મારા બાપા એટલે ભગવાનના માણસ. – રમેશ તન્ના.

(નોંધઃ આજે મારા પિતા પ્રભુરામ તન્ના વિશે લખેલો અને અનેક મિત્રો-સ્વજનોને ગમેલો લેખ પોસ્ટ કરું છું. મેં આ લેખ લવ યુ પપ્પા પુસ્તક (પ્રકાશકઃ બુક સેલ્ફ, અમદાવાદ) માટે સાહિત્યકાર-સંપાદક-પત્રકાર રાજ ભાસ્કરના આમંત્રણથી લખેલો. એ પુસ્તકની આકર્ષક સજાવટ રણમલ સિંઘવે કરી હતી. વડીલ મિત્ર ઈન્દુકુમાર જાનીને આ લેખ વાંચવા આપ્યો તો તેમને ગમ્યો એટલે તેમણે નયા માર્ગમાં પ્રકાશિત કરેલો. તેનો મને જબરજસ્ત પ્રતિસાદ મળેલો. ઘણા પત્રો અને ફોન આવ્યા. એક ફોન મોડી રાત્રે આવ્યો. કહ્યું કે મારીથી રહી ના શકાયું એટલે તમને રાત્રે ફોન કર્યો. સાહિત્યકાર આદરણીય રજનીકુમાર પંડ્યાને આ લેખ ખૂબ ગમેલો. ગમે તેવો લેખ છે તેનું કારણ હું નથી, મારા બાપા એટલે કે મારા પિતા છે. લેખ થોડો લાંબો છે, પણ રસપ્રદ છે. વાંચશો તો મજા આવશે. આપ મારા મિત્ર-સ્વજન છો, મને જો પૂરેપૂરો ઓળખવો હોય તો મારા મૂળ-કૂળને પણ જાણવું પડે.

મારા પિતાને શત્ શત્ વંદન કરું છું.)

***********************

તમે ઊગમણી કોરથી અમરાપુર ગામમાં પ્રવેશ કરો એટલે જમણે હાથે ગામનું તળાવ આવે. વરસાદ સારો થયો હોય તો તળાવ ભરેલું હોય, નહિતર ગામના લોકોના નસીબ જેવું જ હોય કોરુંકટ્ટ. તળાવની પાળની જોડાજોડ રસ્તો જાય છે. એ રસ્તે આગળ વધો એટલે તળાવની પાળ પર એક પીપળો દેખાશે. હવે તો તે અસ્તિત્વ ટકાવી રાખવા થોડો વાંકો થઈને માંડ માંડ ઊભો છે, બાકી એક વખતે તેનો સુવર્ણકાળ હતો !

એના પર આંખો ટેકવીને થોડાક આગળ જશો એટલે ડાબી પા ગામની પંચાયતનું કદરૂપું મકાન આવશે. તેને અડીને, એની સગી બહેન હોય તેવી નિશાળની ઇમારત પણ તમને દેખાશે. લો, અમરાપુર ગામમાં તમારો પ્રવેશ થઈ ગયો.

પણ ઊભા નથી રહેવાનું. હજી ધીમે ધીમે આગળ વધવાનું છે. ડાબી કોર ચોરો છે. અનેક વર્ષોથી ગામના ગઈઢિયાઓએ આ ચોરાને રેઢો મૂક્યો નથી. સવારથી સાંજ લગી, કોઈને કોઈક ગઈઢિયો આ ચોરે બેઠો જ હોય. જો આ ચોરાને વાચા ફૂટે તો ગામ આખાનો અતીત અને વર્તમાન શબ્દશઃ તમને સંભળાવી શકે.

ચોરા પછી ગામની મુખ્ય શેરી શરૂ થઈ જાય. આજુબાજુ હારબંધ મકાનો છે. દરેક ઘરની આગળ ઓટલા છે. જોકે ગામના મોટા ભાગના લોકો ઓટલાને ઓટા કહે છે. અને જુઓ… ગામની આ મોટી શેરીમાં પાંચમા મકાનની બહારના ઓટા પર, જમણી કોર, એ જે બેઠા છે ને એ મારા બાપા. મારા પિતા. મારા પિતાનું આખું નામ પ્રભુરામ મણિલાલ તન્ના. તન્ના એટલે ઠક્કર એટલે લોહાણા એટલે હિન્દુ એટલે ટૂંકમાં કહીએ તો વેપારી માણસ.

અમે પિતાને બાપા જ કહેતા. મારા બાપા મારી આંખોમાં તો વસ્યા છે અમારા ઘરની બહારના ઓટા પર બેઠેલા. સફેદ ઝભ્ભો અને સફેદ ધોતિયું એ તેમનો કાયમી પોષાક. સાવ નિરાંતે બેઠા છે. નિરાંત એ તેમનો અત્યંત સ્થાયી સ્વભાવ છે. કોઈ જ ઉતાવળ નથી. કોઈ જલ્દી નથી. કોઈ દોડધામ નથી. શાંતિ. બહારની શાંતિ અને અંદરની શાંતિ, બન્ને શાંતિ તેમને હૃદયવગી.

ઓટા પર બેઠા બેઠા તેઓ શેરીની ચહલપહલ જુએ છે. આવતાં જતાં લોકને એક બાળકની મુગ્ધતાથી નિહાળે છે. વર્ષોથી તેઓ આ બધું આ રીતે જ જોઈ રહ્યા છે, છતાં દર વખતે પહેલી વખત જોતા હોય તે રીતે બધું જુએ છે.

ગામના ઘણા લોકોને મારા બાપાની મશ્કરી કરવાની ટેવ છે. શેરીમાં હેડતાં હેડતાં તેઓ મારા બાપાની મશ્કરી કરે છે. કોઈ કહે છે, ‘ચ્યમ પરભુરામબા, સેતરે (ખેતરે) આંટો મારી આયા ? ઉણ તો બઉં હારું છે ને કંઈ. બાથમાં થોડાક મોલ લઈને આવવું તું ને…’ તો વળી કોઈ કહેશે, ‘પરભુરામને તો બહુ કામ જુઓને, હવારથી હાંજ લગી બધા પર નજર રાખવાની… સરકારે મોટી જવાબદારી સોંપી છે ને કંઈ…’ મારા બાપા ક્યારેક કોઈને કંઈ જવાબ ના આપે. જો ક્યારેક જવાબ આપે તો સાવ સૌમ્ય આપે. બાકી તો તેઓ ચૂપ રહે. મને લાગે છે કે પોતાના આખા આયખામાં તેઓ ખૂબ જ ઓછું બોલ્યા હશે. તેમને બોલવું ઓછું ગમતું.

જીવનના ઉત્તરાર્ધમાં, તેઓ અમરાપુર ગામ છોડી અમારી જોડે અમદાવાદ રહેવા આવ્યા તે પહેલાં, શેરીના ઓટલા પર બેસી અચૂક માળા ફેરવતા હોય. મારી માની જેટલી તેમનામાં પ્રબળ ધાર્મિક વૃત્તિ નહોતી, પણ ભગવાનમાં માપસરનું માનતા.

મારા પિતાનો જન્મ સુરેન્દ્રનગરના વાલેવડા નામના ગામે. પિતા મણિલાલ ખેડૂત. મારા પિતાને બીજા ચાર ભાઈઓ. બધા જુદા જુદા ગામમાં સ્થાયી થયા હતા, પણ બધાની ખેતીની જમીન અમરાપુરમાં. મારા બાપા અમરાપુરમાં રહે. પોતાની ખેતી સાચવે અને ભાઈઓની ખેતી પર પણ ધ્યાન આપે.

તેઓ ખાસ ભણેલા નહિ. વ્યવહાર જગતમાં કહેવાય તેવા હોંશિયાર તો બિલકુલ નહિ. ભગત જેવા. બાપાએ વારસામાં જે ખેતી આપી તે સાચવીને કરે. પોતાને ખેતી કરવાનું ના ફાવે. કદાચ મારા નાનપણમાં તેમણે હળ ચલાવ્યું હશે… પણ હું સમજણો થયો તે પછી મેં જોયું છે કે તેઓ જાતે ખેતી કરતા નહિ, પણ ખેતી કરાવતા. પહેલા અમારા ઘરે બળદ હતા, ગાડું હતું, હળ હતાં, ખેતી કરવા માટેની તમામ સામગ્રી હતી. અમે ગામના અન્ય કોઈ ખેડૂતને અમારી ખેતી કરવા આપી દેતા. અમારી જમીન અને ખેતી કરવાનો તમામ સામાન અને ખેડૂતની મહેનત. પાકમાં ત્રણ ભાગ અમારા અને એક ભાગ ખેડૂતનો.

આ રીતે વર્ષો સુધી ખેતી થઈ. સાત સંતાનો સાથેના નવ સભ્યોના કુટુંબનું ગાડું ગબડે… બીજું ખાસ ઉપાર્જન નહિ. પછી તો અમે બળદ, ગાડું વગેરે રાખવાનું બંધ કરીને જે ખેડૂત પાસે આ બધી સગવડ હોય તેને ભાગ આપવાનું શરૂ કર્યું. એ પછી પાકની વહેંચણીનું સમીકરણ બદલાયું. અરધો ભાગ ખેડૂતનો, અરધો અમારો. ખેડૂત તરીકે મારા પિતા ‘જે થાય તે થવા દેવાનું એ ભાવના’વાળા. આમ તો પોતાના સમગ્ર જીવન માટે તેમની આ જ લાગણી હતી. કોઈ મોટાં આયોજન નહિ, કોઈ મોટી તો શું, નાની પણ મહત્ત્વાકાંક્ષા નહિ. જે બને તે બનવા દેવાનું. જે આવી પડે તે સ્વીકારી લેવાનું.

ઘરનું ગુજરાન ચાલે ખેતી પર, પણ કયા ખેતરમાં કયો પાક લેવાનો, અષાઢિયું કરવાનું કે પાહન કરવાનું, ઘઉં વાવવાના કે કપાસ… આ બધા નિર્ણયો મોટા ભાગે પ્રારંભમાં મારી બા અને પછીથી મારા મોટાભાઈઓ કરતા. એમાં મારા બાપા માથું જ ના મારે અને મારે તો કાંઈ ફરક ના પાડે. તેમના અભિપ્રાયનું ઘરમાં ખાસ વજન જ ના પડે.

અમારું દૂબળું વસ્તારી કુટુંબ. બે છેડા માંડ માંડ ભેગા થાય. હજી તો ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હોય ત્યાં પૈસાની જરૂર પડે અને વેપારી પાસે કાલાં મંડાવીને પૈસા લઈ આવીએ. બધા ખેડૂતો આવું જ કરે. આખા વરસમાં દુકાનદાર પાસેથી ખરીદી કરી હોય તેની રકમ આ રીતે કાલાં મંડાવીને ભરપાઈ કરવાની. દીવાળીએ કાલાંના ભાવ પડે. એટલે કે હજી તો જે મોલ થોડાક ઊગ્યો છે તે આગોતરો વેચી નાખવાનો ! (એક રીતે બાળલગ્ન જેવું.) જ્યારે ખરેખર કાલાં બજારમાં વેચાવા આવે ત્યારે ૨૦૦ રૂપિયે મણ હોય, પણ કાલાં મંડાવવાનો ભાવ ૪૦ કે ૫૦ રૂપિયા જ હોય ! આટલો મોટો ફરક ! વેપારીના ચોપડે ખરીદેલા અને નહિ ખરીદેલા સામાનનો આંકડો એટલો મોટો હોય કે તમે ગમે તેટલાં કાલાં મંડાવો તોપણ, મોટા ભાગે તો વેપારીને એ પછી કોઈ રકમ લેવાની નીકળતી જ હોય. કવિ ન્યાય હોય છે કે નહિ તેની ખબર નથી પણ વેપારીનું આવું ગણિત તો અનેક વખત અનુભવ્યું છે. ધારો કે કુદરત રિસાઈ જાય અને કાલાં ઓછાં થાય કે ના થાય તો ?

તો વેપારીના જાદુઈ ગણિતમાં એવી રીત કે પછી ભાવ ભંગાય. જે ભાવથી કાલાં મંડાયાં હતાં તે અને સાંપ્રત બજાર ભાવનો તફાવત કાઢી વેપારી ખેડૂત પાસેથી લેવાનો એક નવો અને મોટો આંકડો નક્કી કરે. પછી ? ઘરમાં સોનુ પડ્યું હોય તો તે ગિરવે મૂકાય, જમીનનો એકાદ ટુકડો વેચવામાં આવે અને વેપારીની રકમ ચૂક્તે કરવાનો નિષ્ફળ પ્રયાસ થાય. એ પછી પણ વેપારીને જે રકમ ચૂકવવાની બાકી રહે તે આગળ ખેંચાય. ખેડૂત બિચારો ખેતર પર નજર કરી કરીને વિચારતો રહે કે બે છેડા ક્યારે ભેગા થશે ?

અમે ખૂબ ગરીબી જોઈ છે. કેટલાંય વેકેશન (કાલાંની) ધડીઓ ફોલવામાં વિત્યાં છે. કાલું ફોલવું એટલે કે કાલાંમાંથી કપાસ બહાર કાઢવો. ૨૦ કિલો એટલે કે એક મણ કાલાં એટલે એક ધડી. એક ધડી ફોલવાના ત્રણ રૂપિયા મહેનતાણું મળે. જે વર્ષે દુષ્કાળ પડે ત્યારે તો ઘરમાં કશું ખાવા ના મળે એટલે આખું ઘર ખાવા દોડે. એ વખતે રોટલી કે રોટલો અને ચટણી પર દિવસો નીકળે.

એક વખત લાગલગાટ ત્રણ વર્ષ દુષ્કાળ પડેલો. અમે બધા ભાઈઓ અમદાવાદમાં પગ જમાવવા આકરી મહેનત કરતા હતા. ઘરે બા-બાપુજી અને બહેનો અને નાના ભાઈઓ. અમારો આવરો-જાવરો રહે ખરો. એ વખતે ઘરની સ્થિતિ ખૂબ જ નાજુક. મારા બાપાને પહેરવા માટે એક જ ધોતિયું બચેલું. ધોતિયું ફાટે એટલે સંધાવીને પહેરે. વધુ ફાટતું થયું એટલે ગાંઠો મારીને ચલાવે. મારી-મારીને કેટલી ગાંઠો મારે ? ધોતિયુંય જાણે કે જીદે ચડ્યું હતું. તે નવી નવી જગ્યાએથી ફાટતું અને મારા બાપા ગાંઠ મારી દેતા. કેટલાય દિવસો સુધી આમ ચાલ્યું. મારી બા હયાત હતી ત્યારે કહેતી હતી કે આ મુદ્દે એક વખત તેઓ ખૂબ અકડાઈ ગયેલા. કોઈ પણ બાબતે મારા બાપા અકડાઈ જાય એટલે બધો ગુસ્સો ઠાલવે મારી બા પર. આ વણલખ્યો નિયમ.

દુષ્કાળમાં ગ્રામજનોને રાહત આપવા સરકાર વિવિધ યોજના અમલમાં મૂકતી. ખાસ તો અમારા ગામના તળાવમાં ચોકડીઓ ખોદાતી. અમે વેપારી કોમ ગણાઈએ. આવાં આકરાં કામ અમારાથી ના થાય. શ્રમિકોએ ખોદેલી ચોકડીનું માપ લેતા ઓરસિયા તરીકે મારા બાપાએ કામ કરેલું. આજે આ બધું યાદ કરું છું અને મારું હૃદય જોરથી ધબકવા માંડે છે. કેવાં કેવાં દુઃખો મારા બાપાએ વેઠ્યાં હતાં !

ખેતરમાં મોલ તૈયાર થાય એટલે તેનું રખોપું કરવું પડે. ગામમાં ટોયા રખાય, જેને ભાગ આપ્યો હોય તે ખેડૂત સાચવે, તોપણ વધુ કાળજી રાખવી પડે. ક્યારેક લોકો મોલ ચોરી જાય તો ક્યારેક પશુઓ ભેલાણ કરે. અમારા ગામથી કચ્છનું નાનું રણ સાવ નજીક એટલે નીલ ગાયો બહુ આવે. મારા બાપા નિયમિત ખેતરે સૂવા જતા. તેમને એ બાબતે સહેજ પણ કંટાળો નહિ કે ભય પણ નહિ. દિવસોના દિવસો સુધી તેઓ ખેતરમાં રહેતા. અમે સવારે અને ઢળતી બપોરે તેમને ચા અને બીડી આપવા જઈએ તથા બપોરે તથા રાત્રે ‘ભાત આપવા’ એટલે જમવાનું આપવા જઈએ.

હું બીકણ હતો. બપોર પછી જવાનું હોય તો મારાં મોતિયાં મરી જાય. રસ્તામાં સ્મશાન આવતું. મિત્રો પાસેથી ભૂત પ્રેતની અનેક રંગીન અને સંગીન વાતો સાંભળેલી એટલે હૃદયના બચત ખાતામાં સાચવેલી હિંમત પણ વરાળ થઈને ઊડી ગયેલી. મોટા ભાગે હું બહાનાં કરીને ખેતરે જવાનું ટાળું. જોકે આ વિશ્વમાં કોઈ ક્રૂર મેનેજરે એક રોટેશન નામની પદ્ધતિ પણ અમલી કરી છે. તેમાં તો તમારે માનવું જ પડે. મારો વારો આવે એટલે કોઈનો સંગાથ લઈને, જીભ પર હનુમાન ચાલીસાને બિરાજમાન કરીને હું ખેતરે જતો. મારા બાપા માંચડા પર બેઠા હોય. મોટા ભાગે બીડી પીતા હોય.

એમનો પહેલો અને એક માત્ર પ્રશ્ન એ જ હોય, ‘બીડી લાયા છો ને ?’

એમને બીડીનું વળગણ. પહેલાં તો દરરોજની બે ઝૂડી એટલે કે ૫૦ બીડી પી જતા. ટીબી થયો એ પછી ૨૫ બીડી પીતા થયા. એ પછી તો એ પણ ઓછી કરી દીધી હતી. એમને પાટણની બ્રાંડ નારણ જીવણ બીડી જ જોઈએ. આ બીડી સહેજ જાડી હોય છે. અમારા ગામમાં એ મળતી. અમે દોડી દોડીને કરિયાણાની દુકાનેથી એ લઈ આવતા.

અમદાવાદ રહેવા આવ્યા એટલે તેમને માટે બીડીની તકલીફ થઈ. અહીં તો એ બ્રાંડ મળે નહિ. પછી અમે ખાસ પાટણથી ખુદ ઉત્પાદક પાસેથી જ મંગાવી લેતા. એકસાથે એક કે બે હજાર બીડી મંગાવી લઈએ એટલે લાંબો સમય ચાલે. હું પાટણના પત્રકારત્વ વિભાગમાં ભણાવવા જતો ત્યારે યાદ રાખીને તેમના માટે બીડી લઈ આવતો.

આ બીડીએ જ તેમનાં ફેફસાં ખલાસ કરી નાખ્યાં હતાં. તેમને ટીબી પણ થઈ ગયો હતો. તેમને ટીબી થયો ત્યારે અમે ગાંધીનગર રહેતાં હતાં. નિયત કોર્સ કરાવીને તેમનો ટીબી તો મટાડ્યો પણ અસ્થમાએ તો તેમને છેક સુધી હેરાન પરેશાન કરેલા. થોડું ચાલે તોપણ તેમને શ્વાસ ચડી જતો.

મારા પ્રિય કવિ અને સર્જક રઘુવીર ચૌધરીની મા વિશેના એક દીર્ઘ કાવ્યમાં આવે છે : એકવીસમી સદીનાં શહેરોએ વિખુટાં પાડી દીધાં હજારો મા-બાપોને પોતાનાં સંતાનોથી. (શબ્દોમાં ફેરફાર હોય તો ક્ષમા) અમારા પરિવારમાં પણ આવું બન્યું. થોડાં વર્ષો અમે સંતાનો અમારાં મા-બાપથી જુદાં જુદાં રહ્યાં. અમે ભણવા કે કમાવા શહેરમાં રહીએ અને તેઓ ગામમાં.

એક પણ ભાઈ અમરાપુર ના રહ્યો એટલે છેવટે અમે બા-બાપુજીને અહીં અમદાવાદ લાવી દીધાં. હું દૃઢપણે માનું છું કે જો મારા બા-બાપુજી ગામડે અમરાપુરમાં જ રહ્યાં હોત તો થોડું વધારે જીવ્યાં હોત અને વધુ સારી રીતે જીવ્યાં હોત. શહેરની પ્રદુષિત હવાએ તેમને તકલીફ આપી જ હશે. અમરાપુર ગામનાં તેમનાં અનેક વર્ષોનાં સંવેદનોનાં મૂળ એક ઝાટકે કાપીને અમે તેમને અહીં લઈ આવ્યા હતા. એ કશું બોલતા નહિ, તેમણે અમરાપુર છોડવાનું પણ કેટલું સહજપણે સ્વીકારી લીધું. આપણે તો નાની નાની બાબતોને પણ છોડી શકતા નથી અને આપણા બાપદાદાઓ કેટલી સહજતાથી કોઈ પણ બાબતને છોડી શકતા ?

અમે ગાંધીનગરમાં મકાન બનાવ્યું એ પછી તેઓ અમારી સાથે ત્યાં રહેવા આવ્યા. એમને ગાંધીનગરમાં ખૂબ જ ગમતું કારણ કે ગામડાં જેવું વાતાવરણ હતું. બધું ખુલ્લું ખુલ્લું. પહેલા માળે તેમનો ખાટલો રહે. મોટા ભાગે ત્યાં જ હોય. જમવા કે ચા પીવા નીચે આવે. અમારા ઘરની બાજુમાં, રોડ પાસે એક કાચા મકાનમાં તેજીમાસી તેમના વસ્તારી પરિવાર સાથે રહે. મારા બાપા એમના મકાન પાસે, ખાટલા પર બેસે. તેજીમાસીને પણ બીડી પીવાની ટેવ. ક્યારેક બન્ને બીડી પીતાં પીતાં વાત કરે. મને નવાઈ લાગે. તેજીમાસીને ગુજરાતી બોલતાં ના આવડે અને મારા બાપાને હિન્દી ના ફાવે. આમ છતાં બન્ને સુખદુઃખની વાતો કર્યા કરે. અમને બધાંને એ જોવાની મજા આવે.

એમને છાપાં વાંચવાનો શોખ. પોતાના દીકરાઓ ભણી ગણીને આગળ આવે તે જોઈને તેમની છાતી ફૂલે. પોતાના દીકરાઓનાં ખૂબ જ વખાણ કરે. અમે ગાંધીનગરમાં મકાન બનાવ્યું પછી મને અવારનવાર કહેતા, રમલા હવે એક મોટર લઈ લે. અફસોસ, અફસોસ, અફસોસ. એમની હયાતીમાં હું મોટર ના લઈ શક્યો. એમના નિધન પછી, મારી બાની હાજરીમાં ખૂબ જ ઓછો પગાર હોવા છતાં, તાણીતોછીને, ઉછીનાપાછીના કરીને, લોન લઈને કાર લઈ આવ્યો. મને થયું પિતાની હાજરીમાં તો ના લાવી શક્યો, પણ બા હયાત છે ત્યાં સુધી તો કાર લઈ લઉં.
મારી જીવનસાથી અનિતા સાથે એમને ખૂબ બને. અનિતાને પુત્રવધૂની જેમ નહિ, દીકરીની જેમ માને અને રાખે. અનિતા પણ તેમને પિતાની જેમ સાચવે. બન્ને વાતો કર્યા કરે. મારા બાપા ઘણી વાતો મને ના કહે, પણ અનિતાને સહજતાથી કહી શકે. તેઓ ભલે ઓછું ભણેલા હતા પણ પ્રગતિશીલ અને ઉદારમતવાદી હતા. કોઈ બાબતનો આગ્રહ નહિ. મમત કે જીદ નહિ.

મારા દીકરા આલાપને તેમનો પ્રેમ મળ્યો તેનો મને સંતોષ અને આનંદ છે. આલાપને તેઓ ગણિયો કે ગણપતિ કહેતા. રમાડતા. તેનું ધ્યાન રાખતા. ગાંધીનગરમાં તેને શાળાએ મૂક્યો ત્યારે રાજી રાજી થયેલા. શાળામાં મૂક્યો એ પહેલાંથી તેમને આલાપના ભણતરની ચિંતા. લેશન કર, ભણવા બેસ. પલાખા બોલ. ઘડિયા બોલ. એમ બોલે.

આલાપ રડતો હોય તો બૂમાબૂમ કરે : ‘અનિતા, ગણિયો કેમ રડે છે ?’ શિયાળાની સવારે ગાંધીનગરના ખુલ્લા મકાન બહાર કૂણો કૂણો તડકો આવે એટલે મારા બાપા કોથળો પાથરીને છાપું વાંચવા બેસે. એ પછી અનિતા તેમની બાજુમાં ગણપતિનું સ્થાપન કરાવી જાય. દાદા અને પૌત્રની જોડી એક પણ પૈસો આપ્યા વિના કરોડો રૂપિયાનો તડકો ખાય અને મજા કરે.

કોઈ કારણથી અમે ગાંધીનગર છોડવાનું નક્કી કર્યું. મારા બાપા બોલ્યા નહોતા, પણ તેમને ગમ્યું નહોતું. તેમને અને અનિતાને તો ગાંધીનગર ખૂબ ગમતું, પણ મારી નોકરીને કારણે અને મારી બાની ઇચ્છા કે હું મારા નાના ભાઈ મુકુંદની પાસે રહું… તેને લીધે મેં ગાંધીનગર છોડ્યું. આસપાસનાં લોકો રડે કારણ કે બધાં સાથે માયા બહુ થઈ ગયેલી. મેં એ વખતે જિંદગીમાં પ્રથમ વખત મારા બાપાને ઢીલા જોયેલા. તેમનું મન જ નહોતું અમદાવાદ આવવાનું.

સ્વભાવ એવો કે ચર્ચા જ ના કરે. મને પૂછે પણ નહિ કે બેટા આપણે કેમ ગાંધીનગર છોડી રહ્યા છીએ ? અમદાવાદ જવું જ પડે તેમ છે ? ના, આવું કરવું તેમના સ્વભાવમાં જ નહોતું. જીવનમાં જે સામે આવ્યું તે સ્વીકારી લીધું. અમદાવાદ રહેવા જવાનું છે ? ચાલો અમદાવાદ જઈએ.

જે હોય તે બોલી નાખે એટલે ક્યારેક અજબ સ્થિતિ ઊભી થાય. ગાંધીનગરમાં અમે એક સ્વજનના ઘરે ગયા. મેં મારા બાપાને તેમની ઓળખાણ કરાવી. એ ભાઈના પિતા પણ હયાત હતા. તેમની આંખોની દૃષ્ટિ કોઈ કારણથી જતી રહેલી. મેં તેમની ઓળખાણ મારા બાપા સાથે કરાવતાં કહ્યું કે, ‘આ કાન્તિભાઈના પિતા છે, તેઓ જોઈ શકતા નથી.’ તમે જુઓ મારા પિતાએ શો જવાબ આપ્યો ? તેમણે કહ્યું, ‘એ તો અહીંનાં કર્યાં અહીં જ ભોગવવાનાં હોય છે ભાઈ.’ મારી સ્થિતિ કાપો તો લોહી ના નીકળે તેવી. આવાં તો તેમનાં અનેક સ્મરણો છે.

તેઓ એક વાત સતત કહેતા, (ભાઈઓ) સંપથી રહેજો. સંપથી રહેજો એ તો તેમનો ધ્યાનમંત્ર. આ વાત સતત કહે. મૃત્યુનાં થોડાં વર્ષો પહેલાં તેમણે આ વાત કહેવાનું વધારી દીધું હતું. આ ઉપરાંત એક અન્ય વાત પણ કહેતાઃ ભગવાન તમને ભોગવવા દે. સુખ કે સમૃદ્ધિ મળે એટલું પૂરતું નથી, એ ભોગવવાનો સમય મળવો જોઈએ અને એવું મન પણ હોવું જોઈએ.

મારા બાપાનું ઘણું ભોટપણું મારામાં આવ્યું છે. જિંદગીમાં અનેક વખત મેં બાઘાઈ કરી છે અને સમાજને લાગે તેવું નુકશાન પણ ભોગવ્યું છે… પણ મને તો ક્યારેય તેનો રંજ નથી. કોઈને છેતરવા કરતાં છેતરાવું સારું છે. એક ખેડૂતપુત્ર હોવાનું ગૌરવ છે. એક સીધા સાદા ગ્રામજનના દીકરા હોવાનો મને આનંદ છે. જેમણે સરળતા અને સહજતાથી પોતાનું જીવન વ્યતિત કર્યું તેવા મારા બાપાને હું હજી વધુ સાચવી શક્યો હોત કે તેમની સાથે વધુ સમય ગાળી શક્યો હોત તો સારું થાત, પણ જેટલો પણ સમય તેમની સાથે રહેવાનું મળ્યું તે સમયે મારું જીવન અજવાળ્યું છે. તેમની સહજતા, સરળતા અને નિસ્પૃહતાના અંશો મારામાં હજી વધુ ઊતરે અને હું વધુ ગામડિયો થાઉં તો જીવન જીવવાની વધુ મજા આવે !