રાજપીપળા નગરપાલિકા તંત્રે 70 જેટલી સરકારી અને ખાનગી એકમોને ફાયરસેફ્ટીના મામલે નોટિસ ફટકારતા વિવિધ એકમોમાં ફફડાટ.
રાજપીપળા તા 4 રાજપીપળા નગરપાલિકાના 70 જેટલી સરકારી અને ખાનગી એકમોને ફાયરસેફ્ટી મામલે નોટિસ ફટકારતા વિવિધ એકમોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં આગના અનેક કિસ્સાઓ બન્યા છે.જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.જેમાં મુખ્યત્વે ફાયરસેફ્ટી તેમજ જરૂરી સુવિધાઓ વિના ચાલતા વ્યવસાયિક સરકારી-ખાનગી એકમો ઉપર લગામ ખુબ જરૂરી બની છે.ત્યારે ગુજરાત સરકાર આ બાબતે હાલ સજાગ બની છે. જેને પગલે સમગ્ર રાજ્યમાં મહાનગર પાલિકા તેમજ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા વિવિધ સરકારી તેમજ ખાનગી એકમોને ફાયર સેફટી અંગે પૂરતી વ્યવસ્થા કરવા માટે નોટરી ફટકારવામાં આવી રહી છે. ત્યારે રાજપીપળા નગરપાલિકા એ પણ આળસ ખંખેરી નોટિસ આપવાનું શરૂ કરતાં આ એકમોમાં ફફડાટ ફેલાયો છે.
રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણાએ આ બાબતે રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આવતા 70 જેટલી સરકારી અને ખાનગી એકમોને નોટિસ આપી છે. સાથે જુદા જુદા એકમો માટે ફાયર સેફટી અંગે કઇ કઇ સુવિધાઓ ઉભી કરવાની છે. તે અંગે માહિતી પણ આપવામાં આવી છે.જેમાં હોસ્પિટલ, નર્સિંગ હોમ, હોટેલ,રેસ્ટોરન્ટ,કમ્યૂનિટી હોલ, મલ્ટિપ્લેક્સ, પેટ્રોલ પંપ,ઇન્ડસ્ટ્રીઝ, બહુમાળી મિલકતો,ટ્યુશન ક્લાસીસ, સરકારી કચેરીઓ સહિતના અને ક્ષેત્રફળને બાંધકામ ના આધારે ફાયર સેફટી વિશે આપેલી વિગતો મુજબ સુવિધાઓ ઊભી કરી અરજદારે ફાઇનલ એન.ઓ.સી માટે નગરપાલિકાને જાણ કરવાની રહેશે.ત્યારબાદ ચીફ ઓફિસર સુરત રિજીનલ ફાયર ઓફિસરમા અરજી મોકલશે. સ્થળ તપાસ બાદ સમય મર્યાદામાં અરજદારને જાણ કરવામાં આવશે તેવી વ્યવસ્થા કરાઈ છે. નિયમોનો ભંગ કરનાર સામે ધી ગુજરાત ફાયર રિવેનશન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ 2013 મુજબ કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જાણવા મળ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા