે બેટા, ઈશ્વર પાસે જવા માટે દરિયા કે આગની અંદર નહીં, જાતની અંદર ઉતરવું પડે.

આ તકલીફ એટલે થાય છે કારણકે આપણે સમજાવટ, સમાધાન અને શોષણ વચ્ચેનો તફાવત નથી જાણતા. પતિના અસ્વીકાર કે સાસરિયાના અત્યાચાર પછી દીકરી જ્યારે પહેલીવાર પોતાના ઘરે પાછી ફરે છે ત્યારે મા-બાપ દ્વારા એને ફરી સાસરે મોકલવા જે થાય એને સમજાવટ કહેવાય. બીજી વાર મોકલવામાં આવે, ત્યારે એને સમાધાન કહેવાય. અને બધું જ જાણતા હોવા છતાં દીકરીને જ્યારે ત્રીજીવાર મોકલાય ત્યારે એને શોષણ કહેવાય.

આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ‘એડજસ્ટમેન્ટ’ના બેનર હેઠળ આપણે દીકરીઓને અત્યાચાર સહન કરવાનું શીખવી દઈએ છીએ.

દીકરીના ‘રિલેશનશિપ સ્ટેટ્સ’ અંગે વધારે પડતા સેન્સીટીવ થઈ ગયેલા આપણે એનું ‘પરિણીત’ કે ‘હેપીલી મેરીડ’નું બિરુદ ટકાવી રાખવા, દીકરીને બધું જ સહન કરી લેવાની સલાહ આપતા રહીએ છીએ. ઊંડે ઊંડે આપણને એક ડર હોય છે કે આ સમાજ આપણી દીકરીના ‘સિંગલ’, ‘અનમેરીડ’, ‘ડિવોર્સી’ કે ‘સેપરેટેડ’ જેવા સ્ટેટ્સનો અસ્વીકાર કરશે.

હસતું મોઢું રાખીને વિડીયો શૂટ કરી રહેલી આયેશા જે ‘એક તરફી પ્રેમ’ની વાત કરે છે, હકીકતમાં એ રીજેક્શનની પીડા છે. એ લવ નથી, લીમરન્સ છે. Limerence એટલે ઓબ્સેશનની હદ સુધી કોઈ વ્યક્તિ દ્વારા સ્વીકાર પામવાની ઘેલછા. અને એનું એક માત્ર કારણ એ છે કે દીકરીઓમાં ઊંડે ઊંડે ક્યાંક આપણે ‘ફીઅર ઓફ રીજેક્શન’ વાવી દેતા હોઈએ છીએ. દરેક દીકરીના મનમાં જાણ્યે-અજાણ્યે એવું રોપી દેવામાં આવે છે કે એના અસ્તિત્વની સાર્થકતા માત્ર અને માત્ર એના ‘સુખી’ લગ્ન જીવનમાં જ રહેલી છે.

કેટલાક લોકો તો દીકરીઓનો ઉછેર જ એ માટે કરતા હોય છે કે જલ્દીથી કોઈના દ્વારા તેનો સ્વીકાર થાય. આઈ એમ રીઅલી સોરી આયેશા, પર તુમ્હારી ઝિંદગી ઈતની સસ્તી ભી નહીં થી કી તુમ એક ઐસે બંદે કે લિયે જાન દે દો જો તુમ્હે ડિઝર્વ તક નહીં કરતા. જે તમને બિલકુલ પ્રેમ નથી કરતી, એ વ્યક્તિ માટે જીવ આપી દેવાને બદલે શું આપણે એ વ્યક્તિઓ માટે જીવતા ન રહી શકીએ, જેમની દુનિયા જ આપણે છીએ.

સામેની સીટ પર બેસી ગયેલા શેતાનને જોઈને એવું અનુમાન તો ન લગાડી શકાય ને કે આખી ટ્રેઈન દાનવોથી જ ભરાયેલી હશે ! બેટા આયેશા, ચાલુ ટ્રેઈને કુદકો મારતા પહેલા એક વાર બાજુના કંપાર્ટમેન્ટમાં નજર તો કરવી’તી. દરેક દીકરીને મારે એટલું જ કહેવું છે કે સારા, દયાળુ અને પ્રેમાળ કહી શકાય એવા અસંખ્ય લોકોથી આ જગત ખીચોખીચ ભરેલું છે. તમારા જીવનમાં આવી ચડેલી એક નાલાયક, નફ્ફ્ટ કે અમાનવીય વ્યક્તિથી આઘાત પામીને તમે બાકીના જગતનું અનુમાન ન લગાવો. બે-પાંચ હાર્ટ-બ્રેક કે રિલેશનશિપ ફેલ્યોરથી ડીપ્રેસ્ડ થઈને તમે જિંદગીને ચાહવાનું બંધ તો ન કરી શકો ને ! મંઝીલે ઔર ભી હૈ. શ્વાસ લેતા રહેશો, તો આગળ જઈને વધુ સારા લોકો મળશે ને !

