જીવન તરંગાત્મક છે એટલે જ જીવન છે. – શિલ્પા શાહ ડીરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

ગઈકાલે સાંજે રેગ્યુલર વોકના સમયે એક સહેલી મળી. સામાન્ય વાતચીત દરમિયાન મને સમજાયું કે તે થોડી દુઃખી હતી. મને કહે જીવનમાં શાંતિ નથી. થોડા દિવસ સારા જાય છે અને ફરી પાછી કોઇ ઉપાધિ જીવનને ઘેરી લે છે. પતિદેવનો મૂડ પણ સ્ટોકમાર્કેટના ટ્રેન્ડ જેવો રહે છે, ક્યારેક ખુશમિજાજ અને ક્યારેક ડલ. મેં કહ્યું તારું દુઃખ છે શું? તારા જીવનમાં કમી શું છે? કોઈ જ સમસ્યા ન હોવા છતાં માત્ર લાઈફના અપ-ડાઉનથી પરેશાન છે? તો કહે હા જીવનમાં જરૂરી ઠહેરાવ નથી. સતત અવિરત સુખ-શાંતિ નથી. ક્યારેક આનંદ તો ક્યારેક પરેશાની આ જ રીતે જીવનના કેટલાય વર્ષો વીતી ગયા પરંતુ કશું જ બદલાતું નથી. જીવનમાં હર્ષ-શોક, સુખ-દુઃખનું ચક્ર ચાલ્યા જ કરે છે. વાતને આગળ ચલાવતા મેં કહ્યું જીવનની તરંગાત્મક લાક્ષણિકતાથી તું પરેશાન છે કે જીવનની કોઈ અંગત પરેશાનીથી? કેમ કે મને લાગે છે તારા જીવનમાં વાસ્તવમાં કોઇ પરેશાની કે સમસ્યા છે જ નહીં. માત્ર જીવનને તેના વાસ્તવિકરૂપમા તે ઓળખ્યું ન હોવાને કારણે જીવનની સ્વાભાવિકતા પણ તને અસ્વાભાવિક અને અયોગ્ય લાગે છે.
આ તો રોલરકોસ્ટર રાઇડ પાસે તે સીધી સીધી ચાલે એવી અપેક્ષા રાખવા જેવી વાત છે. એવું બને ખરું? અને જો કદાચ શક્ય બનાવીએ તો પણ તેમાં મજા આવે ખરી? એમ્યુઝમેન્ટ પાર્કમાં મોટાભાગના લોકોને રોલરકોસ્ટર જેવી રાઈડને માણતા જોઈ તને એવું નથી લાગતું કે તે એક્સાઇટમેન્ટ પાછળ મૂળભૂત પરિબળ તેના અનયુઝવલ અપ્સ એન્ડ ડાઉન્સ છે. જેના કારણે જ તેની બ્યુટી છે, તેની માંગ છે, તેમાં ઉત્સાહ અને excitement છે. જો તેમાં અનયુઝવલ મુવ્સ ન હોય તો લોકો તેને પસંદ કરે ખરા? તો કહે હા વાત સાચી છે પરંતુ રોલરકોસ્ટરને આપણે પોતાની ઇચ્છાથી આનંદ માટે પસંદ કરીએ છીએ એટલે તેના અપ-ડાઉન આનંદ આપે છે. પરંતુ એ જ તર્ક જીવનને લાગુ નથી પડતો. મેં કહ્યું જો આપણે જીવનને પોતાની ઇચ્છાથી જ પસંદ કર્યું હોય તો તેના અપ્સ એન્ડ ડાઉન્સ માફક આવવા જોઈએ. આપણા જીવનને આપણે આપણી નહીં તો કોની ઇચ્છાથી મેળવ્યું છે? જો અન્યની ઈચ્છાથી આ જીવન આપણે જીવી રહ્યા છીએ તો તેનો અંત કે પરિવર્તન તો આપણા જ હાથમાં છે. તે ક્યારેય ECG (electrocardiography)મશીનને કાર્યરત જોયું છે?તેની ગતિ વિષે તું માહિતગાર ખરી? જે હ્રદયની અંદર થતી ઇલેક્ટ્રિક ગતિવિધિને માપે છે? તેમાં જીવનને તરંગાત્મક બતાવવામાં આવે છે અને આપણે સૌ જાણીએ છીએ કે સીધી રેખા મૃત્યુનો સંકેત કરે છે. કોઈ દર્દીની સ્થિતિનો અભ્યાસ કરતી વખતે થોડી સેકંડ માટે પણ જો તે રેખા ઉપર નીચે થતી બંધ થવા માંડે એટલે કે સીધી થવા માંડે તો બધા ટેન્શનમાં આવી જાય છે. એનો અર્થ એ થયો કે તરંગાત્મક હોવું એ જ જીવનની લાક્ષણિકતા છે અને એમાં જ તેનો ખરો આનંદ છે. જો એ તરંગાત્મક નથી તો એ જીવન નથી.
આટલી સ્વાભાવિક વાત જો ના સમજાય તો જીવન દુઃખમય જ બને એ સ્વાભાવિક છે. આ તો મરચું ખાવું છે પરંતુ શરત એ છે કે તે તીખું ન હોવું જોઈએ, એવું કેવી રીતે બને? કેમ કે તીખાશ એ તો તેની ખાસિયત કે વિશિષ્ટતા છે. વળી એનામાં રહેલા વિશિષ્ટ તત્વો જે આપણા માટે ફાયદાકારક છે તે તેની તીખાશને આભારી છે. તીખાશ વગરનું મરચું જો જોઈતું હોય તો પછી મરચું મેળવવાની અપેક્ષા શા માટે? તેને બદલે કાકડી ખાઈ શકાય, પણ ના આપણને જોઈએ છે મરચું પણ હોવું જોઈએ કાકડી જેવું, આ તે કેવી વિચિત્રતા? મેં વાતને આગળ વધારતા કહ્યું કે તે મને શરૂઆતમાં કહ્યું કે મારા પતિનો મૂડ સ્ટોકમાર્કેટ જેવો છે તો મને તને એક વાત કહેવાની ઇચ્છા થાય છે કે તને નથી લાગતું કે તે અતિ આવશ્યક છે. જીવનમાં કોઈ સતત તમને મરચા ખવડાવે તો કેવું લાગે? સતત કડવા કારેલા જ ખાવાનો વારો આવે તો જીવન કેવું બની જાય અને સતત આહારમાં કોઈ મીઠાઈ જ આપ્યા કરે તો મજા આવે ખરી? એ જ રીતે ચોવીસ કલાક એકસરખો મૂડ (સારો તો અવિરત જીવનભર સારો અને ખરાબ તો જીવનપર્યંત ખરાબ) જીવનને કેવું બેરંગી બનાવે તેનો કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? જીવનનો ખરો આનંદ જ વિભિન્નતા છે, ચેન્જમાં છે એટલે તો આપણે જીવનમાં સતત પરિવર્તન ઈચ્છીએ છીએ. એકધારી જીવાતી લાઇફમાં તહેવારો, વેકેશન, અલગ-અલગ શોખ જીવનમાં ચેન્જની મહત્તાને સમજાવે છે. જે થાકતા-હારતા જીવનને ફરી ઉત્સાહ અને ઊર્જાથી ભરી દે છે. તો એ જ તર્ક સંબંધોમાં શા માટે નહીં? તને ખબર છે સ્ટોકમાર્કેટમાં તેજી-મંદી જેવી સાયકલ ઉદભવે જ નહીં તો તને લાગે છે સ્ટોક માર્કેટમાં બિઝનેસ કરવાની, કામ કરવાની મજા આવે ખરી? શેરબજારમાં જે એક્સાઇટમેન્ટ છે, બિઝનેસનો આનંદ છે, રમવાની જે મજા છે તે તેના અપ્સ-એન્ડ-ડાઉન્સ ટ્રેન્ડને આભારી છે. જો સતત તેજી જ રહે અથવા સતત મંદી જ રહે તો બિઝનેસ કે મૂડીરોકાણ પ્રવૃત્તિ શક્ય બને ખરી? વાસ્તવમાં શેરબજાર સાથે સંબંધ ધરાવનાર જાણે છે કે જ્યારે મંદી હોય ત્યારે ધીરજ રાખી, સ્વસ્થતા સાથે આવનાર સારા દિવસો (એટલે તેજી)ની કલ્પના સાથે ખૂબ જ સ્માર્ટલી સ્ટ્રેટેજી બનાવવાની આવશ્યકતા રહે છે. જે વ્યક્તિ મંદીના સમયમાં યોગ્ય સ્ટ્રેટેજી બનાવે, ધીરજ અને શ્રદ્ધા સાથે તમામ નેગેટિવિટીને દૂર કરી, સ્માર્ટ સીસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ કરતો રહે તેને તેજીના દિવસોમાં રાજા બનતા કોઇ રોકી શકતું નથી. એ જ લોજીક જીવનને પણ લાગુ પડે છે. ખરાબ સમયમાં સ્થિર રહેનાર, ઉત્તમ ભવિષ્યની કલ્પના સાથે ખૂબ શ્રદ્ધા અને ધીરજપૂર્વક ઉત્તમ કાર્યો કરનારની ઉજ્જવળ ભવિષ્ય રાહ જોતું જ હોય છે. કેમ કે સુખ-દુઃખ, હર્ષ-શોક, તેજી-મંદી વગેરે જીવનના સ્વાભાવિક તરંગો છે અને જીવનનો ખરો આનંદ તેના તરંગોને કારણે જ છે. એટલા માટે જ આપણને રોલરકોસ્ટર, ટોરાટોરા જેવી રાઈડમાં સામાન્ય સીધી-સીધી ચાલતી રાઈડ કરતાં વધુ આનંદ આવે છે. જેમને સ્થિરતા પસંદ છે તેમણે તો મેં અગાઉ કહ્યું તે મુજબ ECG મશીનની સીધી લીટીને પસંદ કરવી પડે. કેમ કે જો જીવનને પસંદ કરો છો તો તેના મૂળભૂત તરંગાત્મક અસ્તિત્વને પસંદ કરવું જ પડે. આ તો જીવન જોઈએ છીએ પણ તેમા તરંગ ન હોવા જોઈએ એ શરતે એવું કેવી રીતે બને ? કેમ કે તે તો મૃત્યુની લાક્ષણીકતા છે. આ તો મરચા પાસે કાકડીના ગુણની અપેક્ષા રાખવા જેવી વાત છે. જોઈએ છીએ જીવન પરંતુ મૃત્યુ જેવું (નિરસ, તરંગો વગરનું સીધી લીટીનું) એ કદી શક્ય ન બને અને જો શક્ય બને તો પણ એમાં આનંદ કેવી રીતે સંભવે? પરંતુ આપણું અજ્ઞાન એ હાઈટનું છે કે ખૂબ બુદ્ધિશાળી હોઈએ એ રીતે આપણે કહીએ છીએ કે એવું કેમ ન બને? હવે કહો એમને કોણ સમજાવે કે કારેલું કડવું ન હોવું જોઈએ એવી અપેક્ષા રાખવાથી સમસ્યાનું નિવારણ શક્ય ન બને. વાસ્તવિક સમજણ કેળવવી જ પડે કે કારેલું કડવું જ હોય અને કારેલું ખાવું એ તમારી જરૂરિયાત છે તો કડવાશની આદત પાડવી જ રહી, કડવા સ્વાદને પણ માણતા શીખવો જ રહ્યો. અથવા તેને સંપૂર્ણ સમજણ સાથે છોડવાની નૈતિક હિંમત ભેગી કરવી પડે. પણ આ તો જોઈએ છે બધું પરંતુ પોતાની શરતો પર જે કુદરતની નૈસર્ગિક દુનિયામાં શક્ય નથી કેમ કે અહીં તો બધું પરમાત્માના પ્રકૃતિના નિયમો અનુસાર જ ચાલે છે. જ્યાં મરચું તીખું, કારેલું કડવું અને મીઠાઈ ગળી જ રહેવાની અને સમયે-સમયે આવા વિભિન્ન સ્વાદોનો કોમ્બો પેક જ જીવનને સતરંગી બનાવી શકે. વધુ મીઠું ખવાઈ જાય તો તીખું ખાવાની ઈચ્છા થતી જ હોય છે. એટલી જ સહજતા જીવનમાં હર્ષ-શોક, સુખ-દુઃખ માટે રાખવી પડે. આપણે સૌ જાણીએ છીએ કે અતિશય ગરમીમાં તપ્યા પછી જ AC આનંદ આપતું હોય છે. જ્યાં