મા ની મમતા ક્યારેય વસુકતી નથી.-મિત્તલ ખેતાણી.રાજકોટ

મા ની મમતા ક્યારેય વસુકતી નથી

સંતાન નાનું હોય કે મોટું ફરક કરતી નથી
મા ની મમતા ક્યારેય વસુકતી નથી

જે રાહ જુએ છે સદા એ મા હોય છે
બાળકને જમાડ્યાં પહેલાં જમતી નથી

ઈશ્વર તો ફક્ત છે નબળી નકલ મા ની
ઈશ્વરની ય મા પાસે કોઈ ગણતરી નથી

નબળું બાળક હોય છે મા ને વધુ વહાલું
વહેવારીક ગણીતને મા સમજતી નથી

શરીર દાટો કે કરો ભલે અગ્નિ સંસ્કાર
મા તો મા છે, મા ક્યારેય મરતી નથી

પિતૃ નડે છે એ સદંતર ખોટી કથા છે
મર્યા પછી ય ઉગારે,મા કદી નડતી નથી

અભિનય પણ કરવો અશક્ય છે મા નો
મા ની જોડ આખાં બ્રહ્માડમાં મળતી નથી

સંકટ સમયે ખોળો કે છબી સદા હાથવગી
મૃત્યુ પછી ય મા સંતાનને વીસરતી નથી

મા હોય છે વિશ્વમાં બધાંની એક સરખી
પશુ પક્ષીઓની મા ય બચ્ચાને ભૂલતી નથી

જીતવા માટે સતત પ્રેરતી હોય છે મા પણ
જગ હારી આવેલ સંતાનને ય વઢતી નથી

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’ માં થી