ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. જે લોકોને આ રોગની સમજ કે જાણકારી નથી, તે પેનિક થઇ રહ્યાં છે તથા અન્યને પણ ગભરાવી રહ્યાં છે. આ રોગના કેટલાક દર્દીઓ ઘણા રાજ્યોમાં મળી આવ્યા છે. જો કે, યુકેની પબ્લિક હેલ્થ સોસાયટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસથી થોડી ચિંતા ઓછી થઈ છે.
આ રોગ વિશે કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે, નવા વાયરસ જૂના જંતુઓ કરતાં વધુ જીવલેણ નથી. જો કે, તેનો ફેલાવો પહેલા કરતા ઝડપથી થાય છે. આથી આરોગ્ય નિષ્ણાતોએ ગભરાવાની જરૂર નથી એવી સલાહ આપી છે.
આ અંગે ભારતના એઈમ્સના ભૂતપૂર્વ નિર્દેશક એમસી મિશ્રાએ જણાવ્યું છે કે આ અધ્યયનમાં 3600 લોકો શામેલ હતા. આ દર્દીઓને બે વર્ગમાં વહેંચાયા હતા. એક વર્ગમાં જૂના સ્ટ્રેન વાળા દર્દીઓ હતા, જ્યારે બીજા વર્ગમાં નવા સ્ટ્રેનની પકડમાં હતા. વિશેષ વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં દર્દીઓમાંથી ફક્ત 42 દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમાં જૂના સ્ટ્રેનવાળા 26 દર્દીઓ હતા અને નવા સ્ટ્રેનવાળા દર્દીઓ 16 જ હતા. આ બતાવે છે કે આ વાયરસ ઓછો જીવલેણ છે.
આથી હવે ,હાલમાં જ ભારતે કોરોના વાયરસના નવા જંતુઓના ભયથી લાદવામાં આવેલી યુકેની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. 8 જાન્યુઆરીથી યુકેથી ફ્લાઇટ ફરી શરૂ થશે. જો કે, ઘણા દેશોમાં હજી પણ હંગામી ધોરણે ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે.