બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત યોજાયેલી કન્વર્ઝન્સ બેઠક.
બેઠકમાં મહિલા બ્રાન્ડ એમ્બેસેડર ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં મહિલા ચેમ્પીયનની પસંદગી માટે કારાયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણા.
કોરોના મહામારી ને અનુલક્ષીને કોવીડ 19 ની માર્ગદર્શિકા પુસ્તક પાલન સાથે કાર્ય યોજનાના અમલ માટે ખાસ કાળજી રાખવાની કરાયેલી તાકીદ.
રાજપીપલા તા 19
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમના અધ્યક્ષપદે જિલ્લા પંચાયત ભવન ખાતે બેટી બચાવો-બેટી પઢાવો યોજના અંતર્ગતની કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત સરકારી વિભાગો સાથે યોજાયેલી કન્વર્ઝન્સ બેઠકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની સાથોસાથ આ યોજનાના અમલીકરણમાં સંબંધિત અન્ય સરકારી વિભાગો સાથેના પરસ્પર સુચારૂ સંકલન દ્વારા બાબતે પરિણામલક્ષી સિધ્ધિ હાંસલ થાય તે જોવા પર ખાસ ભાર મૂકાયો હતો.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજસ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ, યુવા વિકાસ અધિકારી પી.બી.હાથલીયા, મહિલા અને બાળ અધિકાર હસીનાબેન મન્સુરી ઉપરાંત માહિતી, શિક્ષણ, આઇસીડીએસ વગેરે જેવા સંબંધિત વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિ માં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમે હાલની કોરોના મહામારીને અનુલક્ષીને કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાના ચૂસ્ત પાલન સાથે કાર્ય યોજનાનો અમલ થાય તેની ખાસ કાળજી રાખવાની તાકીદ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમે લોકલ ચેમ્પીયનની પસંદગી બાબતે જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, રમત-ગમત, આઇસીડીએસ વગેરે જેવા વિભાગોમાં નોંધપાત્ર કામગીરી સાથે રાષ્ટ્રીય-રાજ્યકક્ષાએ પારિતોષિક કે કોઇ વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ હોય તેવી મહિલા પ્રતિભાઓની યાદીઓ મેળવીને તેમાથી યોગ્ય ઉમેદવારની ચેમ્પીયન તરીકે પસંદગી કરવાનું પણ સૂચન કર્યુ હતું.
આ બેઠકમાં નર્મદા જિલ્લામાં બેટી બચાવો-બેટી પઢાવો યોજના અંતર્ગત બાળ લગ્ન અટકાવવા, દિકરીઓની સ્ત્રીભ્રૃણ હત્યા અટકાવવા, દિકરીના જન્મને વધાવવા, દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા, મહિલા સશક્તિરણને વેગ આપવા સહિતના શિક્ષણ, આરોગ્ય વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં સામાજિક જાગૃત્તિ કેળવવા માટે શિક્ષણ, ખેલકૂદ, આરોગ્ય, કલા-સાંસ્કૃતિક વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ હોય તેવી દિકરીની ઉકત યોજના માટે જિલ્લાકક્ષાએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની પસંદગી કરવા અંગે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
તસવીર:જયોતિ જગતાપ, રાજપીપળા