*સંતોષ અને શોર્ટકટ*

પહેલાં દુરદર્શન પર ચિત્રહાર, અઠવાડિયે બે વાર આવતું
ભણતરની સાથે મનોરંજન પણ આ જ રીતે ફાવતું
રવિવારની ફિલ્મ વખતે લાઈટ જાય તો ખાવાનુંય ન ભાવતું

આજે સેંકડો ચેનલ્સ ને હજારો સીરીયલ્સ છે
પણ આંગળીઓ રીમોટ પર રમ્યા કરે છે
ચિત્ત ક્યાંય ચોટતું નથી ને મન ચોતરફ ભમ્યા કરે છે
એક સાથે ને એક જ સમયે સિત્તેર ફિલ્મો ના ઓપ્શન હોય છે,
પણ મનને કૈક બીજું જ ગમ્યા કરે છે

માણસ જાણે ધીરજ સાવ ખોઈ બેઠો છે
સમૂહમાં હોય તોય એકલતામાં રોઈ બેઠો છે
પાસે હોય પોતાનું ને લાગે અજાણ્યો કોઈ બેઠો છે

એ ગામડામાં હોય ને નગરને વિચારે છે
એ સેન્ડવીચ ખાય પણ બર્ગરને વિચારે છે
એ ફ્લેટમાં રહે પણ મોટા ઘરને વિચારે છે

એ રોજ શેરબજારમાં રોકડી શોધે છે
એ મધરાતે સપનાંમાં નોટોની થોકડી શોધે છે
એને નગર,બર્ગર,મોટું ઘર સઘળુંય મળી શકે,
પણ એ તો
મેહનતનો પર્યાય શોધે છે

એને કોણ સમજાવે કે દોસ્ત,
મેહનતનો પર્યાય આ જગતમાં છે જ નહીં
ફૂલો ઉગાડવા કાંટાનો ઘાવ, રોજીંદી ઘટમાળમાં
મગજનો તાવ અને રોજબરોજ દરેક ચીજનો વધતો જતો ભાવ
પણ સહેવો પડે છે,
ને એ પણ મેહનત ના શોર્ટકટ વિના,

ને પછી સાંપડે છે સપનાનું નગર, ડબલ ચીઝ વાળું બર્ગર અને
જમીનને અડીને બનેલું મોટું ઘર.

પૂજન મજમુદાર