આ તીર્થ સ્થાન છે પ્રભુની કૃપા અને સદનસીબે આવા ધામની મુલાકાતની તક મળે છે -દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરા

આ તીર્થ સ્થાન છે પ્રભુની કૃપા અને સદનસીબે આવા ધામની મુલાકાતની તક મળે છે
-દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની ચરણ વંદના બાદ દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નનરનો ભાવભર્યો પ્રતિભાવ

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એચ.મુરલી ક્રિષ્ણા સહિત નર્મદા અને વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર અરોરાએ વિવિધ ચૂંટણીલક્ષી બાબતો અંગે કર્યો વિચાર-વિમર્શ

રાજપીપલા,તા4

દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા આજે ગુજરાત વન વિભાગના અધિક મુખ્ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટર ડૉ.રાજીવ ગુપ્તા સાથે ગુજરાતના તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદથી હેલીકોપ્ટર દ્વારા કેવડીયા હેલીપેડ ખાતે આવી પહોંચતા વડોદરાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલીની અગ્રવાલ, નર્મદાના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચુંટણી અધિકારી એચ.કે.વ્યાસ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડિંડોર અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે અરોરાનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને આવકાર્યા હતાં. આ પ્રવાસમાં અરોરા સાથે નાયબ ચૂંટણી કમિશ્નર ચંદ્રભૂષણ કુમાર, કેન્દ્રીય ચુંટણી આયોગ ખાતેના પીઆઇબીના એડીશનલ ડાયરેક્ટર જનરલ સુ શેફાલી શરણ અને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ.મુરલી ક્રિષ્ણા પણ સાથે જોડાયાં હતાં.

દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પ્રસંગે ખૂબ જ આદર અને સન્માન સાથે માથું ટેકવી સરદાર સાહેબની ચરણ વંદના કરી હતી. તે પછી તેમણે પ્રવાસન ધામ કેવડીયાના વિવિધ આકર્ષણોની મુલાકાત લીધી હતી.

આ પ્રતિમા નથી, સ્થાપત્યનો ચમત્કાર છે એવી લાગણી વ્યક્ત કરતાં શ્રી અરોરાએ જણાવ્યું કે, તેના લીધે આ સ્થળ તીર્થ ધામ બન્યું છે અને પ્રભુની કૃપા હોય અને સદનસીબીનો સાથ હોય તો જ આવા ધામની મુલાકાત શક્ય બને છે.

તેમણે કહ્યું હતું કે, અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય પણ અદભૂત છે. ૨૦૦૭ માં આ પ્રતિમાની પરિકલ્પના કરવામાં આવી એની યાદ અપાવતાં તેમણે જણાવ્યું કે, આ વિશ્વની સહુથી વિરાટ પ્રતિમા છે. ભારતને એકતાના સૂત્રે જોડનારા મહાપુરૂષની આ પ્રતિમા છે.

તેમણે ૧૯૪૫ થી ૧૯૫૦ વચ્ચે સરદાર સાહેબને જુદાં જુદાં મહાનુભાવોએ લખેલા પત્રોના સંકલિત ગ્રંથનું હાલમા તેઓ શ્રી દ્વારા થઇ રહેલા વાંચનને યાદ કરતાં તેમણે જણાવ્યું કે, તેઓ ખરેખર કર્મઠતાની પ્રતિમૂર્તી હતાં. મારી કલ્પના કરતાં પણ આ જગ્યા ક્યાંય વધારે અદભૂત છે, તેમ દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રી અરોરાએ વધુમાં ઉમેર્યું હતું.

આ મુલાકાત દરમિયાન દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ કેવડીયા ખાતે આરોગ્યવન, જંગલસફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ વગેરે સ્થળોની પણ મુલાકાત લઇ તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટરશ્રી ડૉ.રાજીવ ગુપ્તાએ આ મુલાકાત દરમિયાન ઉક્ત વિવિધ સ્થળોની વિગતવાર જાણકારીથી તેમને વાકેફ કર્યા હતા.

તસવીર: જ્યોતિ જગતાપરાજપીપળા