કાળ ના ભૂલાય જે કપરો હતો,
જીવવાનો કીમિયો અઘરો હતો.
આંખથી છલકી ગયો પળવારમાં,
એ ઉમળકો માત્ર હા ઉભરો હતો
છેક ઊંડા મૂળ નંખાયાં હતાં,
આપણો સંબંધ શું છીછરો હતો?
તું નકારી શબ્દ જે બોલી ગઈ,
શબ્દકોશે શોધવો અઘરો હતો.
ઓસ બુંદો ફૂલનાં આંસું હતાં,
ફૂલને છોડી ગયો ભમરો હતો.
છોડ તું પ્રકરણ હવે, આ પ્રેમમાં
ઉલ્ફતોનો એક ના ફકરો હતો.
લાખ યત્ને પણ સફળતા ના મળી,
મંઝિલોની વાટમાં પથરો હતો.
– © દેવેન ભટ્ટ (૦૯/૦૧/૨૦૨૧)