પ્રકૃતિના દરેક તત્ત્વનો એક ફલનકાળ હોય છે, જેમ કે આંબો પાંચ વર્ષે ફળ આપે, બાજરી નેવું દિવસે પાકે, ઘઉં ચાર મહીને થાય એ જ રીતે દરેક સંબંધને પાંગરતા પ્રાકૃતિક સમય લાગતો જ હોય છે. આજના આધુનિક જમાનામાં આપણે એ જરૂરી સમય ન આપી શકતા હોવાને કારણે સંબંધોની મીઠાશ ખતમ થઈ રહી હોય એવું મને લાગે છે. “love at first sight” મા પ્રથમ નજરે પ્રેમ થાય અને પછી એ પ્રેમનો ઊભરો એટલી ઝડપથી બેસી જાય એની પાછળ પણ કદાચ આ જ તર્ક કામ કરતો હશે. જેમ વનસ્પતિજગતમાં કોઈ છોડને ઇન્જેક્શન આપી કૃત્રિમ રીતે સમયથી વહેલા ફળ મેળવવાના પ્રયત્નમાં છોડનો પૂરતો વિકાસ થવાને બદલે કાં તો તે અકાળે ખરી પડે અથવા તેનામાં જરૂરી મીઠાશ અને આરોગ્યલક્ષી તત્વો ન મળી શકે. કેમ કે આપણું અજ્ઞાન અને સ્વાર્થ દરેક તત્વો પાછળ રહેલા પ્રાકૃતિક નિયમો અને ફલનકાળને સમજી શકવા દેતા જ નથી. એવી જ રીતે નવા સંબંધો બાંધવામાં કે બગડેલા સંબંધને સુધારવા જે સમય, ધીરજ, માવજતની જરૂર હોય તેની સદંતર ગેરહાજરીને કારણે સંબંધો ફરી જીવંત (revive) થઈ શકતા નથી અને આપણે એવું માનતા થઈ જઈએ કે કાચ અને સંબંધ એક વાર તૂટયા પછી જોડાવો શક્ય નથી અને જો જોડાય તો પણ સાંધો તો રહેવાનો જ, પણ જો યથાર્થ અને ઊંડી સમજણ દ્વારા સંબંધને તેના પ્રાકૃતિકરૂપમાં સમજવામાં કે સુધારવામાં આવે તો તે સંબંધોનો સાંધો પણ અદ્રશ્ય થઇ શકે અને ઓરીજનલ રૂપ અને મીઠાશ પાછી મેળવી શકાય. પરંતુ તેના માટે જરૂરી સમજણ, ધીરજ, નિસ્વાર્થ લાગણી અને યોગ્ય ટ્રીટમેન્ટ તેમ જ સમયને સમજવો પડે. દા.ત. કોઈ વ્યક્તિનું આરોગ્ય બગડી રહ્યું હોય તેના તરફ બેદરકારી રાખવામાં આવે તો ધીરે-ધીરે તે સામાન્ય બીમારી મોટું સ્વરૂપ લઇ શકે અને વ્યક્તિને આઈસીયુમાં પણ પહોંચાડી શકે. એ જ રીતે બગડતા સંબંધો તરફ શરુવાતમાં બેધ્યાન કે બેપરવાહ રહેવામાં આવે તો તે સંબંધ પણ આઈસીયુમાં પહોચી શકે. જેમ દર્દીને આઈસીયુમાંથી પાછા તંદુરસ્ત થતા જરૂરી સમય લાગે તેમ સંબંધને પણ ફરી જીવંત થતા સમય લાગવાનો જ. વળી જો જરૂરી ટ્રીટમેન્ટ યોગ્ય સમયે પ્રોપર diagnose કરીને આપવામાં ન આવે તો કાયમ માટે વ્યક્તિને કે સંબંધને ગુમાવવાનો પણ વારો આવી શકે. સંબંધો સામાન્ય રીતે આરોગ્યની જેમ ધીરે-ધીરે જ બગડતા હોય છે. પરંતુ બગડતા સંબંધો તરફ આપણે શરૂઆતમાં બેદરકાર અને બેધ્યાન રહીએ છીએ અને સંબંધને આઈસીયુમાં પહોંચાડી દઇએ છીએ. જ્યારે અહેસાસ થાય ત્યારે એવી અપેક્ષા રાખીએ છીએ કે માત્ર “sorry” કહેતાંની સાથે સંબંધ સુધરી જાય અને પાછો હતો એવો ને એવો પ્રેમાળ બની જાય. વળી એમાં કોઈ સાંધો કે કચાશ પણ આપણને સ્વીકાર્ય નથી. પરંતુ તમને લાગે છે એવું શક્ય છે? જેમ આઈસીયુમાં ગયેલા દર્દીને યોગ્ય સમયે દાખલ કરવામાં આવ્યો હોય, ઉત્તમ ડોક્ટર તેની ટ્રીટમેન્ટ કરતો હોય, time to time યોગ્ય દવા-દારૂ થતા હોય, સગા-સંબંધીઓ તેની યથાર્થ કાળજી લેતા હોય, દરેક તેમની મદદમાં અને સેવામાં ખડે પગે ઊભા રહે તોપણ તે દર્દીને આઈસીયુમાંથી બહાર આવતા અને નોર્મલ થતા સમય તો લાગતો જ હોય છે. વળી એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત પહેલાં જેવો બનતા તો કદાચ વર્ષો પણ નીકળે. જે આપણે સૌ સમજીએ છીએ પરંતુ આ જ સમજણ સંબંધો અંગે આપણે કદાચ કેળવી શકતા નથી એવું મને સતત લાગ્યા કરે છે. પ્રયત્નપૂર્વક અતિશય બેદરકારી દ્વારા આપણે ખૂબ તંદુરસ્ત સંબંધોને બગાડીએ છીએ, તેને આઈસીયુમાં પહોંચાડી દઇએ છીએ, આઈસીયુમાં પહોંચાડ્યા પછી પણ તેને યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં, યોગ્ય ડોક્ટર શોધવામાં, યથાર્થ સેવા અને કાળજી કરવામાં ચૂકી જઈએ છીએ. બહુ મોડું કદાચ સમજાય ત્યારે તત્કાલ એ સંબંધ પહેલા જેવો હતો એવો જ બની જાય એવી અપેક્ષા રાખીએ છીએ. શું એ શક્ય છે ખરું? સૌ પ્રથમ તો એ સમજવું જોઈએ કે તંદુરસ્તીની જેમ સંબંધ બગડવાની શરૂઆત થતાની સાથે જ જાગી જવું જોઈએ. જે વાસ્તવમાં આપણે આજ સુધી આરોગ્ય કે સંબંધોની બાબતમાં કરી શક્યા નથી. માત્ર “precausion is better than cure” એવી સૂફિયાણી વાતો જ કરી શકીયે છીએ. સંબંધોને ટકાવવા જરૂરી પ્રિકોશન લેવાની દરકાર આપણે ક્યારેય લેતા જ નથી. બગડ્યા પછી પણ થોડો સમય ધ્યાન આપતા નથી અને માનીએ છીએ કે સમય સાથે બધું સુધરી જશે. તમને શું લાગે છે એવું થાય ખરું? બગડતા સંબંધનો અહેસાસ આપણને વાસ્તવમાં થતો જ હોય છે, અહેસાસ થતાની સાથે જ તેને યોગ્ય ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરી દેવું જોઈએ. જેથી જીવલેણ પરિસ્થિતિ ન સર્જાય. કદાચ વધુ પડતી વ્યસ્તતાને લીધે બગડતા સંબંધો અંગે શરૂઆતમાં અહેસાસ ન થાય તો પણ “જાગ્યા ત્યારથી સવાર”ની જેમ અહેસાસ થતાની સાથે સંબંધને સામાન્ય અને મધુર બનાવવા માટે ખૂબ ઊંડી સમજણ અને ધીરજ સાથે છેલ્લી કોટિનો પ્રમાણિક પ્રયત્ન કરી લેવો જોઈએ. જેમ આઈસીયુમાં પહોંચેલા દર્દીને ફરી સાજા કરવા આપણે કેવા તન-મન-ધનથી પ્રયત્નો કરીએ છીએ, એવા જ તન-મન-ધન સાથેના પ્રયત્નો સંબંધો સુધારવા પણ થવા જોઈએ. જેમ કે એ વ્યક્તિને શું ગમે છે તેનું ધ્યાન રાખવું, તેની માટે નાની-મોટી ગિફ્ટ ખરીદવી, સતત પ્રેમનો અહેસાસ કરાવવો, અહંકાર છોડી ભૂલની માફી માગવી, સતત કાળજી રાખવી વગેરે. જેમ બીમાર વ્યક્તિને આપણે ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, તેને યોગ્ય દવાઓ આપીએ છીએ, હવાફેર કરાવવા ઉમદા સ્થળોએ લઈ જઈએ છીએ, તેની ઇમ્યુનિટી વધારવાના પ્રાકૃતિક પ્રયત્નો કરીએ છીએ, એ જ પ્રકારની ટ્રીટમેન્ટ સંબંધો સુધારવા માટે પણ થવી જોઈએ અને સૌથી મહત્વની વાત કે તે અંગે ખૂબ ધીરજ રાખી પૂરતો સમય આપવો આવશ્યક છે તે ન ભૂલવું જોઈએ. જેમ આઈસીયુમાં ગયેલ દર્દીને યોગ્ય દવા મળે, ડોક્ટરનું માર્ગદર્શન મળે, સગાઓની હૂંફ અને સેવા મળે છતાં તેને નોર્મલ અને સ્વસ્થ થતા સમય તો લાગે જ છે. વળી દરેક દર્દી માટે એ સમયમર્યાદા જુદી-જુદી હોય છે. તે જ રીતે દરેક બગડેલા સંબંધો માટે પણ યોગ્ય ટ્રીટમેન્ટ છતાં તે સમય જુદો-જુદો હોઈ શકે. રીકવરીની સમયમર્યાદાનો આધાર સંબંધ કેટલો બગડ્યો છે તેના પર છે. વ્યક્તિ ઘાયલ હોય તો ટ્રીટમેન્ટથી આજે નહીં તો કાલે સાજો થવાની શક્યતા ખરી પરંતુ મૃત્યુ પામેલાની ગમે તેટલી માવજત કરો વ્યર્થ છે. તે જ રીતે સંબંધો પણ ઘાયલ હોય ત્યાં સુધી યોગ્ય ટ્રીટમેન્ટ આપી તેને સાજા કરી શકાય બાકી તન-મન-ધનથી કરેલા પ્રયત્નો અને અદમ્ય ઈચ્છા હોવા છતાં તેને પાછા મેળવી શકાતા નથી. પરંતુ આટલી નાની વાત આપણે જીવનપર્યંત સમજી શકતા નથી. જેથી દુઃખ, પીડા અને અફસોસ સિવાય જીવનમાં કશું જ હાથ આવતું નથી. મેં જોયું છે માણસ સંપૂર્ણ ભાનમાં સંબંધોને બગાડે છે, તેને મૃતપાય કરી નાખે છે અને પછી ફક્ત “sorry” દ્વારા ફરી હતો એવો ને એવો ઈચ્છે છે અને તે પણ તુરંત. જે તમને નથી લાગતું નરી મૂર્ખામી છે અથવા અપ્રાકૃતિક અપેક્ષા છે. આઈસીયુમાં પહોંચેલા દર્દી પાસે overnight સંપૂર્ણ દોડતો-ભાગતો અને સ્વસ્થ થઈ જવાની અપેક્ષા રાખવા જેવી વાત છે. જે કદી શક્ય નથી કેમ કે પ્રકૃતિના ચોક્કસ નિયમો છે. જે સૃષ્ટિના દરેક તત્વોને અબાધિત રીતે લાગુ પડે છે. તે પછી ખેતીક્ષેત્રના જુદા-જુદા પાક હોય, શરીર હોય કે માનવીય સંબંધો હોય. ટૂંકમાં બગડેલા સંબંધોને સુધારવા એ જ પ્રકારની તન-મન-ધનયુક્ત ટ્રીટમેન્ટની જરૂર હોય છે જે પ્રકારની એક આઈસીયુના દર્દીને ફરી આરોગ્યપ્રદ બનાવવા માટે થતી હોય અને તેમાં પણ સમય અને ધીરજનું તત્વ સંપૂર્ણ ઉત્તમ ટ્રીટમેન્ટ સાથે એટલું જ મહત્વનું છે. પરંતુ આપણને તો માત્ર સોરી દ્વારા બધું હતું એવું એ એવું પાછું જોઈએ છે જે ઈશ્વર ઈચ્છે તો પણ શક્ય નથી. કોઇ એમ કહે કે હું આજે આંબો વાવો અને મને કાલે ફળ જોઈએ. કેમ કે હું ઈશ્વરમાં ખૂબ માનું છું, મારી પ્રાર્થનામાં તાકાત છે, હું આંબાને ખૂબ ઉત્તમ માવજત (એટલે કે પાણી ખાતર દવા વગેરે) આપું છું અને એટલા માટે તાત્કાલિક ફળની અપેક્ષા રાખવાનો મને હક છે. તો તમને શું લાગે છે એ શક્ય ખરું? એવી જ રીતે સંબંધોને પણ સુધારવામાં તન-મન-ધનયુક્ત યથાર્થ પ્રયત્નો સંપૂર્ણ ધીરજપૂર્વકના જરૂરી હોવા છતાં ચોક્કસ સમય તો આપવો જ પડે. દા.ત. શરીરમાં ફ્રેકચર થાય તમે ઉત્તમ ડોક્ટર, ઉત્તમ દવા, ઉત્તર માવજત આપો છતાં ઓછામાં ઓછો દોઢ મહિનો હિલીંગમાં લાગે જ, એ રીતે બગડેલા સંબંધોને સુધારવા માટેની પ્રાકૃતિક સમયમર્યાદા, યોગ્ય ટ્રીટમેન્ટની માહિતી, સંબંધી તરીકેની યોગ્ય ગુણવત્તા, ધીરજની આવશ્યકતા વગેરેનું જ્ઞાન અતિ આવશ્યક છે, તો કદાચ સંબંધને ફરી જીવંત અને સ્વસ્થ કરી શકાય. વળી આવા તન-મન-ધનયુક્ત પ્રયત્નો પણ યોગ્ય સમયે શરૂ થઈ જવા જોઈએ. સંબધો મૃતપાય થયા પછીના તમામ સક્રિય અને પ્રમાણિક પ્રયત્નો વ્યર્થ છે એ તો સમજવું જ રહ્યું. કેમ કે દરેક સંબંધોનો એક “heaven made” ફલનકાળ હોય છે. એ જ સમયે તે ખીલે છે અને મૂંરઝાય છે પરંતુ મૂરઝાયા પછી ફરી રિવાઇવ થવા માટેનો અવકાશ હંમેશા રહે છે જરૂર છે માત્ર આ ફલનકાળની યથાર્થ સમજણની તેમ જ પ્રામાણિક પ્રેમાળ અને નિસ્વાર્થ પ્રયત્નોની. આટલી વાત આપણે જો સમજી લઈએ તો મને લાગે છે સંબંધોની મીઠાશ જળવાઈ રહે. ટાઈમબિંગ સંબંધોને ગ્રહણ લાગી શકે પરંતુ યથાર્થ સમય અને યોગ્ય માવજત દ્વારા તેને જીવંત (revive) અવશ્ય કરી શકાય. દ્રઢ સંકલ્પ, નિસ્વાર્થ પ્રેમાળ પ્રયત્ન અને સંબંધોના પ્રાકૃતિક ફલનકાળની જાણકારી શું ન કરી શકે? આશા રાખું કે આપણે સૌ જીવનમાં સંબંધોને ખીલવવા અને મૂરઝાયેલા સંબંધોને રિવાઈવ કરવા દર્શાવેલી બાબતોને ધ્યાને લઇ બનતો પ્રયત્ન અવશ્ય કરીએ.
Related Posts
ખેતરમાંથી1.56લાખની કિંમતનો 15કિલો 600 ગ્રામગાંજો પકડાયો
સાગબારા તાલુકાના બર્કતુરા ગામના ખેતરમાંથી ખેતરમાંથી1.56લાખની કિંમતનો 15કિલો 600 ગ્રામગાંજો પકડાયો રાજપીપલા, તા18 સાગબારા તાલુકાના બર્કતુરા ગામના ખેતરમાંથી ખેતરમાંથી1.56 લાખની…
આગામી 8 જુલાઈથી પ્રથમ તબક્કો અને 22 જુલાઈ થી બીજો તબક્કાનું આયોજન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખો જાહેર સરકારના આદેશ બાદ યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષા લેશે આગામી 8 જુલાઈથી પ્રથમ તબક્કો અને 22 જુલાઈ…
ગુજરાત ના કચ્છ પેટાળ મા ફરી તિરાડોને પગલે ભુકંપ ના એધાણ લોકો મા ભય ફેલાયો કચ્છમાં ભૂકંપના આંચકાઓ નો અનુભવ…