સુધી ગરમીનો અહેસાસ નથી ત્યાં સુધી એસીમાં મજા કેવી રીતે આવે? જો એસીનો આનંદ જોઈએ તો ગરમીમાં તપવું આવશ્યક છે અને જો એસી નથી ગમતું તો ગરમીને એન્જોય કરતા શીખવું પડે અથવા મનથી ગરમી (દુઃખ) અને એસી (સુખ) બંનેને દૂર કરવા પડે. જો સુખની અપેક્ષા છે (એસી જોઈએ છે) તો દુઃખ સહન (ગરમી સહન) કરવું પડશે કેમ કે તે જ નૈસર્ગિક શરત છે. વાગ્યા વગર દવા આનંદ કેવી રીતે આપી શકે? જીવનને રોલર કોસ્ટર રાઇડની જેમ એન્જોય કરો સ્વર્ગ અહી જ છે અને જેને રોલરકોસ્ટર માફક નથી આવતું એના માટે વૈરાગ્યનો ઉત્તમ રસ્તો તો છે જ. પસંદગી તમારી છે. વૈરાગ્યનો પોતાનો એક અલગ આનંદ છે અને રોલરકોસ્ટરનો એક અલગ અંદાઝ છે. બંનેને ભેગા ન જ કરી શકાય. કેમ કે વૈરાગ્યમાં એક ઠહેરાવ છે, સ્થિરતા છે, સ્વયંસિદ્ધ આનંદ છે (સાધન વગર આનંદ). જેણે દુઃખથી છૂટવું છે તેણે સુખ તો છોડવું જ રહ્યું. જેને સુખ જોઈએ છે તેણે દુઃખને પણ માણતા શીખવું પડશે, આ સિવાય કોઈ રસ્તો નથી. નવો અશક્ય રસ્તો શોધવામાં સમગ્ર જીવન બરબાદ કરવું એના કરતાં કોઈ એક સહજ પ્રાપ્ય રસ્તો પસંદ કરી તેના પર ચાલવાનો આનંદ લેવો વધુ હિતાવહ છે. તમારે જો બંને જોઈતું હોય તો એક અન્ય રસ્તો શાસ્ત્રોએ દર્શાવ્યો છે ચાર આશ્રમને (બ્રહ્મચર્યાશ્રમ-ગૃહસ્થાશ્રમ-વાનપ્રસ્થાશ્રમ-સન્યાસાશ્રમ) તેના સમય અનુસાર તબક્કાવાર ભોગવવો. જેમાં યોગ્ય સમયે રોલરકોસ્ટરનો આનંદ લઇ યથાયોગ્ય સમયે ઇચ્છાથી તેને છોડી દેવું એ જ અવિરત શાંતિનો માર્ગ છે અથવા જ્યારે-જ્યારે કંટાળો આવે ત્યારે ક્ષણિક રોલરકોસ્ટરનો આનંદ લઇ આગળના જીવનમાં ઉત્સાહનો સંચાર કરતા રહેવું. આમ પણ જીવનના આ તમામ તરંગો વાસ્તવમાં પરમાત્માની પાઠશાળા છે જ્યાં પળે-પળે કંઈક શીખવાનું છે. પરંતુ આ પાઠશાળા થોડી વિચિત્ર છે અહી પહેલા પરીક્ષા લેવાય છે એટલે કે ઠોકર વાગે છે અને પછી શીખવા મળે છે. એ દ્રષ્ટિએ દરેક ઠોકરે કંઈક શિખવું રહ્યું.
જે તળિયે રહેવાનો આનંદ લઈ શકે છે તેને જ આકાશની ઉંચાઇ આનંદ આપી શકે છે અને એ જ આકાશની ઊંચાઇ પામી શકે છે એ કદી ન ભૂલવું. કેમ કે ઊંચાઈનો અહેસાસ સતત ઊંચાઈ પર રહેનારને થવો અશક્ય છે. એ અહેસાસ તો થોડો સમય તળિયે રહેનાર માટે જ શક્ય છે. ટૂંકમાં જીવનના તરંગોને સમજો અને માણો કેમ કે જીવન તરંગાત્મક છે એટલે જ જીવન છે.