ઘરમાં એક દીકરીના આગમન માટે જે લોકો રૂપિયા, ગાડી કે material possessions ની ડિમાન્ડ કરે છે, એ ઘર દીકરીને લાયક નથી. જેઓ દહેજની માંગણી કરે છે એ લોકો વેપારી બની શકે, વેવાઈ નહીં. જેમનો સત્કાર જ સોદા અને શરતોને આધિન હોય, એમની પાસેથી સ્વીકારની અપેક્ષા કઈ રીતે રાખી શકાય ?

અને એવા લોકોના રીજેક્શન અને રીએક્શનથી હતાશ થયેલી આપણી દીકરી સાબરમતીમાં ડૂબકી લગાવે, તો બોસ, એના થોડા ગુનેગાર આપણે પણ છીએ.

આપણા સંતાનોને એ વાત આપણે રીપીટેડલી કહ્યા કરવાની જરૂર છે કે લગ્ન ક્યારેય સફળ કે નિષ્ફળ નથી હોતા. એ માત્ર Compatible કે Incompatible હોય છે. વિદાય પહેલા દરેક દીકરીને એ સમજાવવું જરૂરી છે કે લગ્ન એ સાયુજ્યનો એક પ્રમાણિક, નિષ્ઠાવાન અને પવિત્ર પ્રયત્ન છે. એ ઘરમાંથી કાયમી વિદાયનું ‘લીવીંગ સર્ટીફીકેટ’ નથી. કદાચ કોઈ કારણસર લગ્ન ‘વર્ક-આઉટ’ ન થાય, તો એ નિષ્ફળતા ‘કંપેટેબિલિટી’ કે ‘સુસંગતતા’ની છે. એ નિષ્ફળતા દીકરીની નથી. ઓગળી જવાની જવાબદારી ફક્ત ખાંડની નથી હોતી. એમાં દૂધની ઉદારતા પણ ભાગ ભજવતી હોય છે. જિંદગીના કોઈ રસ્તાઓ ‘વન-વે’ નથી હોતા કે જ્યાંથી પાછા ન ફરી શકાય.

એક પુરુષ દ્વારા અસ્વીકાર પામેલી સ્ત્રીને આ સમાજ કેટલા સન્માન અને સત્કાર સાથે સ્વીકારી શકે છે, એ વાત પર આ સંસ્કૃત સમાજનું મૂલ્યાંકન થશે. અને બાય ધ વે, આ પુરુષ છે કોણ એક સ્ત્રીને એક્સેપ્ટ કે રીજેક્ટ કરનારો ? ફક્ત સમાજ કે સોસાયટીના ડરથી મારે મારી દીકરીને સમજાવી કે પટાવીને વારંવાર નર્કમાં ધકેલવી પડતી હોય, તો એવા ‘Pseudo-civilization’ની મારે જરૂર નથી. હું મારી દીકરી સાથે એક અલગ દુનિયા બનાવી લઈશ.

એક દીકરી સાથે થતા અન્યાય માટે મારું થ્રેશોલ્ડ વધારે પડતું જ Low છે. મેં તો નક્કી કરી લીધું છે. લગ્ન પછી જે દિવસે મારી દીકરી મને ફોન કરીને કહેશે કે ‘આ ઘરમાં રહેવા કરતા તો મરી જવું સારું’ એ જ ક્ષણે હું એને લેવા માટે નીકળી જઈશ. એના લગ્નમાં જેટલા લોકોને નિમંત્રણ આપેલું, એના કરતા બમણા લોકોને નિમંત્રણ આપીને વાજતે-ગાજતે પૂરા સન્માન સાથે હું એને ઘરે પાછી લાવીશ. અને સમજાવીશ એને કે એક પુરુષના સ્વીકાર કે અસ્વીકારથી તારી સેલ્ફ-વર્થ નક્કી નથી થતી. In spite of everything અને Irrespective of anything આ જીવન જીવવા લાયક છે અને રહેશે.

દીકરી આપીને આપણે એક ઘરને ધામ બનવાનો ચાન્સ આપીએ છીએ. કોઈ મંદિરમાં ઈશ્વરની પ્રાણ-પ્રતિષ્ઠા ન થાય, તો એનાથી ઈશ્વરનું મહત્વ ઘટી નથી જતું.
-ડૉ. નિમિત્ત ઓઝા