મોરેશિયસમાં વિદેશમંત્રી એસ. જયશંકરનું શિવભક્ત સ્વરૂપ જોવા મળ્યુ. ગંગા તળાવ પહોંચીને ભગવાન ભોળાનાથનો કર્યો જળાભિષેક
પોર્ટ લુઈ: બે દિવસીય યાત્રાના છેલ્લા તબક્કામાં માલદીવથી મોરેશિયસ પહોંચેલા વિદેશમંત્રી એસ. જયશંકરનું શિવભક્ત સ્વરૂપ જોવા મળ્યું. અહીંના પ્રસિદ્ધ ગંગા તળાવ સ્થિત શિવમંદિરમાં પહોંચીને તેમણે ભગવાન શિવનો જળાભિષેક કરવાની સાથે પૂજા-અર્ચના કરી. આ દરમિયાન તેમની સાથે મોરેશિયસના વિદેશમંત્રી એલન ગાના, સાંસ્કૃતિક વિભાગના મંત્રી અવિનાશ તેલેક અને કૃષિ મંત્રી મનેશ ગોબિન પણ હાજર રહ્યા.
ભારતીય વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, “ગંગા તળાવ મોરેશિયસમાં રહેતા હિંદુ સમુદાયના લોકો માટે પવિત્ર સ્થાન છે. મોરેશિયસમાં તેનું એવું જ મહત્વ છે, જેવું ભારતમાં ગંગાનું છે. વિદેશમંત્રી એસ. જયશંકરે અહીંયા પહોંચીને ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાની સાથે-સાથે તળાવની વચ્ચે સ્થિત માતા લક્ષ્મીની પ્રતિમાના પણ દર્શન કર્યા અને હનુમાનજીની મૂર્તિની સામે માથું પણ નમાવ્યું.”
શું છે ગંગા તળાવ
મોરેશિયસના સાવને જિલ્લાના પર્વતીય વિસ્તારમાં સ્થિત ગંગા તળાવને ગ્રાંડ બેઝિન પણ કહેવામાં આવે છે. તેની શોધ 1897માં ઝુમ્મનગિરી નામના એક સાધુએ કરી હતી. ત્યારથી જ તે મોરેશિયસની કુલ જનસંખ્યાના 70 ટકા એનઆરઆઇ (NRIs) ભારતીયોની આસ્થાનું કેન્દ્ર છે. આ તળાવના કિનારે ભગવાન શિવ, હનુમાનજી અને લક્ષ્મી માતાનું એક ભવ્ય મંદિર પણ સ્થિત છે. મહાશિવરાત્રિના પર્વ પર ભગવાન શિવના દર્શન કરવા માટે તમામ તીર્થયાત્રીઓ પોતાના ઘરેથી આ તળાવ સુધી ખુલ્લા પગે ચાલીને જાય છે. 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગંગા તળાવ પહોંચીને ભગવાન શિવના દર્શન કર્યા હતા.
વારાણસીનું ગ્રુપ મોરેશિયસના લોકોને શીખવાડશે ગંગા આરતી
ગયા વર્ષે ભારત આવેલા મોરેશિયસના રાષ્ટ્રપતિ અનિરુદ્ધ જગન્નાથે વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી નિહાળી હતી. તેનાથી અભિભૂત થઈને તેમણે મોરેશિયસમાં ગંગા તળાવ પર રાષ્ટ્રીય પર્વ શિવરાત્રિ પર ગંગા આરતી કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માટે તેમણે વારાણસીમાં ગંગા આરતી કરનારા પંડિતો દ્વારા મોરેશિયસના લોકોને ગંગા આરતીનું પ્રશિક્ષણ આપવાની વાત કરી હતી.