દેશભરમાં ઓઇલ સપ્લાય કરતી કંપનીઓની પાઇપ લાઈનમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર મુખ્ય આરોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી
*અમદાવાદ* દેશભરમાં ઓઇલ સપ્લાય કરતી કંપનીઓની પાઇપ લાઈનમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર મુખ્ય આરોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. 22 ગુના આચરી અલગ અલગ રાજ્યોમાંથી આરોપીએ 500 કરોડથી વધુ ઓઇલ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી દુબઈથી મુંબઈ પહોંચ્યો ત્યાં જ એટીએસે ઝડપી પાડ્યો હતો.
દેશના અલગ અલગ રાજ્યોમાં 22 જેટલી ઓઇલ લાઈનોમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર મુખ્ય આરોપી સંદીપ ગુપ્તાની ગુજરાત એટીએસ મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી છે. આરોપી રાજસ્થાન બિયાવર ,પશ્ચિમ બંગાળમાં કોલકાતા તથા વર્ધમાન નગર, બિહાર જમુઈ, રોહતક, ગોહાના અને ચિત્તોડગઢમાં ઓઇલ ચોરીના ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત એટીએસ અને મોરબી એસ.ઓ.જી વાંકાનેરમાં કરેલ રેડમાં પણ આરોપી સંદીપ ફરાર હતો.
સંદીપે પૂછપરછમાં તાજેતરમાં 6 જેટલા પંચર કરી કરોડોની ઓઇલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે. આરોપી સંદીપ ગુપ્તાની પૂછપરછમાં મોડ્સ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે. આરોપી ઓઇલ લાઈનમાં પંચર કરવા 300-400 મીટર પોતાની લાઇન નાખતો હતો. લાઇનની નજીકમાં ગોડાઉન અથવા જગ્યા ભાડે રાખી કન્ટેનરની અંદર ટેન્કરની ટાંકી ફીટ કરી ચોરી કરેલ ઓઇલ વેચાણ કરતો હતો. તાજેતરમાં 6 જેટલા ગુનાઓમાં નામ ખુલતા ઓગસ્ટ મહિનામાં દુબઈ ફરાર થયો હતો.
આરોપી વિરુદ્ધ કલમ 70 મુજબ વોરન્ટ ઇસ્યુ થયું હતું. આરોપી મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ એટીએસને માહિતી મળી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં રાજસ્થાન પોલીસે ઓઇલ ચોરી કેસમાં સંદીપ ગુપ્તાની ધરપકડ કરી હતી. તે 10 મહિના જેલમાં રહ્યા પછી સંદીપે કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરી હતી. અલગ અલગ પોલીસ મથકોમાં આરોપીના 25થી વધુ કન્ટેનર પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા છે. સાથે સાથે આરોપીની દિલ્હી અને મુંબઈમાં વસાવેલી મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરાશે. આરોપી સંદીપની પૂછપરછ બાદ કરોડો રૂપિયાની ઓઇલ ચોરીમાં અન્ય કેટલા સાગરિતોના નામ બહાર આવશે.