માની લો કે તમે જીવનના એંસી નેવુંમા વર્ષે બિમાર થયા, તમને આઇસીયુમાં ભરતી કરાવવામાં આવ્યાં. આસપાસ નજીકના પરિવારજનો છે. તમને ખબર પડે છે હવે જીવનની અંતિમ પળો ચાલી રહી છે.
પરિવારજનો થોડે દૂર રહેતા સંબંધીઓને તમારી નજર સમક્ષ ફોન કરીને ભેગા કરી રહ્યાં છે. એક બે ઉત્સાહી તો કાલની સવાર નહીં જુએ એવી આગાહીઓ કરી રહ્યાં છે. તમે આઇસીયુમાં આ બધું સાંભળી રહ્યાં છો. એકાદ તો મહા ઉત્સાહી હશે, બધાને કહેતો પણ હશે કે અંતિમ ક્રિયા માટે એમ્બ્યુલન્સ પાંચ જ મિનીટમાં બોલાવી લેશે. તમને ગુસ્સો કરવા સાથે હસવું પણ આવે છે. તમે પણ સમજી ચૂક્યા છો અને મનોમન મૃત્યુની રાહ જોઈ રહ્યાં છો.
સમય સરકતો જાય છે, મૃત્યુ આવી રહ્યું છે. એક પછી એક અંગો સાથ છોડતા જાય છે. શરીર સાથ આપવાનું છોડી રહ્યું છે એવું લાગતા નિકટના સંબંધી કહે છે હવે દર્દીને બહુ દર્દ ન આપશો. એની વે, તમે ખૂશ છો કે આ શરીર છોડીને હવે નવું શરીર મળશે. સમૃધ્ધ ઘરમાં નવો જન્મ મળે તેની માટે પ્રાર્થના કરો છો….અને હાશશશશશશ….ખેલ ખતમ…
તમે વિચારતા હતાં કે આત્મા મોં માર્ગે બહાર નીકળશે, કદાચ નાક કે કાન કે ક્યાંકથી તો બહાર નીકળશેને? ખેલ ખતમ પડદો પડી ગયો અને આ આત્મા નામનું તત્વ કશેથી બહાર જ ન નીકળ્યું તો? આત્મા જેવું કશું જ ન હોય તો?….આપણે તો જીવતા જીવ જોયો નથી…કદાચ સાચે ન પણ હોય.
આપણા ચાર્વાક દર્શન તો આત્માની અમરતા અથવા પુનર્જન્મ પર વિશ્વાસ રાખતા નથી, મનુષ્ય મૃત્યુ પામે એટલે આત્મા પણ ખતમ…આત્મા જ નથી તો સ્વર્ગ કે નરક ક્યાંથી હોય? તેના મતે તો સુખ સ્વર્ગ છે અને દુઃખ નર્ક છે. ચાર્વાક એટલે મીઠું બોલનાર…. ગમતી વાતો કહેનાર… ચાર્વાક વારંવાર કહે છે કે આત્મા શરીર સાથે નાશ પામે છે તેથી જે ચટાકા કરવા હોય એ કરી લો… ફરી ચાર્વાકની વાતો કરીશું.
આત્મા વિશે તો દરેક સંસ્કૃતિ અને ધર્મોએ પાના ભરીને, સોરીઈઈઈઈ…..પુસ્તકો ભરીને લખ્યું છે. આટલું બધું લખવામાં આવ્યું છે, દરેક સદ્ ગુરુઓએ આત્મા અને આત્મકલ્યાણની વાતો જ કરી છે. હવે જ્યારે આત્મા શોધીએ છીએ, ત્યારે તો દેખાતો પણ નથી. અબ ક્યા સમજે? આત્મા સાચે છે ખરો?
સરેરાશ ભારતીય સાથે આત્મા સંબંધી ચર્ચા થાય તો ભગવદ્દ ગીતાના એકાદ બે શ્લોકમાં આત્મા સમજાવવા કોશિષ કરી લે. નૈનમ છિદન્તી…આત્મા મરતો નથી, છેદાતો નથી..જેવી સમજથી માંડીને જાતસ્ય હી ધ્રૂવો પર સવારી અટકી જાય છે. મરેલાનો જન્મ નિશ્ચિત અને જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત… ખતમ…આપણા ધર્મમાં આ સિવાય પુષ્કળ લખ્યું છે.
સૌથી મોટી વિશેષતા તો એ છે કે આત્મા વિષે આપણા મોટાભાગના મૂળભૂત સાહિત્યમાં મતભેદો અને વૈવિધ્યતા છે. આત્મા વિશે જેટલી સરળતાથી ભગવદ્દ ગીતાના બે ચાર શ્લોક સમજાવી દઇએ એટલી સરળ વાતો આપણે ત્યાં લખવામાં નથી આવી.
દરેક ગ્રંથમાં આત્મા વિષે અલગ અલગ વાતો લખવામાં આવી છે. ખાલી અલગ જ નહીં, પણ વિરોધાભાસથી ભરપૂર….
બૌદ્ધ દર્શન તો આત્મા વિનાના પુનર્જન્મમાં માને છે. ન્યાય દર્શન મુજબ નાના બાળકના રડવા અને હસવા પરથી આગલા જન્મોનો અભ્યાસ કરી શકાય. સાંખ્ય દર્શન માને છે કે આત્મા શરીર બદલતું નથી, સુક્ષ્મ શરીર જ સ્થૂળ શરીરના નાશ પછી નવું શરીર શોધી નાખે છે. સાંખ્ય તો એવું પણ લખે છે કે મોક્ષ પામ્યા પછી આનંદ હોતો જ નથી, મોક્ષમાં અનુભૂતિ જ ન હોય….
દુનિયામાં તમામ ધર્મો અને સંસ્કૃતિઓએ આત્મા વિષે ખુબ લખ્યું છે, કારણ કે આત્માને જાણવો અંતિમ સત્ય છે. આત્મા ને જાણવો એટલે મૃત્યુ સમજવું. જે મૃત્યુ જાણી ગયો એને જીવનમાં તમામ સત્ય તો જાણી લીધા અને બધાંથી પર થઈ જાય.
ચાલો આપણો ધર્મ શું કહે છે, આત્મા વિષે? મૂળ હિન્દુ ધર્મમાં મુખ્ય બે પરંપરા છે. એક વૈદિક પરંપરા અને બીજી જે વેદને નથી માનતી પણ પોતાની આગવી ફિલોસોફીને માને છે. જે વૈદિક પરંપરામાં નથી તેમને વૈદિક પરંપરાવાળા નાસ્તિક પણ માને છે. વૈદિક પરંપરા ન્યાય, સાંખ્ય, વૈશેષિક, યોગ, મિમાંસા અને વેદાંત મહત્વપૂર્ણ દર્શનશાસ્ત્ર છે. વૈદિક પરંપરાના આ દર્શન શાસ્ત્રોમાં પણ આત્મા વિષે વિરોધાભાસી અથવા અલગ છેડા પરની વાતો કહેવામાં આવી છે. ન્યાય અને વૈશેષિક દર્શન શાસ્ત્ર મુજબ, આત્મા અમર છે, એનો જન્મ અને મૃત્યુ થતું નથી. ઈશ્વર અને આત્માનો ઉદભવ સાથે જ થયો છે. વૈશેષિય દર્શન મુજબ આત્મા વજનદાર અસ્તિત્વ છે, તો ન્યાય દર્શન મુજબ આત્મા સુક્ષ્મ સ્વરૂપ ધરાવે છે. સાંખ્ય દર્શન મુજબ, સ્ત્રી અને પુરુષનો આત્મા અલગ છે. આત્મા પુરુષ છે, પ્રકૃતિથી અલગ છે. યોગ દર્શન વિજ્ઞાન આધારિત છે, જેમાં આત્મા પર જ સંશય કરવામાં આવ્યો છે.
ન્યાય, મીમાંસા વગેરેમાં આત્મા એકસરખો જ રહે છે, એવું કહી શકાય કે આત્માને જ્ઞાનની જરૂર નથી. જ્યારે સાંખ્ય દર્શન તો માને છે કે આત્મા સતત વિકાસ પામે છે. મીમાંસા દર્શન શાસ્ત્ર વેદવિચાર વ્યક્ત કરે છે અને ધાર્મિક અનુષ્ઠાન પર ભાર મૂકે છે. અનુષ્ઠાન કરવાથી જ્ઞાન વધે છે, જે બ્રહ્માંડ સમજવા મદદરૂપ થાય છે. અરે થાક્યા નથીને? જેટલું સાહિત્ય એટલી વાતો…
દરેક આત્માની ઓળખ અલગ અલગ રીતે આપે છે. ચાર મુખ્ય વેદોથી સોળ મુખ્ય ઉપનિષદ સુધી થતી યાત્રા વાયા વિવિધ સંહિતા તથા આરણ્યક સુધી આત્માની ઓળખ અલગ છે. હજી તો દ્વૈત અને અદ્વૈત બાકી…અદ્વૈત મુજબ સમગ્ર સૃષ્ટિમાં બ્રહ્મ જ સત્ય છે, આત્માથી તમામ કણ- કણ બ્રહ્મનો જ ભાગ છે. તો એક જ ઇશ્વર માનતા વર્ગ માટે ઇશ્વર સર્વોચ્ચ છે, પણ આત્મા અલગ અસ્તિત્વ ધરાવે છે. ઈશ્વર અને આત્મા અલગ હોવા છતાં બંને વચ્ચે સંબંધ છે. જે છે તે ઇશ્વરની માયા છે. જૈન અને બુદ્ધ જેવી શ્રમણ પરંપરા આત્મા વિશે અલગ જ વિચાર ધરાવે છે. જૈન પરંપરામાં આત્મા અશુદ્ધ હોઈ શકે. આત્મા અમર હોય અને અનિત્ય પણ હોય…
બોદ્ધ તો સ્પષ્ટ માને છે સમગ્ર બ્રહ્માંડ અસ્થાયી છે. આત્મા પણ અજર અમર નથી. બૌદ્ધ પરંપરા તો માને છે કે, પ્રતિક્ષણ વિશ્વ પરિવર્તનશીલ છે. બૌદ્ધ વિચારોમાં શૂન્યનો સ્વીકાર કરતાં આત્મા પણ અંતે શૂન્ય તરફ જ ગતિ છે.
ભારતીય પરંપરા મુજબ અંતિમ સત્ય તો બ્રહ્મ અથવા પરબ્રહ્મને ઓળખવાની વાત છે. મનુષ્ય જીવનમાં આવતા દુઃખમાંથી મુક્તિ મેળવવાનો સરળ માર્ગ આત્માને ઓળખવો અથવા સ્વની અનુભૂતિ કરવી. આ અંતિમ સત્ય શોધવા માટે અનેક માર્ગો દર્શાવ્યા છે. વિશ્વના તમામ ચિંતનોમાં આત્માના સ્વરુપો માટે મતભેદો છે, એટલા જ આત્માના અસ્તિત્વ માટે પણ છે.
પશ્ચિમ કરતાં પૂર્વ સંસ્કૃતિમાં આત્મા પર વધુ ઉંડાઇ જોવા મળે છે, પણ ઉપનિષદ તો આત્માની સાવ નજીક હોય એવું લાગે છે. છેક યમનો ઇન્ટરવ્યૂ પણ ઉપનિષદ લઈ લે છે….યમને પણ નચિકેતા જેવા પાત્ર દ્વારા જવાબ આપવા મજબૂર કરવામાં આવ્યો છે….ચલો આજ સે થોડા થોડા આત્મા કે બારે મેં સોચે….મળી જાય તો માનવજાતનું કલ્યાણ…બાકી જેટલા સાધુ, યોગી હોય કે ભોગી…બધા પાસે આત્મા ઓળખવાના શોર્ટકટ છે. કોઈ ધ્યાન ધરીને, કોઈ ક્રિયાકાંડ દ્વારા તો કોઈ નોનસ્ટોપ સીધા સમાધિમાં જ લઈ જાય છે.
મૂળ વાત એટલી કે આંતરિક શાંતિથી વિશેષ કશું નથી. બે મિનીટ વિચાર વગર બેસવું પણ આપણા માટે અશક્ય છે, પણ તો ય અંતિમ સત્ય તો પરમ શાંતિની શોધ જ છે. ચાલો, આપણે આપણો જ ગમતો માર્ગ શોધીએ…
Deval Shastri🌹