રાજપીપલા,તા6
નર્મદા જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની પ્રિલીમનરી પરીક્ષાઓને અનુલક્ષીને તા. ૭ મી માર્ચે, ૨૦૨૧ ના રોજ સવારના ૧૧.૦૦ કલાકથી બપોરના ૦૧.૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન જિલ્લામાં રાજપીપલા કેન્દ્રના નિયત કરાયેલ પરીક્ષા કેન્દ્ર સ્થળો પર બેસતા પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર ફરતે ચતુર્દિશામાં ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારમાં નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ સહિત કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૦૭/૦૩/૨૦૨૧ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકથી બપોરના ૦૨.૦૦ કલાક સુધી કરવાની રહેશે.
તદ્દઅનુસાર, પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં તેમજ કોઈ પણ ઈસમે કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા / કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ/વિક્ષેપ/ધ્યાન ભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું / કરાવવું નહીં તેમજ લાઉડસ્પીકર વગાડવા નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ વસ્તુ, મોબાઈલ, કેલક્યુલેટર વગેરે જેવી ઈલેક્ટ્રોનિક આઈટમ તથા પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં, તેમ પણ આ હુકમમાં જણાવાયું છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
-જ્યોતિ જગતાપ,રાજપીપળા