ગ્રામજનોએ અભ્યાસમાં કરી હતી મદદ, વર્ષો વિત્યા બાદ પણ ગામનું ઋણ ચૂકવે છે અમરતભાઈ.

અમદાવાદ: સાહેબ, મારા પિતા મરણ પથારીએ હતા, ત્યારે મારા હાથમાં ચિઠ્ઠી મૂકી બોલ્યા બેટા આ ગામના લોકોએ તને ભણાવવા માટે રૂ.29,600 આપ્યા છે માટે તેમનું ઋણ ચૂકવજે. પિતાએ આપેલી ચિઠ્ઠી જોઈ મને આશ્ચર્ય થયું કે, અમે જે ગામના ન હતા તે ગામના લોકોએ મને ભણાવવા આર્થિક મદદ કરી. પિતાના મૃત્યુ બાદ તરત રેલ્વેમાં ‘લોકો પાઇલોટ’ (ટ્રેઈન ડ્રાઈવર) તરીકે નોકરી લાગ્યો હતો. મનમાં એક સવાલ હતો કે, જો ગામ લોકોએ મદદ ના કરી હોત તો હું ભણી ના શક્યો હોત, બસ એ દિવસથી નક્કી કર્યું આ સમાજનું ઋણ અદા કરીશ.

આ શબ્દો નરોડાની ઉત્તમનગર કેનાલ પાસે નારાયણનગર સોસાયટીમાં રહેતાં અમરતભાઈ નાનજીભાઈ પટેલના. તે નથી શિક્ષક કે, નથી ઉદ્યોગપતિ છતાં પોતાના પગારમાંથી વિદ્યાર્થીઓની ફી ભરી ને વિદ્યાદાન કરી રહ્યા છે.

અમરત પટેલ વિરમગામ તાલુકાના નાના ઉબડ ગામના વતની હતા. દારુણ ગરીબીમાં જીવતા પિતા નાનજીભાઈ પૈસા કમાવા માટે નજીકના હીરાપુર ગામે પરિવાર સાથે રહેવા ગયા, પણ ત્યાં કઈ જામ્યું નહી. આખરે કડી તાલુકાના ઝાલાસર ગામે નાનજીભાઈએ પરિવાર સાથે વસવાટ કર્યો હતો.
પુત્ર અમરત ભણવામાં હોશિયાર હતો પણ આગળ પુત્રને ભણાવી શકે તેવી પિતાની ત્રેવડ ન હતી. ધો.10માં સારા માર્ક્સ સાથે પાસ થયેલા અમરતને વિદ્યાનગર ખાતે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા મોકલવાનો ખર્ચ માસિક રૂ.600 હતો જ્યારે નાનજીભાઈની આવક માત્ર રૂ.200 હતી.

• ગામ લોકોએ અમરત પટેલને ભણાવવા ફાળો ઉઘરાવ્યો

ગામ લોકોએ નાનજીભાઈને હિંમત આપી પુત્રને ભણાવવા માટે કહ્યું. આ માટે ફાળો ઉઘરાવ્યો હતો. અમરત પટેલે અભ્યાસ પૂરો કર્યો, ત્યાં પિતા મરણ પથારીએ પડ્યા હતા.તે સમયે પુત્રને રૂ.29,600નું લખાણ આપી ગામનું ઋણ ચૂકવવા માટે પિતાએ કહ્યું હતું.

• 1987માં રેલવેમાં નોકરી લાગ્યા પૈસા ચૂકવ્યા

કરીશ.

• શરૂમાં કૌટુંબિક જવાબદારીમાં મૂડી વપરાઈ

અમરતભાઈએ ધ્યેય નક્કી કર્યો, પણ શરૂમાં ભાઈ બહેનના અને પોતાના લગ્ન તેમજ જિયાણા, મામેરા સહિતની જવાબદારીમાં પૈસા વપરાયા હતા. તે સમયે અભ્યાસ માટે બાળકોના વાલીઓને મદદ કરતા પણ જોઈએ એવી નહોતા કરી શકતા.

• પગાર 2 લાખ થયો બાળકોની ફીની જવાબદારી લેવાની શરૂ કરી.

અમરતભાઈ જણાવે છે કે, 33 વર્ષથી નાની મોટી ફી ભરી બાળકોને અભ્યાસમાં મદદરૂપ થતો હતો. 10 વર્ષ પહેલાં જ મેં મારું મકાન નરોડા રોડ પર લીધું હતું. પગાર વધતો ગયો તેમ-તેમ બાળકોની ફીની જવાબદારીઓ ઉપાડતો ગયો હતો. અત્યાર સુધી 30 થી 35 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થયાનો મને આનંદ છે.

• 5 વિદ્યાર્થીને લેપટોપ આપ્યા છે

દીકરા-દીકરીના માતા-પિતાએ અભ્યાસની જરૂરિયાત અંગે જે વસ્તુની જરૂરની વાત કરી હોય તે પુરી પાડવાનો પ્રયાસ કરું છું. મેં 5 વિદ્યાર્થીને લેપટોપ અભ્યાસ કરવા આપ્યા છે. મારી પાસે પૈસા ન હોય તો મિત્રો જોડેથી ઉધાર લઈ વિદ્યાર્થીને મદદ કરું બાદમાં જે તે મિત્રને પગાર આવે એટલે પૈસા દઉં છું.

• છેલ્લા 15 દિવસમાં 2.70 લાખ ભર્યા છે

મેં છેલ્લા 15 દિવસમાં ફિલિપાઈન્સમાં અભ્યાસ કરતી ગુજરાતી દીકરી અને MBBSમાં અભ્યાસ કરતા દીકરાના વાલીઓના કહેવા મુજબ 2.50 લાખ રૂપિયા બન્નેની ફી ભરી છે. તેમજ એક દીકરીની ધો.11ની ફી બાકી હતી જે રૂ.19 હજાર ચૂકવી છે. મને તેનો આનંદ છે. હજુ ત્રણ બાળકોના પેન્ડિંગ કેસ મારી પાસે છે. જેમા એક વિધાર્થીને એક લાખ ફી ભરવાની છે. મેં તેના માતા પિતાને જરૂર પડે તો કહેજો હું પૈસા ભરી દઈશ તેમ જણાવ્યું છે. એક બાળક માટે લેપટોપ પણ લેવાનું છે.

• અમરતભાઈનો પગાર રૂ.2 લાખ પણ ઘર ગીરવે

અમરતભાઈ કહે છે કે, મારા દીકરાના MBBSના એડમિશનમાં મારા પૈસા ફસાઈ ગયા હતા. મેં લોકો પાસેથી લઈ એડમિશન ફી ભરી હતી. જે રકમ મેં મકાન મોર્ગેજ કરી ચૂકવી હતી. આ ઘર છોડાવવા પૈસા ભેગા થાય ત્યાં કોઈ જરૂરિયાતવાળા વાલી આવી જાય તો ફી પહેલા ભરી દઉં છું. મકાન તો છોડાવાશે અભ્યાસ વગર કોઈ દીકરો કે દીકરી ના રહેવા જોઈએ.

• વૈભવી જીવન નથી, સાયકલ લઈ નોકરી જાય છે

અમરતભાઈનું કોઈ વૈભવી જીવન નથી. તેઓ પાસે માત્ર સાયકલ અને એક્ટિવા જ છે. અમરતભાઈ જણાવે છે કે, આજે પણ સાયકલ લઈ નોકરી જાવ છું. બહાર એકલા જવાનું હોય તો સાયકલ પર અને જોડે કોઈ હોય તો એક્ટિવાનો ઉપયોગ કરું છું. મારા કાર્યમાં મારો પુત્ર પણ મદદરૂપ થાય છે. તે પણ ઘણીવાર કલોલ કોલેજમાં સાયકલ લઈ અભ્યાસ માટે જાય છે.

• પતિને લાખોનો પગાર છતાં પત્ની બ્લાઉઝ સીવે છે

અમરતભાઈના પત્ની તરૂલતાબહેન પતિના સેવાકાર્યમાં મદદરૂપ થવા જાતે બ્લાઉઝ સિલાઈ કરી ઘરનો આર્થિક ખર્ચ કાઢવામાં મદદરૂપ થાય છે. અમરતભાઈની દીકરી ઓસ્ટ્રેલિયા ખાતે લગ્ન કરી પતિ સાથે સેટલ થઈ છે. આ સેવાકાર્યમાં અમરતભાઈને પરિવારના સભ્યો પૂરેપૂરો સહકાર આપે છે. અમરતભાઈના ત્યાં કોઈ સમાજવાદ કે જ્ઞાતિભેદ નથી. કોઈપણ સમાજના દીકરા-દીકરીના અભ્યાસ માટે તે આર્થિક મદદમાં ઉભા રહે છે.

માનવતાની મિશાલ

વૈભવી જીવન જીવવા કોઈ પણ કપટ અને ભ્રષ્ટાચાર કરી પૈસા કમાવવાની માનસિકતા ધરાવતા લોકો માટે અમરતભાઈ પ્રેરણા છે. દેશમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, તે સંજોગોમાં ભારતીય રેલ્વેનો આ કર્મચારી પોતાની ઈમાનદારી અને પરસેવાની કમાણી બચત કરવાની જગ્યાએ વિદ્યાર્થીઓની ફી ભરવા માટે ખર્ચ કરી રહ્યો છે. (કળયુગ આવ્યો હશે સાહેબ પણ માનવતા હજુ જીવે છે.