2020 ના વર્ષની અંતિમ સોમવારે અમાસે કુબેરભંડારીમાં ભક્તોના દર્શન માટે ભારે ધસારો સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ દર્શન કર્યા. કોરોના અંગે સરકારની ગાઈડલાઈન પ્રમાણે દર્શનની વ્યવસ્થા કરાઈ.

રાજપીપળા,તા. 14
2020 ના 14 ડીસેમ્બર ના રોજ વર્ષના અંતિમ સોમવતી અમાસ હોવાથી સોમવતી અમાસના પગલે કરનાળી સ્થિત પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર ખાતે સવારથી જ ભકતોની ભારે ભીડ જામી હતી. જેમાં સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહ્યું હતું.કુબેર ભંડારી મંદિરએ સોમવતી અમાસના દર્શન કરવા માટે રાત્રીથી જ ભક્તો મંદિર બહાર લાઈન લગાવીને ઉભા રહ્યા હતા. જોકે તંત્ર દ્વારા પણ કોરોના ગાઈડલાઈન પ્રમાણે ભક્તોને દર્શન કરવાની સુવિધાઓ ઉભી કરાઈ હતી.
કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજની પંડ્યાએ જણાવ્યું હતું કે 14 ડિસેમ્બરે સોમવારના રોજ વર્ષની છેલ્લી સોમવતી અમાસ હોવાથી દિવસે કરનાળી સ્થીત પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું.જ્યારે કોરોના સમયમાં સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન પ્રમાણે જ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.નિજ મંદિરમાં બેસીને પૂજા અર્ચના કરવાની તેમજ મંદિરમાં માનેલી ધાર્મિક વિધિ બંધ રાખવામાં આવી હતી.અમાસના દિવસે કોઈ પણ પ્રકારનો ચડાવો ચડાવવા દેવામાં આવતો નહોતો.આ ઉપરાંત દર્શનાર્થીઓ માટે કુબેર ભંડારી ટ્રસ્ટ તરફથી સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર ની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ ઉપરાંત નિયમ પ્રમાણે 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી ઉપરની વ્યક્તિને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા