કેજરીવાલની જીતની રણનીતિ ઘડનાર આ પ્રશાંત કિશોર છે કોણ?

પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ તરીકે ભારત અને ભારતની બહાર પણ પોતાની ઓળખ બનાવનાર પ્રશાંત કિશોર મૂળ બિહારના સાસારામના કોનાર ગામના રહેવાસી છે. તેમનો જન્મ 1977માં થયો હતો. પ્રશાંત કિશોરના પિતા ડૉ. શ્રીકાંત પાંડે ડોક્ટર હતા અને માતા ઈન્દિરા હાઉસ વાઇફ છે. પ્રશાંત કિશોર ઉપરાંત તેમના પરિવારમાં મોટાભાઈ અજય કિશોર અને બે બહેનો પણ છે. તેમણે પ્રાથમિક શિક્ષણ બિહારમાં મેળવ્યું હતું. હૈદરાબાદથી એન્જિનિયરિંગ કર્યા બાદ પ્રશાંત કિશોર યુનિસેફ સાથે જોડાયા અને તેની સાથે કામ કર્યું.
યૂએનમાં કામ કરતા સમયે જ ગુજરાતમાં ચાલતી કેટલીક યોજનાઓને લઈને પ્રશાંત કિશોરે તત્કાલીન રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતી. વર્ષ 2011માં તેઓ ભારત પરત ફર્યા અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સાથે જોડાયા. ત્યારથી જ તેમના અને મોદીના સંબંધો વિકસ્યા જે 2014ની લોકસભા ચૂંટણી સુધી પહોંચ્યા. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રશાંત કિશોરની પત્ની જાન્હવી દાસ એક ડોક્ટર છે અને તેમનો એક પુત્ર પણ છે.
પ્રશાંત કિશોરની સફળતાના રહસ્યની જો વાત કરવામાં આવે તો તેમની મનપસંદ બુક છે Nehru and Bose_ Parallel Lives: રાજકીય સ્ટ્રેટેજિસ્ટ તરીકે તેમણે પોતાની ઓળખ એમ જ નથી મેળવી લીધી તેની પાછળ ખૂબ જ આકરી મહેનત છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, તેમને જ્યારે પણ ખાલી સમય મળતો ત્યારે પુસ્તકો વાંચતા હતા. આ પુસ્તકોએ તેમને રાજકરણ અને લોકોના માનસને સમજવાની કળા શીખવાડી છે. આ ઉપરાંત વિઝડમ ઓફ ક્રાઉડ અને મહાત્મા ગાંધીની આત્મકથા માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ પણ તેમને પસંદ છે.
એક ઈન્ટવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, લોકોમાં રહેલી ખૂબીઓને ઓળખવાની શીખ મને મારા પિતા પાસેથી મળી છે. હું કોઈ વ્યક્તિને મળુ તો તેમનો ધર્મ કે જાતિ નથી જોતો તેમાં રહેલી ખૂબી જોઉં છું. પ્રશાંત કિશોર 2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી સાથે કામ કરી ચૂક્યા છે આ ઉપરાંત તેમણે જગન રેડ્ડી, નીતિશ કુમાર, મમતા બેનર્જી જેવા નેતાઓ સાથે પણ કામ કર્યું છે.