*મોદીએ કરેલી મદદ ઓફરનો ચીને આપ્યો જવાબ*

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તેની અસર દુનિયાના અનેક દેશોમાં પણ થઈ રહી છે. ચીનની મદદ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખીને કોઈપણ પ્રકારની મદદની ઓફર કરી હતી. પીએમ મોદીના પત્ર પર હવે ચીની વિદેશ મંત્રાલયનો જવાબ આપ્યો છે અને આ ઓફરને ભારત-ચીનની ગાઢ મિત્રતાનું પ્રતિક ગણાવ્યું છે.
ચીની વિદેશ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ભારત તરફથી કોરોના વાયરસને લઈને જે સમર્થનની વાત કરવામાં આવી, તે માટે અમે તેનો આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત દ્વારા વ્યક્ત કરવામાં આવેલો શિષ્ટાચાર ચીનની સાથે તેની ગાઢ મિત્રતાને દર્શાવે છે. અમે ભારત અને વિશ્વના તમામ દેશોની સાથે કામ કરવા તૈયાર છીએ, જેથી આ વાયરસ વિરુદ્ધ યુદ્ધ લડી શકાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કોરોના વાયરસને કારણે ચીનને થયેલા નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમને ભારત તરફથી કોઈપણ પ્રકારની મદદની રજૂઆત કરી હતી. પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુબેઈ પ્રાંતથી ભારતીય નાગરિકોને કાઢવામાં ચીની સરકાર દ્વારા કરવામાં આવેલી મદદની પ્રશંસા કરી હતી