તિલકવાડા ના વજેરીયા ગામ ની દરગાહ સામે આવેલ વળાંક પાસે રોડ ઉપર બે મોટરસાયકલ વચ્ચે નડેલા અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત,ત્રણને ગંભીર ઈજા.
રાજપીપળા,તા.25
તિલકવાડા ના વજેરીયા ગામ ની દરગાહ સામે આવેલ વળાંક પાસે રોડ ઉપર બે મોટરસાયકલ વચ્ચે નડેલા અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણને ગંભીર ઈજા થવા પામી હતી.આ અંગે તિલકવાડા પોલીસ મથકે ફરિયાદી કુબેરભાઈ ભાઈજીભાઈ બારીયા (રહે ફતેપુર, વજી ) એ આરોપી હોન્ડા કંપનીની મોટરસાયકલ નંબર જીજે 34 એફ 4649 ચાલક અનિલભાઈ રણછોડભાઈ રોહિત (રહે, નસવાડી તા.નસવાડી જિ. છોટાઉદેપુર )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ હોન્ડા કંપનીની સીડી 110 મોટરસાયકલ નંબર જીજે 34 એફ 4649 ની પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા ફરિયાદી કુબેરભાઈના પુત્ર મુકેશભાઈની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે અથાડી અકસ્માત કર્યો હતો જેમાં કુબેરભાઈના દિકરા મુકેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતું. તથા મોટર સાયકલ પાછળ બેઠે સુધાબેન અને જમણી આંખના, કપાળના ભાગે ઈજા થઈ હતી. તથા કરણભાઈને જમણા કાન પાસે ઇજા પહોંચાડી તથા પોતાને પણ ઈજા પહોંચી હતી. તિલકવાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા