*ગોધરાના ગોલ્લાવ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો*
એબીએનએસ, ગોધરા (પંચમહાલ): જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવમાં આવેલ જી.આઇ.એ આઇ.ટી.આઇ, ગોલ્લાવ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં કુલ ૧૩૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
આ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં વડોદરા જિલ્લાની આવેલ સેફલર ઇન્ડિયા પ્રા.લી, અને પંચમહાલની કુશા કેમિકલ્સ, ટોટો ઇન્ડિયા પ્રા.લી, કલ્યાણ જવેલર્સ, એલ.આઇ.સી, ચૈતન્ય ફાઈનાન્સ, વાય.એસ.એફ સ્કીલ ફાઉન્ડેશન, ધમ્મા એન્ટરપ્રાઇઝ, જશોદા મેનપાવર સર્વિસ એમ કુલ ૦૯ જેટલી નોકરીદાતા કંપનીઓ દ્વારા ૨૨૦ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ ભરતી મેળામાં આઇ.ટી.આઇ આચાર્ય એસ.આર.પટેલ અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પ્લેસમેન્ટ અધિકારી પ્રશાંત રાણા દ્વારા ઉમેદવારોને એપ્રેન્ટિસ યોજના અને રોજગાર કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા ૧૬૩ જેટલાં હાજર ઉમેદવારો પૈકી ૧૩૭ ઉમેદવારોની ૦૯ નોકરીદાતાઓ દ્વારા ઈન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.