હવે જો નર્મદાના આદિવાસીઓ પર કોઈ મુશ્કેલીઓ આવશે તો અમે બધા રાજીનામું ધરી દઈશુ.ઘનશ્યામ પટેલ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ.
ચૂંટણી ટાણે ઈકો સેન્સીટીવ ઝોન મુદ્દે ભાજપના આગેવાનોના વિવિધ મંતવ્યો.
રાજપીપળા, તા. 7
ચૂંટણી ટાણે સેન્સીટીવ ઝોન મુદ્દે રાજપીપળા ખાતે સંસદના સન્માન સમારંભ પ્રસંગે ભાજપી આગેવાનોના વિવિધ મંતવ્યો આપ્યા હતા.જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2015 માં ઈકો સેન્સેટિવ ઝોન કાયદો બન્યો ત્યારે બીટીપી લોકોને ગુમરાહ કરી ચૂંટણી જીતી, પછી સતત 5 વર્ષ એમણે અરાજકતા ફેલાવી અને બુમરેંગ મચાવી.હવે પાછી ચૂંટણી આવી છે ત્યારે ફરી એ જ મુદ્દો ઉઠાવ્યો છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ એમનું સાંસદનું પદ જોખમમાં મૂકી રાજીનામુ આપી દીધું, સરકારે એમનું રાજીનામુ ન સ્વીકાર્યું પણ ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રીઓ રદ કરી. હવે નર્મદા જિલ્લાના આદિવાસીઓ પર કોઈ મુશ્કેલીઓ આવશે તો અમે બધા રાજીનામુ ધરી દઈશું પણ કોઈને ઉની આંચ નહિ આવવા દઈએ.
ગુજરાત સરકારના પૂર્વ વન આદિજાતિ રાજ્યમંત્રી શબ્દશરણ તડવીએ જણાવ્યું હતું કે ભાજપ સાંસદે કલમ 377 હેઠળ સંસદમાં ઈકો સેન્સેટિવ ઝોનનો પ્રશ્ન ઉઠાવ્યો, એની સંસદમાં સ્પેશિયલ નોંધ લેવાશે રેકોર્ડ રખાશે. એક તપાસ કમિટી પણ બનશે અને આદિવાસીઓને નડતરરૂપ કારણોની તપાસ થયા બાદ રિપોર્ટ સોંપાશે. ઈકો સેન્સેટિવ ઝોન એન્ટ્રીઓ રદ નથી થઈ એવી ખોટી વાતો ફેલાવવા ખોટા લોકો ફરી રહ્યા છે એમનાથી ચેતવું જોઈએ.
ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ મોતીસિંહ વસાવાએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જ્યારે ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે રાજીનામુ આપ્યું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મને, નાંદોદના પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલને વારા વારા ફરથી ટેલિફોનિક સંપર્ક કરી જણાવ્યું હતું કે જ્યાં હોય ત્યાંથી મનસુખ વસાવાને શોધી લાવો, વિજય રૂપાણીએ અમને દોડતા કરી દીધા હતા. એટલે દેશ માટે કંઈક વધુ સારું થવાનું છે. ઈકો સેન્સેટિવ ઝોનના મુદ્દે ચૂંટણી જીત્યા બાદ બાપ-દીકરાએ છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા વિધાનસભામાં એ પ્રશ્ન ઉઠાવ્યો નથી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા