ગાંધીજી તેમના મૃત્યુ પછી પણ વિચારોથી જીવંત છે. લોકમાનસમાં એક જ ગાંધી નથી પણ અનેક પ્રકારના ગાંધી જીવી રહ્યા છે. સરકારી ગાંધી સાવ અલગ પ્રકારના છે. ગાંધીવાદીઓના ગાંધી અલગ છે. જડ માનસિકતા ધરાવતા લોકોના ગાંધી અલગ છે અને સોશિયલ મિડિયા સહિત જે ક્યારેય હતાં જ નહીં એવા ગાંધી અલગ….
આ બધામાં મૂળ ગાંધી તો ગેરહાજર છે. એમાં પાછા દરેક મહાનુભાવોના, વિવિધ વિચારધારાઓના કે મુન્નાભાઈ જેવી ફિલ્મના ગાંધી અલગ… આમ તો ગાંધીજીની પણ મોટી વૈચારિક રેન્જ હતી, એમનો એક નજરથી અભ્યાસ કરવો મુશ્કેલ….
ગાંધી જીવન એટલે,
બાળપણમાં અત્યંત ધાર્મિક માતા સાથે મંદિર જતી વેળા શીખવાડવામાં આવ્યું હતું કે “ઇશ્વર સત્ય છે”, જીવનના અંતિમ તબક્કામાં આ જ સૂત્ર “સત્ય જ ઇશ્વર છે” પર આવી ગયું… આમ ગાંધીજીવન યાત્રા એટલે, “ઇશ્વર સત્ય છેથી શરૂ કરીને સત્ય જ ઇશ્વર છે”ના પડાવો પર પૂર્ણ….
પોરબંદરમાં લાલજી ગાંધીથી વ્યવહાર શરૂ થયો, તેમની ત્રીજી પેઢીમાં ઉત્તમચંદ ગાંધી આવ્યા, સિદ્ધાંતવાદી અને નિતીવાન હોવાથી વહીવટી બાબતે રાજ્ય સાથે વાંધો પડ્યો. તેમના ઘર પર તોપમારો પણ થયો હતો. તેમણે જૂનાગઢ રાજ્યમાં નોકરી શરૂ કરી અને ડાબા હાથે સલામ મારી. સવાલ પૂછતા કહ્યું હતું કે જમણો હાથ પોરબંદર રાજ્ય પાસે છે….આ ઓતા બાપુના પાંચમા પુત્ર એટલે કરમચંદ ગાંધી.
કરમચંદ ઉર્ફે કબા ગાંધીના ત્રણ લગ્ન થયેલા, જેમાં બે પુત્રીઓ. ચાલીસ વર્ષની વયે ચોથા લગ્ન જૂનાગઢ પાસે દત્રાણાના પંદર વર્ષના અત્યંત ધાર્મિક એવા પૂતળીબાઇ સાથે….પુતળીબાઇને ચાર સંતાન… લક્ષ્મીદાસ, પુત્રી રતિયાળબા કે બાળ વિધવા હતાં અને આખી જિંદગી (90વર્ષ) ઘરમાં જ રહ્યા. ગાંધીજીએ પણ ઘણા પ્રયાસો કર્યા…ત્યારબાદ કરસનદાસ અને ચોથા આપણા મોહનદાસ… આમ ગાંધી તેમના પિતાની ચોથી પત્નીના ચોથા સંતાન…મા પૂતળીબાઇ ચૂસ્ત પ્રણામી સંપ્રદાયી..
ગાંધીજીના જીવનમાં ટોલ્સટોય, રસ્કિન, થોરો કે શ્રીમદ રાજચંદ્ર એટલા માટે આવ્યા કે તેમનું બાળપણથી ઘડતર જ મહાન હતું. થોડી બાળપણને સ્કૂલની વાતો કરીએ….
બાળપણમાં એક મિત્રને પોતાના ઘરે કેરીનો રસનું ભોજન માટે આમંત્રણ આપ્યું હતું, સંજોગોવસાત છેલ્લી ઘડીએ ભૂલી ગયા. આ ઘટનાથી ગાંધી અત્યંત દુ:ખી થયા હતાં. બધાની સમજાવટ છતાં આખી સિઝન કેરીનો ત્યાગ કર્યો હતો.
ગાંધીના શૈક્ષણિક જીવનનો પ્રારંભ પોરબંદરથી શરૂ થયો. રંભા નામની ઘરકામ કરતી બાઇએ અંધકારમાં ડર લાગતા પાંચ વર્ષના ગાંધીને રામનો મંત્ર આપ્યો અને આનંદજી અધ્યારૂ નામના શિક્ષકે રામરક્ષા સ્ત્રોત શીખવાડ્યો.
માતા નિયમિત હવેલી લઇ જતાં, પણ ગાંધી હવેલીથી ખાસ પ્રભાવિત ન થયા. કબા ગાંધી પોરબંદરથી રાજકોટ આવ્યું, અહીં ગાંધીનું શિક્ષણ શરૂ થયું. ઘરમાં અનેક લોકોની અવરજવર અને રાજકીય ચર્ચા વચ્ચે લોકમાનસને ઓળખવાના પાઠ ગાંધી તેમના પિતા પાસેથી શીખ્યા, પણ ચાર લગ્ન કરેલા પિતા સામે થોડો અણગમો પણ રહેલો.
૧૮૭૭ અને ૧૮૭૮માં પહેલું અને બીજું ધોરણનો અભ્યાસ કર્યો હતો.
રાજકોટમાં બ્રાન્ચ સ્કૂલમાં બીજા ધોરણમાં નપાસની નોંધ હોવા છતાં બધા વિષયમાં નપાસ ન હોવાથી આગળના ધોરણમાં તેમને ચડાવવામાં આવ્યા હતાં. બીજા ધોરણમાં તેઓ બિમાર હોવાની નોંધ પણ છે. ત્રીજા ધોરણમાં તાલુકા સ્કૂલમાં દાખલો લીધો. જ્યાં તેમની જન્મતારીખ 2.9.1869 નોંધ કરવામાં આવી હતી. ત્રીજું ધોરણ 110 દિવસની ગેરહાજરી સાથે 41.25% સાથે અને ચોથું ધોરણ 48 દિવસની ગેરહાજરી સાથે 53.50% મેળવી પાસ કર્યું. આજ સમયમાં ચામડીના રોગ ધરાવતા શિક્ષકને વિદ્યાર્થીઓને સ્પર્શવા નહીં એવું હિંમત સાથે કહ્યું હતું.
ગુજરાતી માધ્યમમાંથી અંગ્રેજી માધ્યમમાં જવા માટે ખાસ પરીક્ષા આપવી પડતી અને તે પછી પહેલેથી સાત ધોરણ અંગ્રેજી માધ્યમમાં ભણવા પડતાં, અંગ્રેજી સાતમું ધોરણ એટલે મેટ્રીક….
ચોથા ધોરણમાંથી અંગ્રેજી માધ્યમના કાઠિયાવાડ હાઇસ્કૂલમાં પહેલાં ધોરણમાં અઢારમા ક્રમે પ્રવેશ લીધો હતો. અંગ્રેજી માધ્યમમાં બીજા ધોરણમાં કસ્તુરબા સાથે લગ્ન થતાં પાછા અભ્યાસમાં નબળા પડ્યા હતાં. બીજા ધોરણમાં બે વર્ષ બગડતાં ત્રીજું અને ચોથું એક સાથે પૂરું કર્યું હતું.
છઠ્ઠા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં 49.4% સાથે પાસ થતાં બી.જે.મેડિકલ, અમદાવાદમાં સ્કોલરશીપ સાથે એડમિશન મળી ગયું હતું. તે સમયે મેડિકલ માટે અઢાર વર્ષ અને અંગ્રેજી પાંચમું ધોરણ પાસની લાયકાત જરૂરી હતી.
ગાંધીજીએ સાતમું ધોરણ એટલે કે મેટ્રિક અઢારમા વર્ષે અમદાવાદ સેન્ટરમાં આપી, જ્યાં 3067 વિદ્યાર્થીઓમાંથી 404મા ક્રમે 39.6% સાથે પાસ કરી હતી. ભાવનગર શામળદાસ કોલેજ જોઇન કરી, પણ ખાસ ન જામતા બ્રિટનમાં બેરીસ્ટરી કરવા નીકળ્યા. તેમની સ્કૂલમાં સન્માન સમારંભમાં બોલ્યા હતાં કે દેશ માટે શહીદ થઇશ….
વણિક સમાજમાંથી પ્રથમ કોઇ યુવક બ્રિટન જતાં નાતબહાર કરવામાં આવ્યા. આ જ સમાજે 1928માં મહાન વ્યક્તિ તરીકે સન્માન કર્યું હતું…
બ્રિટનમાં કાયદાનો અભ્યાસ સારી રીતે કરી શકાય તે માટે ફરીથી લેટિન અને ફ્રેન્ચ ભાષા સાથે મેટ્રિકની પરીક્ષા આપી હતી, જેમાં પહેલીવાર નપાસ થયા પણ બીજો પ્રયત્ન સફળ રહ્યો…તેમણે જ્યાંથી બેરીસ્ટરી કરી ત્યાંથી સરદાર અને નેહરૂએ પણ અભ્યાસ કર્યો હતો….
લેખન અને સંકલન
Deval Shastri🌹